કંડલા થી કૂજેરા બંદર જતી શીપ મધ દરિયે હતી ત્યારે તેના કેપ્ટન ની તબિયત લથડતા પોરબંદર જીએમબી કચેરીને એસ.ઓ.એસ. મેસેજ કરતા જીએમબી દ્વારા ટગ મોકલી રેસ્ક્યુ કરી કેપ્ટનને ટગમાં લઇ પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવમાં આવ્યા હતા. એમ. ટી. નિખિલ સિલ્વર નામની શીપ કંડલા બંદરથી કૂજેરા બંદર તરફ જતી હતી ત્યારે શીપના રશિયન કેપ્ટન એલેક્ઝાન્ડરની તબિયત એકાએક લથડી હતી. કેપ્ટનને હાઈબીપી, નાક માંથી લોહી નીકળતું હતું અને અર્ધ બેભાન હાલતમાં હતા અને તાકીદે સારવારની જરૂર ઊભી થઈ હતી જેથી પોરબંદર બંદર પર જી.એમ.બી. કચેરીમાં એસ.ઓ.એસ. નો એક મેસેજ આવેલ હતો અને તેના જવાબમાં કેપ્ટન અરવિંદ મિશ્રા દ્વારા તુરંત જ રિસ્પોન્સ આપતા, શીપને પોરબંદર બંદર ડાયવર્ટ કરવાની મંજુરી આપી અને તુરંત જ બંદરના ટ્રાફિક ઇન્સ્પેકટર શામળાને આદેશ કરી શીપને તમામ પ્રકારની સુવિધા આપવા કહેવામાં આવેલું હતું. તેના જવાબમાં ટ્રાફિક અધિકારી દ્વારા તુરંત જ જીએમબી પોર્ટની પીરોટન નામની ટગ મોકલી દેવામાં આવી હતી. ટગમાં સ્થાનિક શિપિંગ એજન્ટ સુરેશભાઈ સીકોતરા, સહયોગી નિલેશ રાવલ, હિરેન વાઢિયા પહોંચ્યા હતા અને શીપના બીમાર કેપ્ટનને મધદરિયે થી શીપ માંથી બાસ્કેટ વડે રેસ્ક્યુ કરી સફળતા પૂર્વક નીચે ઉતારી પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા છે. મધ દરિયે શીપના રશિયન કેપ્ટનની તબિયત લથડતા જીએમબી દ્વારા ટગ મોકલી બાસ્કેટ ઉતારી રેસ્ક્યુ કરાયું હતુ.