બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ રવિવારે એક કાર્યક્રમ યોજવાની હતી. આ કાર્યક્રમ 1990માં માર્યા ગયેલા પાર્ટી કાર્યકર નૂર હુસૈનના શહીદ દિવસ નિમિત્તે આયોજિત થવાનો હતો. જો કે, કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તેની સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ ઢાકામાં અવામી લીગના હેડકવાર્ટર અને ઝીરો પોઈન્ટનો ઘેરાવ કર્યા હતા. અવામી લીગે ઝીરો પોઈન્ટ પર નૂર હુસૈનની પુણ્યતિથિ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દેખાવકારોમાં વિદ્યાર્થી આંદોલન, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી, જમાત-એ-ઈસ્લામી અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોનો સમાવેશ થાય છે. શનિવારે મોડી રાત્રે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુનુસ સરકારે અવામી લીગને ફાસીવાદી પાર્ટી ગણાવી હતી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે વિરોધ મામલે ફેસબુક પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં આલમે લખ્યું છે કે અવામી લીગ એક ફાસીવાદી (કટ્ટરવાદી) પાર્ટી છે. આલમે લખ્યું કે આ ફાસીવાદી પાર્ટીને વિરોધ કરવા દેવામાં આવશે નહીં. હસીનાની પાર્ટીના વિરોધમાં જે પણ જોડાશે તેને સરકારી એજન્સીઓનો સામનો કરવો પડશે. આલમે કહ્યું કે વચગાળાની સરકાર દેશમાં કોઈપણ પ્રકારની હિંસા કે કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘનને મંજૂરી આપશે નહીં. અવામી લીગે ટ્રમ્પના પોસ્ટર લાવવાનું કહ્યું હતું શેખ હસીનાની અવામી લીગ પાર્ટીએ કાર્યકર્તા નૂર હુસૈનની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે 1990માં જનરલ ઈરશાદ વિરુદ્ધ આંદોલનમાં માર્યા ગયા હતા. પાર્ટીએ કહ્યું હતું કે તે ઢાકાના ઝીરો પોઈન્ટ પર ભેગા થશે. કાર્યક્રમ દરમિયાન અવામી લીગે દરેકને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર લાવવાનું કહ્યું હતું. ખરેખરમાં, અવામી લીગનું માનવું છે કે શેખ હસીનાને પદ પરથી હટાવવામાં બાઈડન સરકારની પણ ભૂમિકા હતી. અવામી લીગે તેના ફેસબુક પેજ પરથી જારી કરેલા નિવેદનમાં કહ્યું હતું કે તાનાશાહી દળોને જડમૂળથી ઉખેડવા અને લોકશાહી ફરી સ્થાપિત કરવા માટે વિરોધ રેલી યોજવામાં આવશે. હસીનાએ દેશ છોડ્યા બાદ પાર્ટીનો પહેલો કાર્યક્રમ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીના 5 ઓગસ્ટે દેશ છોડીને ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ ભારતમાં રહે છે. હસીનાએ દેશ છોડ્યા બાદ અવામી લીગનો આ પહેલો કાર્યક્રમ છે, જેમાં લોકોને રસ્તા પર ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં બે મહિના સુધી હિંસક વિરોધ ચાલ્યો હતો. આ દરમિયાન 700થી વધુ લોકો માર્યા ગયા હતા. હસીનાએ દેશ છોડ્યા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા હતા. યુનુસ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ મોહમ્મદ યુનુસ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)માં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ નેધરલેન્ડ સ્થિત ICCમાં અવામી લીગના નેતા અને સિલહેટના પૂર્વ મેયર અનવરઝ્ઝમાન ચૌધરીએ નોંધાવી છે. યુનુસ સિવાય અન્ય 61 લોકોના નામ પણ તેમાં સામેલ છે. પૂર્વ મેયર ચૌધરીએ ફેસબુક પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં 5 થી 8 ઓગસ્ટની વચ્ચે અવામી લીગના કાર્યકરો અને લઘુમતીઓ સામે નરસંહાર થયો હતો. આ હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ICCને સોંપવામાં આવ્યા છે. ચૌધરીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આવી વધુ 15 હજાર ફરિયાદો નોંધાવશે. બાંગ્લાદેશ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ઇસ્કોન પર પ્રતિબંધની માંગ કરી: શ્રદ્ધાળુઓને મારી નાખવાની ધમકી, ISKCONએ સુરક્ષા માગી બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન હિફાઝત-એ-ઈસ્લામે શુક્રવારની નમાજ બાદ ઈસ્કોન વિરુદ્ધ રેલી કાઢી હતી. જેમાં ઇસ્કોનના શ્રદ્ધાળુઓને પકડીને મારી નાખવાના નારા લગાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ કહ્યું કે જો ઇસ્કોન પર પ્રતિબંધ નહીં મુકાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.