રાજકોટ મહાનગરપાલિકા લોકોના સારા પ્રસંગો માટે રાહતદરે જગ્યા મળે તે માટે અલગ અલગ સ્થળોએ કોમ્યુનિટી હોલ બનાવ્યા છે. આ પૈકી પ્રથમ વખત પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યો છે. 3 વર્ષ પહેલાં આ અંગે જાહેરાત કરાઈ હતી પણ કોઇને કોઇ કારણોસર કામ આગળ વધતું ન હતું જોકે તાજેતરમાં જ કાલાવડ રોડ પર ગ્રેસ કોલેજ પાસે પાર્ટી પ્લોટ બનાવવા માટે મનપાએ ટેન્ડર કર્યા છે. મનપાના જણાવ્યા અનુસાર કાલાવડ રોડ પર ગ્રેસ કોલેજ પાસે ટી.પી. સ્કીમ નં.10 પ્લોટ નં.73Bમાં પાર્ટી પ્લોટ બનશે. આ માટે કુલ 11036 ચોરસ મીટર જગ્યા પર કામ ચાલુ કરાશે જે પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ટેન્ડર આવ્યા બાદ કેટલો ખર્ચ થશે તે સ્પષ્ટ થશે. આ પાર્ટી પ્લોટમાં 1500 લોકો એકસાથે પ્રસંગમાં હાજરી આપી શકે તે માટે 5522 ચોરસ મીટરનો વિશાળ લોન એરિયા બનાવાયો છે. આટલા લોકોના વાહનો પણ સમાવવા જોઈએ તે માટે જેટલો લોન એરિયા છે તેટલું જ 5514 ચોરસ મીટરનું વિશાળ પાર્કિંગ પણ બનાવાયું છે. આ પાર્કિંગમાં 161 કાર અને 370 બાઈક સમાય તેવી ક્ષમતા છે. પાર્ટી પ્લોટની વિશેષતા { સ્થળ : કાલાવડ રોડ પર ગ્રેસ કોલેજ પાસે { કુલ ક્ષેત્રફળ : 11036 ચોરસ મીટર { લોન એરિયા : 5522 ચોરસ મીટર { પાર્કિંગ : 5514 ચો.મી. { ક્ષમતા : 1500 લોકો { સુવિધાઓ : સ્ટેજ, વર-વધૂ માટે રૂમ, કિચન તેમજ રિફ્રેશમેન્ટ એરિયા પાર્ટી પ્લોટ બની ગયા બાદ એજન્સીને સોંપવા માટે નવેસરથી ટેન્ડર કરાશે આ પાર્ટી પ્લોટનું બાંધકામ એક વર્ષમાં થઈ જશે. બાંધકામ પૂર્ણ થવાને આરે હશે ત્યારે મનપાની એસ્ટેટ શાખા ટેન્ડર કરશે અને એજન્સીને લાંબા ગાળા માટે અપાશે. જેમાં એજન્સીએ સારસંભાળ સહિતનો ખર્ચ ભોગવવાનો રહેશે તેમજ મનપા નક્કી કરે તે મર્યાદામાં લોકો પાસેથી પાર્ટી પ્લોટનું ભાડું લેવાનું રહેશે. જો ભાડાની સત્તા મનપા પાસે રહે તો પ્રસંગ દીઠ એજન્સીને ચૂકવણું કરવા પણ વિચારણા કરાશે.