પીજીવીસીએલમાં લાઈન કામ, ફેબ્રિકેશન કામ તથા વાહન ભાડા, લોડિંગ-અનલોડિંગના ભાવવધારા મુદ્દે કોન્ટ્રાક્ટરોના એસોસિએશન 11મીને સોમવારે પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસે એકઠા થવાના છે અને એમડીને આવેદન આપી રજૂઆત કરશે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આશરે 400થી 500 રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો એકઠા થશે અને માગણી પૂરી નહીં થાય તો હડતાળ પણ પાડવાના હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા અગાઉ રજૂઆત કરાઇ હતી કે, ઊર્જા વિભાગ હસ્તકની ચાર ડિસ્કોમ કંપનીઓમાં લેબર રેટ, હાયરિંગ ઓફ વ્હિકલ, ફેલ ટ્રાન્સફોર્મર બદલવા તથા ફેબ્રિકેશન વગેરેના ભાવવધારા કરવા પોલિસી છે. અમુક ડિસ્કોમમાં ભાવવધારાના પાવર્સ ચીફ ઈજનેર પાસે છે, અમુક ડિસ્કોમમાં બોર્ડ મિટિંગમાં મંજૂર થાય છે. વળી અમુક કંપની દર વર્ષે ભાવવધારો આપે છે, જ્યારે અમુક કંપનીઓ બે ત્રણ વર્ષ સુંધી વધારો કરવામાં આવતો નથી. હાલમાં આ ચાર ડિસ્કોમના ભાવો તપાસવામાં આવે તો તેમાં ચાલીસથી પચાસ ટકા જેટલો ભાવ તફાવત જોવા મળે છે. ખરેખર તમામ ડિસ્કોમમાં કામગીરી એકસમાન હોય છે. તમામ ઊર્જા વિભાગ હેઠળ આવતી હોઈ, પોલિસી એકસમાન હોવી જોઈએ. હાલમાં બે ડિસ્કોમ એમ.જી.વી.સી.એલ. અને પી.જી.વી.સી.એલ. માં આપવામાં આવતા ભાવો પૈકી એમ.જી.વી.સી.એલ. કરતા પી.જી.વી.સી.એલ.ને 40 ટકા ઓછા ભાવ આપવામાં આવે છે.