જૈનુલ અન્સારી
સરસ્વતી સાધના યોજના હેઠળ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં સાઈકલ આપવાની હતી. પાંચ મહિના પહેલાં અમદાવાદમાં 9032 સાઈકલ લવાઈ હતી. પરંતુ માત્ર 549 એટલે કે, 6 ટકા વિદ્યાર્થિનીને જ સાઈકલ અપાઈ છે. બાકીની લાંભા પાસેની એક સ્કૂલના મેદાનમાં પડી પડી કાટ ખાઈ ગઈ છે. એક સ્થાનિક રાહુલ પરમારે આપેલી માહિતી મુજબ મેદાનમાં એ હદે ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે કે, હવે સાઈકલો દેખાતી પણ નથી. મોટાભાગની સાઈકલને કાટ લાગી ગયો હોવા ઉપરાંત ટાયરની રિંગો અને સીટો પણ તૂટી ગયા છે. ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ વિભાગે આળસ કરી સાઈકલનો ઓર્ડર છેક માર્ચ 2024 એટલે કે એક વર્ષ મોડો આપ્યો હતો. મે સુધી સાઈકલ પૂરી પાડવાની હતી પરંતુ 5 મહિના વિતવા છતાં હજુ સુધી લાભાર્થીઓને અપાઈ નથી. હવે આ સાઈકલો રંગરોગાન કરીને અપાશે. 15 જિલ્લામાં તો એકપણ સાઈકલનું વિતરણ ન થયું રાજ્યની વિદ્યાર્થિનીઓ માટે અંદાજે 1.70 લાખ સાઈકલની માંગ હતી પરંતુ અધિકારીઓની બેદરકારી અને આળસને કારણે ફક્ત 12 હજાર એટલે કે 7 ટકા સાઈકલનું જ લાભાર્થીઓને વિતરણ થઈ શક્યું છે. 15 જિલ્લા એવા છે જ્યાં એકપણ સાઈકલનું વિતરણ થયું નથી. હવે રંગરોગાન કરી વિતરણ કરાશે છબરડો પકડાતાં હવે સાઈકલ પર રંગરોગાન કરી તેમજ કાટ કાઢીને વિદ્યાર્થિનીઓને આપવાની તૈયારી છે.