ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી કરનાર આતંકવાદીઓને રોકવા માટે ભારતીય સેના દ્વારા થ્રી લેયર સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની શક્યતા વધી છે અને સતત આતંકી હુમલા થઈ રહ્યા છે, ત્યારે સેનાએ ત્રણ સ્તરની વ્યૂહરચના તૈયાર કરી છે. પ્રથમ લેયર: લાઈન ઓફ કંટ્રોલ
કાશ્મીરના ગુરેઝથી ઉરી સુધી અને જમ્મુના પુંજથી અખનૂર સુધીના વિસ્તારને લાઈન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. તેથી, નિયંત્રણ રેખા પર ફિઝિકલ અને ટેક્નિકલ સર્વિલાન્સ વધારવામાં આવ્યું છે. સેનાએ આ સ્થળોએ ઘૂસણખોરી સામે કાર્યવાહીને મજબૂત બનાવી છે. આ માટે વાહન ફેન્સીંગ, હાઇ ડેફિનેશન કેમેરા, રિમોટલી ઓપરેટેડ વ્હિકલ, ડ્રોન, નાઇટ વિઝન ડિવાઈસ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે બોર્ડર પર હાજર ગામોનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. બીજું લેયર: રિસેપ્શન એરિયા
રિસેપ્શન એરિયા એ છે જ્યાં અંદર ઘૂસણખોરી કરનાર આતંકવાદી તેના ઓવર ગ્રાઉન્ડ વર્કરને મળે છે. આ વિસ્તારમાં પણ CRPFની તહેનાતી વધારી દેવામાં આવી છે. અહીં ખાસ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે જે જોવામાં ખૂબ જ મુશ્કેલ છે. ત્રીજું લેયર: હિન્ટર લેન્ડ
આ એક વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ તેમના ઓવરગ્રાઉન્ડ વર્કરની મદદથી છુપાઈ જાય છે. આ વિસ્તારોમાં સાદા વસ્ત્રોના માણસોની તહેનાતી વધારી દેવામાં આવી છે. અહીં સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે પહેલા આતંકવાદીઓ ઓવરગ્રાઉન્ડ વર્કરોના હોટસ્પોટ્સનો ઉપયોગ કરતા હતા, હવે તેઓ વાતચીત કરવા માટે પેઇડ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જેની કમ્યુનિકેશન સિસ્ટમ તોડવી મુશ્કેલ છે. તેના માટે હવે ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી, સીઆરપીએફ અને સીમા સુરક્ષા દળે છુપાયેલા આતંકવાદીઓ માટે સ્યુડો ઓપરેશન શરૂ કર્યું છે.