સુરતના નાનપુરા વિસ્તારમાં ગઈકાલે મધરાત્રિનો બનાવ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મોડી રાત્રે અજાણ્યો શખસ ચાર વર્ષની બાળકીને લઈને ભાગવાનો પ્રયાસ કરતો હતો તે સમગ્ર ઘટનાને લઈને ડરનો માહોલ ઊભો થયો છે. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. અજાણ્યો શખસ મધરાત્રે બાળકીને લઈને ભાગ્યો
નાનપુરા વિસ્તારની દોતવાલની ગલીમાં ગઈકાલે મધરાત્રે ચાર વર્ષની બાળકીને ઊંચકીને લઈને જવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. કોઇ શખસ દ્વારા બાળકીને લઇને ભાગવાનું શરૂ કર્યું હતું. જોકે, થોડા દૂર દોડતા દોડતા તે બાળકી સાથે ગુલાંટ ખાઈને નીચે પડી ગયો હતો. તેના હાથમાં રહેલી બાળકી પણ નીચે પડતા બાળકીએ મોટેથી રડવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બાળકીના રડવાના અવાજથી ગભરાયેલો શખસ બાળકીને મૂકીને ઝડપભેર ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો. આ દરમિયાન બાળકીનો અવાજ આવવાથી સાથે જ ગલીના સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ ચાર વર્ષની બાળકીની માતા તે મુકબધીર છે, તેનો લાભ લઇને અજાણ્યો શખસ બાળકીને ઉપાડી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી ન હતી. જોકે, પોલીસને બીજા દિવસે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ બાળકીના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સ્થાનિક લોકો સાથે સમગ્ર ઘટના અંગે વાતચીત પણ શરૂ કરી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, ચાર વર્ષની બાળકીને લઈને ભાગવાનો પ્રયાસ કરનાર પરિચિત છે કે અજાણ્યો તે દિશામાં પણ હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.