વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રોજ લાખોની સંખ્યામાં હરિભક્તો આ મહોત્સવમાં સહભાગી થઈ ભાવવિભોર બની રહ્યા છે. ત્યારે અહીં આવેલા ફૂલ ભંડારની વાત કરીએ તો, મહોત્સવ સ્થળે મુંબઈ, નાસિક, ખેડા વગેરે સ્થળોએથી દૈનિક અઢીસોથી વધુ મણ ફૂલોનો જથ્થો આવે છે. એ બાદ છૂટાં ફૂલોને ગૂંથી હાર બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ડોમમાં ફૂલહારનો સ્પેશિયલ વિભાગ સભામંડપ પાસે ઊભો કરાયો છે. જેમાં હાર બનાવવા દૈનિક 250-300 સ્વયંસેવકો જોડાય છે. આ હાર અને છૂટા ફૂલો તેમજ ગુલાબની પાંખડીઓને સવારે મહોત્સવનાં તમામ સ્થળોએ વિતરણ કરવામાં આવે છે. વાંચો: સ્વામિનારાયણ ભગવાને ઇંટો ઉંચકી બનાવ્યું વડતાલધામ ડોમમાં ફૂલોના જથ્થાને રાખવામાં આવે છે
વડતાલના આંગણે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. મંદિરના પાછળના ભાગે 800થી વધુ વીઘા જમીનમાં આ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. યજ્ઞશાળા, મહાપૂજા સ્થળ, કથા મંડપ, સભા મંડપ, બાળ મહોત્સવમાં, સાંસ્કૃતિક પ્રદર્શનમાં દૈનિક ફૂલહારની જરૂર પડતા રોજના અઢીસો મણથી વધુ ફૂલોનો જથ્થો મહોત્સવ સ્થળે આવે છે. મહોત્સવ સ્થળે તૈયાર કરાયેલા ડોમમાં આ ફૂલોનો જથ્થો સ્ટોરેજ થાય છે અને એ બાદ સાંજે હાર બનાવવા માટે 300 જેટલા સ્વયંસેવકો જોતરાઈ જાય છે. આ સમગ્ર ડોમ એસી છે. અંદાજ મુજબ દૈનિક 15 હજારથી વધુ હાર બનાવવામાં આવે છે
આ ફૂલોનો જથ્થો મુંબઈ, નાસિક, ખેડા વગેરે સ્થળોએથી મોટી માત્રામાં લાવવામાં આવે છે. નૌતમ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ફૂલોનો જથ્થો આવે છે. જે બાદ અહીંયાં મહોત્સવ સ્થળે આવ્યા બાદ તેનો હાર બનાવવા માટે સ્વયંસેવકો લાગી જાય છે. અંદાજે 250-300 જેટલા સ્વયંસેવકો જેમાં પુરુષો અને મહિલાઓ ફૂલોના ઢગ વચ્ચે પલાંઠી વાળીને ફૂલોને ગૂંથી હાર બનાવવાની કામગીરી શરૂ કરે છે. દરરોજ સાંજે 3 વાગ્યે આ કામગીરી શરૂ થાય છે જે મોડી રાત સુધી ચાલુ રહે છે. એક અંદાજ મુજબ 15 હજારથી વધુ હાર હરિભક્તો અહીંયાં બનાવી મહોત્સવ સ્થળે રવાના કરે છે. હરિભક્તો પર 300 કિલો ફૂલોનો વરસાદ
આ ઉપરાંત દૈનિક ચાલી રહેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં 300 કિલો ફૂલોની વર્ષા સંતો અને હરિભક્તો પર કરવામાં આવે છે. ગુલાબ, હજારીના દૈનિક અઢીસોથી વધુ મણનો જથ્થો વડતાલમાં આ મહોત્સવ સ્થળે આવે છે. મોડીરાત્રે આ કામગીરી પૂર્ણ થયા બાદ વહેલી સવારે જ મહોત્સવ સ્થળે વિતરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. આમ 24 કલાક આ સેવા ચાલી રહી છે. સેવામાં ખૂણે ખૂણેથી આવેલા હરિભક્તો જોડાયા
આ ફૂલહાર વિભાગની સેવાને સંભાળનાર દિનેશભાઇ ઠક્કરે જણાવ્યું કે, ઠાકોરજીની સેવામાં અમે સતત તત્પર રહીએ છીએ, 250-300 સ્વયંસેવકો હાર બનાવવાની કામગીરીમાં જોડાય છે. દૈનિક 15થી 20 હજાર હાર બનાવીએ છીએ, નૌતમપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ કાર્ય સતત કરી રહ્યા છે. આ સેવામાં વડોદરા, તારાપુર, પાડગોલ, અમદાવાદ સહિતના ખૂણે ખૂણેથી આવેલા હરિભક્તો જોડાયા છે. આ ફૂલોના હાર અને ફૂલો અખંડ ધૂન, વિષ્ણુયાગ, મહાપૂજા સહિતમાં વપરાય છે. આ ફૂલો નાસિક, પુણે, મુંબઈથી લાવવામાં આવે છે. હજારો હાર બનાવવામાં આવે છે
સ્વયંસેવક પુલકિત રસિકભાઈ પંચાલ (પાડગોલ)એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શતાબ્દી મહોત્સવમાં હાઉસ કીપિંગની સેવા કરવા આવું છે, પણ ફ્રી સમયમાં ફૂલહારની સેવામાં લાગી જાઉં છું. આ ફૂલો ભગવાનનું સ્વાગત કરવા માટે અને ભગવાનને પહેરાવવા માટે મંગાવવામા આવે છે. દરરોજ હરિભક્તો દ્વારા હજારો હાર બનાવવામાં આવે છે. 250 મણ ફૂલો પુના, નાસિકથી આવે છે. જે છૂટાં ફૂલો આવે છે તેમાંથી અમે પાંદડી છૂટી પાડીને બધા હરિભક્તોની સ્વાગત વિધિ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયાં ટ્રેક્ટરો ભરીને ફૂલો આવે છે
અન્ય સ્વયંસેવક બામણગામથી આવેલા જલારામ શાંતિલાલ ચાવડાએ જણાવ્યું કે, ફૂલ અહીંયાં ટ્રેક્ટરો ભરીને આવે છે. આ ફૂલહાર હરિભક્તો અને મહેમાનોને પહેરાવવામાં આવે છે. દરરોજ અંદાજિત પંદરેક પોટલાં પાંદડીઓનાં આવે છે. અહીંયાં સ્વયંસેવકો હાર વીસ વીસ નંગ ગણીને પાઈપમાં મૂકીને પાંજરામાં ગોઠવવામાં આવે છે. ભક્તો દિવસ-રાત હાર બનાવવાની કામગીરી કરે છે
જિતેન્દ્રભાઈ નામના સ્વયંસેવકે જણાવ્યું કે, રોજના 15થી 20 હજાર હાર બનાવીએ છીએ. ગુલાબનાં ફૂલ આવે છે. 200 કિલો પાંદડી આવે છે. છૂટાં ફૂલ ગુલાબના 50 કિલો આવે છે. 15 હજાર ગોટાના છૂટા ફૂલો આવે છે. અહીંયાં અમારી સેવા હાર બનાવીને મંડપમાં જે હરિભક્તો બેઠા હોય તેમને ચંદનનો ચાંલ્લો કરીને પહેરાવવાની છે. હાર બનાવવાનું આ કામ રાત્રીના સમયમાં અડધી રાત સુધી અમારે કરવાનું હોય છે. સવારે 8 વાગ્યાની આસપાસ વિતરણ કરી દેતા હોય છે. આ સેવામાં જોડાયેલા પઢિયાર નરેન્દ્રભાઇએ જણાવ્યું કે, હું અહીંયાં ફૂલોની સેવામાં જોડાયેલો છું. અહીંયાં રોજ અમે 10 હજાર ઉપરાંત ફૂલો પરોવીને સભામંડપમાં મોકલીએ છીએ. આ ઉપરાંત યજ્ઞશાળામાં પણ મોકલીએ છીએ. હજારીનાં છૂટાં ફૂલ આવે છે. તેમાંથી હજારો હાર બનાવીએ છીએ. એક હાર બનાવવા માટે અંદાજે અમને ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે. 250થી વધારે અહીયાં સ્વયંસેવકો છે. જેમાં 150 જેટલી બહેનો છે. 100થી વધારે ભાઈઓ છે. આ હાર બનાવવાનો સમય બપોરે 3થી મોડીરાત સુધી કામગીરી ચાલે છે.