અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નબી 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. જો કે નબી T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. નબી તાજેતરમાં બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. તેણે 3 મેચમાં 135 રન બનાવ્યા અને 2 વિકેટ પણ લીધી. 2023 વર્લ્ડ કપથી મારા મગજમાં નિવૃત્તિનો વિચાર હતો: નબી
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે 2023ના વર્લ્ડ કપથી જ મારા મનમાં નિવૃત્તિનો વિચાર હતો, પરંતુ અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું અને મેં વિચાર્યું કે જો હું અહીં રમીશ તો તે ટીમ અને મારા બંને માટે સારું રહેશે. બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચ બાદ તેણે બ્રોડકાસ્ટરને કહ્યું કે, મેં આ અંગે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે અને હું T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. ODI ક્રિકેટની શરૂઆત 2009થી કરી
38 વર્ષીય નબીએ 2009માં સ્કોટલેન્ડ સામે અફઘાનિસ્તાન તરફથી વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધી 167 ODI મેચમાં 3600 રન બનાવ્યા છે. તેણે 17 ફિફ્ટી અને 2 સદી પણ ફટકારી છે. નબીએ બોલિંગમાં 172 વિકેટ લીધી છે. તે અફઘાનિસ્તાન માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. નબી હાલમાં ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. અફઘાનિસ્તાન પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફી રમશે
2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અફઘાન ટીમ માટે પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી હશે. 2023 વર્લ્ડ કપમાં ટીમ છઠ્ઠા સ્થાને હતી, જેના કારણે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તક મળી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમ રમશે જેમાંથી ટૉપ-7 ટીમ ગયા વર્લ્ડ કપમાંથી પસંદ કરવામાં આવી છે. નબીએ અફઘાન ટીમને તમામ ફોર્મેટમાં ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 2015માં તેના પ્રથમ ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું. નબીએ 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.