ઉત્તર ગુજરાતમાં પહેલીવાર 5 શહેરોમાં ઠંડીનો પારો 21 ડિગ્રીથી નીચે રહ્યો હતો. મહેસાણામાં 20 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. ઉત્તર ગુજરાતમાં શનિવારે પણ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ રાત્રીના તાપમાનમાં વધુ અડધા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અત્યાર સુધીની સિઝનમાં પહેલીવાર 2 શહેરોમાં ઠંડીનો પારો 19 ડિગ્રીથી નીચે આવ્યો હતો. હિંમતનગરમાં 18.4 અને મોડાસામાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ફેરફારને લઇ ઠંડીનું જોર સામાન્ય વધ્યું હતું. 24 પૈકી 12 કલાક સુધી વાતાવરણમાં હળવી ઠંડીનો અનુભવ શરૂ થયો છે. બીજી બાજુ દિવસના તાપમાનમાં આંશિક ઘટાડો થતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 35.2 થી 37.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેને લઇ બપોરે 12 થી 4 વાગ્યા સુધી આકરી ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ ચારેક દિવસ રાતનું તાપમાન આંશિક વધ-ઘટ રહેશે.