લગ્ન સમારંભો હવે ધાર્મિક વિધિ સાથેના સપ્તપદીના માત્ર ફેરા નહીં પરંતુ ‘ઇવેન્ટ’ બની રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી આર્થિક સધ્ધરતા અનુસાર એક એક પ્રસંગને ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા આકર્ષક કરવામાં આવે છે અને તે કાયમી સંભારણું બને તે માટે ફોટો અને વિડીયો શુટ કરાય છે. આ મુખ્ય પ્રસંગથી પણ યુગલ માટે વધુ મહત્વનું બન્યું છે પ્રીવેડ શૂટ. ફોટોગ્રાફર દર વર્ષે કંઈક નવું આપવાની હરીફાઈ સાથે કચ્છના વિવિધ લોકેશન ફરી વળે છે. હાલ ઐતિહાસિક જગ્યાઓ પર શૂટ કરવાનું મહત્વ વધ્યું છે. કચ્છમાં અબડાસા, લખપત અને માંડવી તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં 80 થી 100 વર્ષ જુના હવેલી જેવા મકાનો મળી રહે છે કે જેનો ‘આઉટ લુક’ જૂનું દેખાય. જેમ ભુજના શાકમાર્કેટનું અને ત્યાં વર્ષો જુની દુકાન પાસે ગત વર્ષે શૂટ કરાયું હતું તેમ આ વર્ષે માંડવી તાલુકાના પુનડી ગામનો ગઢરાંગ, ગજોડ ડેમ પાસે આવેલો જુમખા વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ જતા કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. તેમજ અબડાસા તાલુકાના તેરા, કોઠારા જેવા ગામની ડેલી બંધ મકાન નું આકર્ષણ વધ્યું છે. પ્રિવેડ શૂટ માટે પાંચેક વર્ષથી પ્રસ્થાપિત થયેલા રોડ ટુ હેવન અને સફેદ રણ વિસ્તાર ડ્રોન કેમેરા દ્વારા ફોટોગ્રાફી પર પ્રતિબંધિત કરવામાં આવતા ત્યાં હવે વિડિયો અને ફોટોગ્રાફી નથી થતી. ગત વર્ષે રંગની છોળ ઉડાડતા ફટાકડા ફોડીને પર્યાવરણને નુકસાન કરવામાં આવતા પ્રતિબંધ લદાયો છે. ફોટોગ્રાફી સાથે પાંચ દાયકાથી જોડાયેલા કંસારા પરિવારના જય જણાવે છે કે, લગ્નના ફોટોગ્રાફી ઓર્ડર બુક થાય ત્યારે જ કપલ દ્વારા પ્રિવેડ શૂટ ક્યાં કરવું તેની ચર્ચા થાય છે, બેઠકો થાય છે અને લોકેશન વિશે માહિતીની આપલે થાય છે. બંને પાત્રોના ટેસ્ટ મુજબ ગીત સંગીત અને જગ્યા નક્કી થાય છે. સોશિયલ મીડિયાનું પ્રભુત્વ એટલું બધું છે કે, લગ્ન તારીખથી 15 દિવસ અગાઉ ફોટો શૂટ કરીને છેલ્લા આઠ દિવસથી પ્રસંગની જાણકારી ઈન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર મુકવામાં આવે છે. સફેદ રણનું આકર્ષણ પ્રીવેડ શૂટ માટે પણ ઘટ્યું
કચ્છના ફોટોગ્રાફર્સ અન્ય લોકેશનની સાથે સાથે સફેદ રણમાં પણ ખૂબ શૂટિંગ કર્યું છે. તે ઉપરાંત જિલ્લા બહારના અમદાવાદ, રાજકોટ, બેંગ્લોર સહિતના ફોટોગ્રાફર્સ સફેદ રણમાં કપલનું શૂટ કરી ગયા છે. પરંતુ આ વર્ષે એક તો સરકાર દ્વારા બે લોકેશન પર ડ્રોન ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ અને સફેદ રણ ન બન્યો હોવાની વાત બધે જ ફરી વળતા કચ્છમાં બહારથી ફોટોગ્રાફર નથી આવ્યા.