સંત શિરોમણી સ્વામી લીલાશાહ ના 51મા પુણ્યતિથિ સમારોહનો રવિવારે પ્રારંભ થયો હતો. બહોળી સંખ્યામાં ભકતજનોની હાજરી વચ્ચે શોભાયાત્રા બાદ સોમવારે 150 જેટલા બટુકો સામૂહિક જનોઈ ધારણ કરી હતી. મહોત્સવના અંતિમ દિવસે પરંપરાગત રીતે 23 યુગલ સામૂહિક લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડશે. સ્વામી લિલાશાહ મહારાજના 51માં પુણ્યતિથિ મહોત્સવનો રવિવારે ધામધૂમપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. 25 હજારથી વધુ ભક્તોની હાજરીમાં શોભાયાત્રા બાદ મહાઆરતી કરવામાં આવી હતી. આદિપુર તથા ગાંધીધામના માર્ગો પર મોટી સંખ્યામાં લોકો એ ઉપસ્થિત રહી શોભાયાત્રાને માણી હતી. સાંજે સત્સંગ બાદ મોટી સંખ્યામાં લોકો એ સ્વામી લિલાશાહની સમાધિ ના દર્શન કર્યા હતા. રાતે સિંધી સંગીતના કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના બીજા દિવસે સોમવારે સતગુરુની મહાઆરતી બાદ 135થી 150 જેટલા બટુક સામૂહિક જનોઈ કાર્યક્રમમાં જનોઈ ધારણ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પરંપરાગત મેળા ને માણવા ઉમટયો હતો. લિલાશાહ કુટિયા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના જણાવ્યાનુસાર, કુટિયા ના વિશાળ પ્રાંગણ માં 150 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને વિવિધ વ્યવસ્થાઓ જાળવવા 150 થી વધુ સ્વયંસેવકો ને સમિતિઓ રચી જવાબદારી સોંપવામાં આવી છે . મહોત્સવના અંતિમ દિવસ મંગળવારે 23 જેટલા યુગલો સમૂહ લગ્નોત્સવમાં જોડાશે. સિંધી સમાજના વિવિધ દાતાઓ દ્વારા દરેક યુગલને 90 જેટલી ઘર વપરાશની ચીજવસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવનાર છે તેવું જણાવી વિવિધ દિવસોમાં દરરોજ 25થી 30 હજાર ભક્તોના સમૂહભોજન બાદ અંતિમ દિવસે “આમ લંગર”માં 70 હજાર જેટલા લોકો ભોજન કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. તમામ વ્યવસ્થા કુટિયા વ્યવસ્થાપન સમિતિના શિતલદાસ નાનકાણી, ભોજરાજ આનંદાણી, આશુતોષ ભંભાણી, પરષોત્તમ લાલવાણી, પરષોત્તમ મંગવાણી, દિલીપ ઠરિયાણી સહિત સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી ભાવીકો ઉમટ્યા
સંત શિરોમણી સ્વામી લિલાશાહ મહારાજના 51માં પુણ્યતિથિ મહોત્સવમાં કચ્છ ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોના ભક્તો સાથે રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ ઉપરાંત દુબઈ, અમેરિકા, કતાર, સાઉદી અરેબિયા સહિત વિવિધ દેશ – દેશાવરના ભક્તો જોડાયા છે.