સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગત 8 નવેમ્બરે 20 વર્ષીય યુવતી રહસ્યમય રીતે પોતાના ઘરની બહાર જતી રહી હતી. ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે બાદ બીજા દિવશે યુવતીનો તાપી નદીમાંથી તરતો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારને શંકા છે કે, યુવાન દીકરી સાથે દુષ્કર્મમાં આચરવામાં આવ્યું છે અથવા તો તેની સાથે શારીરિક હડપલા કરવામાં આવ્યા છે. ભારે રોષ સાથે પરિવારજનો અને સમાજના લોકો ન્યાયની માંગ સાથે દીકરીની અર્થી લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા. અહીં પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. રહસ્યમય રીતે ગુમ દીકરીનો પાણીમાંથી મૃતદેહ મળ્યો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દિન દયાળ સોસાયટીમાં રહેતા અરવિંદ આલોદરા સફાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારના રોજ તેમની 20 વર્ષીય દીકરી અનિતા રાત્રિના સમયે અચાનક ગુમ થઈ ગઈ હતી. જે બાદ પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ યુવતીની કોઈ ભાળ મળી નહોતી. બીજા દિવસે નદીમાંથી તરતી લાશ મળી
દરમિયાન શનિવારની વહેલી સવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સિદ્ધકુટીર પાસે તાપી નદીમાંથી યુવતીની તરતી લાશ મળી આવી હતી. ઘટનાની જાણકારી મળતા કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો મેળવ્યો હતો અને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. યુવતી જોડે અઘટીત ઘટના બની હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. જે પેનલ પીએમના રિપોર્ટમાં યુવતીનું મોત ડૂબવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ આપ્યું હતું. જે બાદ કાપોદ્રા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. દીકરી સાથે કોઈ અઘટીત ઘટના બની હોવાની શંકાઃ હિંમતભાઈ
આ અંગે વાલ્મિકી સમાજના આગેવાન હિંમતભાઈએ જણાવ્યું હતું કે, યુવતી સમાજની દીકરી છે. દીકરી જોડે કોઈ અઘટીત ઘટના બની હોવાની શંકા છે, જેથી ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે. પોલીસ પાસે સમાજ અને પરિવાર માંગ કરી રહ્યું છે કે, યુવતીનું મોત ક્યાં કારણોસર અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવે. આ માત્ર અમારા પરિવારની દીકરી નથી, પરંતુ સમગ્ર સમાજની દીકરી છે. દીકરીને અન્યાય મળવો જોઈએ. પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો
આ ઘટનામાં પરિવાર અને સમાજના લોકો ન્યાયની માગ સાથે દીકરીની અર્થી લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અહીં પરિવાર અને સમાજના લોકોને પોલીસ દ્વારા યોગ્ય સમજણ આપવામાં આવી હતી. સમાજ અને પરિવારની દીકરીએ પોલીસની પણ દીકરી છે, તેમ કહી ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી પોલીસ તરફથી આપવામાં આવી હતી. પોલીસના આશ્વાસન બાદ પરિવાર અને સમાજના લોકોનો ગુસ્સો થાળે પડ્યો હતો. જે બાદ પરિવાર યુવતીના મૃતદેહને લઈ અંતિમવિધિ માટે રવાના થયું હતું. જોકે, યુવતીના મોત પાછળનું સાચું કારણ શું છે તે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.