ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા ચંદ્ર મૌલેશ્વર શિવ મંદિરમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના જ ગળા પર છરીનો ઘા મારી કમળપૂજાનો પ્રયાસ કરતાં લોહી લુહાણ હાલતમાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને દર્શનાર્થીઓ એકઠાં થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં અાવી હતી અને આધેડને તાબડતોબ સારવાર માટે ગોંડલ સિવિલ લઇ જવામાં આવ્યા હતા અને તેમની હાલત અતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આધેડએ આવું પગલું શા કારણે ભરી લીધું એ સહિતના કારણોની તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરની આસોપાલવ સોસાયટીમાં રહેતા અને રોડ કોન્ટ્રાક્ટ કંપનીમાં નોકરી કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 47 નામના આધેડે કોઇ અગમ્ય કારણોસર ભોજરાજપરા વિસ્તારમાં આવેલા ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે સવારે પોતાના જાતે જ ગળે છરીનો ઘા મારી કમળપૂજાનો પ્રયાસ કરતા તેઓ લોહીના ખાબોચિયામાં ઢળ પડ્યા હતા અને હાલત અતિ ગંભીર બની ગઇ હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે આધેડને પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતા જમાદાર હિતેશભાઈ પરમાર સ્થળ પર દોડી ગયા હતા પરંતુ તે દરમિયાન આધેડને રાજકોટ લઈ જવાયા હોય તેમનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ ગોંડલ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે તેમજ આધેડએ જે હથિયારથી કમળપૂજાનો પ્રયાસ કર્યો એ છરી તેમજ અાધેડના ચપ્પલ વગેરે કબજે લીધા છે. બીજી તરફ આધેડની તબીયત રાજકોટ સિવિલમાં સ્થિર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું છે. આવુ કરવા પાછળનું કારણ શું તે અંગે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ વીછિંયામાં પતિ-પત્નીએ હવનકૂંડમાં મસ્તક હોમી દીધાં હતાં
ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ 2023ના રોજ રાજકોટના વીછિંયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી. એટલું જ નહીં, અંધશ્રદ્ધામાં ભરેલાં પગલાં અંગેની વિગત પણ સ્યુસાઈડ નોટમાં આપી હતી. બંનેની બે પાનાંની સ્યુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી હતી.