અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માતથી લઈને ચોરી લૂંટફાટ જેવા બનાવો બનતા હોય છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાસણાથી લઈને વાડજ સુધી રિવરફ્રન્ટ પરના ખુલ્લા મેદાનોના ભાગમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી ચોરી અને ઘટનાઓ પર નજર રાખી શકાય છે. રિવરફ્રન્ટના રોડ પરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ટ્રાફિક પોલીસ જે પણ વાહનચાલક દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તેને ઈ મેમો મોકલવામાં આવશે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત CCTV લગાવાયા
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા રોડ અને વિવિધ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પર દિન પ્રતિદિન ચોરી, લૂંટફાટ, છેડતી અને તોડબાજીની ઘટનાઓ વધતાં ભાજપના ધારાસભ્યો દ્વારા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા સેફ સિટી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટના બંને છેડા તરફ વાસણાથી લઈ વાડજ અને દાણીલીમડાથી લઈ શાહીબાગ સુધી જેટલા પણ ખુલ્લી જગ્યાઓ આવેલા છે ત્યાં થોડા થોડા અંતરે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મુવિંગ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 50થી વધુ સીસીટીવી કેમેરાથી સીધું મોનિટરિંગ
સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન, પાલડી એનઆઇડી, દધીચી બ્રિજ, અટલ બ્રિજ, જમાલપુર બ્રિજ સહિત બંને તરફ અંદાજે 50થી વધુ સીસીટીવી કેમેરા લગાવી તેનું સીધું મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાંથી કરવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર વાહન ચાલકો બેફામપણે વાહન ચલાવી અકસ્માત પણ કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. 16 જંકશનો પર ટ્રાફિક નિયમ ભંગ ઈ-મેમો મોકલાશે
રિવરફ્રન્ટ રોડ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેના માટે 16 જેટલા વિવિધ જંકશનનો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનાથી જે પણ વાહન ચાલક દ્વારા ટ્રાફિક ના નિયમોનો ભંગ કરવામાં આવે તેને ઈ-મેમો મોકલવામાં આવશે. જે ચાર રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોના માટે લગાવેલા સીસીટીવી કેમેરા નથી, ત્યાં નાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જમાલપુર બ્રિજ પાસે ત્રિપલસવારી એક્સિડન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ પર અનેક અકસ્માતના બનાવો પણ બની ચૂક્યા છે. બે દિવસ પહેલા પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ પર જમાલપુર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે એક મોપેડ પર ત્રિપલ સવારીમાં સગીરો નીકળ્યા હતા. બેફામપણે મોપેડ ચલાવવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. સગીરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. નકલી પોલીસે કપલોનો તોડ કર્યો
રિવરફ્રન્ટ ઉપર ભૂતકાળમાં નકલી પોલીસ બનીને પણ ફરવા આવતા કપલો પાસેથી તોડ કરવામાં આવ્યા હોવાના બનાવો પણ બન્યા છે. કપલને ડરાવી ધમકાવી નકલી પોલીસ પૈસા પડાવી લેતા હતા. આત્મહત્યા અને હત્યાના બનાવો
સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા અને હત્યાના બનાવો પણ બની ચૂક્યા છે. એક વર્ષ પહેલા સાબરમતી પર પશ્ચિમ છેડા તરફ એક યુવકે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. સૌપ્રથમ તો યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે, તે અંગે જ મોટી શંકા-કુશંકા વહેતી થઈ હતી. જેમાં યુવકના અવરજવર કે કોઈપણ સ્થળના સીસીટીવી ન હોવાના કારણે પોલીસને આ કેસમાં જલ્દી સફળતા મળી નહોતી. જોકે, અન્ય હત્યાના ભેદ ઉકેલાયો હતો. ત્યારબાદ ખબર પડી હતી કે, આ યુવકે આત્મહત્યા કરી છે. ચોરી અને લૂંટફાટના ભૂતકાળના બનેલા કિસ્સાઓ બાદ પોલીસે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને કેમેરા લગાવ્યા છે.