2022 માં યુદ્ધની શરૂઆતથી યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેને 34 ડ્રોન વડે મોસ્કોને નિશાન બનાવ્યું છે. આ હુમલાને કારણે મોસ્કોના ત્રણ મોટા એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, જોકે એક વ્યક્તિ ઘાયલ થયો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલાને લઈને નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે કહ્યું કે તેણે 34 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે અને હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. રશિયાએ યુક્રેનના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે. યુક્રેને રશિયાના કેમિકલ પ્લાન્ટ પર પણ હુમલો કર્યો હતો
યુક્રેને શનિવારે દાવો કર્યો હતો કે તેણે શુક્રવારે મોડી રાત્રે રશિયાના પશ્ચિમી શહેર તુલામાં એક કેમિકલ પ્લાન્ટને નિશાન બનાવ્યું હતું. યુક્રેનના સ્પેશિયલ ઓપરેશન ફોર્સ એસબીયુએ કહ્યું કે તેણે હુમલામાં 13 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો અને ધુમાડાના વાદળો ફેલાઈ ગયા હતા. SBU અનુસાર, આ પ્લાન્ટમાં રશિયન આર્મી માટે દારૂગોળો બનાવવામાં આવે છે. હુમલા બાદ પ્લાન્ટમાંથી કેસરી રંગનો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સીએનએન અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે હુમલામાં એલેક્સિનસ્કાયા થર્મલ પાવર પ્લાન્ટને પણ નુકસાન થયું છે. આ હુમલામાં 110 KV પાવર ટ્રાન્સમિશન લાઇનને પણ નુકસાન થયું છે. આ કેમિકલ પ્લાન્ટ રાજધાની મોસ્કોથી 200 કિમી દક્ષિણમાં સ્થિત છે. સપ્ટેમ્બરમાં 150 ડ્રોન વડે હુમલો કર્યો હતો
યુક્રેને 1 સપ્ટેમ્બરે 150થી વધુ ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો હતો. અઢી વર્ષ સુધી ચાલેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલીવાર યુક્રેને રશિયા સામે એક સાથે આટલી મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. યુક્રેને પણ રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલા કર્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, શહેર પર 11 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં એક ઓઈલ રિફાઈનરી અને એક ટેકનિકલ રૂમને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓઈલ રિફાઈનરી પર હુમલા બાદ તેમાં વિસ્ફોટ થયો હતો. આ પછી ગાઢ ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા હતા. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર યુક્રેને 15 પ્રાંતોમાં 158 ડ્રોન વડે હુમલો કર્યો હતો. રશિયામાં વધુ ઘૂસીને હુમલો કરવા માંગે છે યુક્રેન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી હવે રશિયામાં વધુ ઘૂસીને હુમલો કરવા માંગે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, તેઓ આમાં મદદ માટે અમેરિકા પર દબાણ પણ બનાવી રહ્યા છે. ઝેલેન્સકીએ સપ્ટેમ્બરમાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે જો યુક્રેન રશિયન એરફિલ્ડ અને સૈન્ય મથકોને નિશાન બનાવશે તો જ રશિયાના હુમલા રોકી શકાશે. અમે દરરોજ અમારા ભાગીદાર દેશો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. આ માટે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો નાટો યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવાની મંજૂરી આપે છે, તો તેને યુક્રેન યુદ્ધમાં નાટોની ભાગીદારી માનવામાં આવશે.