આગરવા ગઢ ગિરનારની ગોદમાં દર વર્ષે પરિક્રમા યોજાય છે અને લાખો શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધે છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી 36 કિ.મી.ની ચાર દિવસની પરિક્રમામાં ગિરનાર જંગલમાં જુદા-જુદા સ્થળોએથી ભકતો આવે છે. પરિક્રમા કરતાં પરિવારોનો અલગ-અલગ અંદાજ જોવા મળે છે, જેમાં એક છે જંગલમાં જ સાથે મળીને ભોજન બનાવીને જમવું…પરિક્રમાર્થીઓએ જ્યાં રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં નજીક જ હાટડીમાંથી શાકભાજી, લોટ, તેલ, દાળ, મીઠું, મરચું, ખીચડી અને જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી જંગલમાં જ ચૂલો માંડી જમવાનું બનાવતા જોવા મળી રહ્યાં છે. તો આવો યાત્રાળુઓ પાસેથી જ જાણીએ ગિરનારના જંગલમાં એ 4 દિવસનો અનુભવ કેટલો અદભૂત છે… પરિક્રમાર્થીઓની ઈચ્છા થાય ત્યાં રસોડું બની જાય
આમ તો, આ પરિક્રમા કારતક સુદ અગિયારસની રાતે શરૂ થાય છે અને પુનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. પરંતુ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતા તંત્ર દ્વારા એક દિવસ અગાઉ જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો પરિક્રમા કરવા ગિરનાર જંગલ તરફ પ્રયાણ કર્યા છે. ત્યારે આજેપણ પ્રાચીન પરિક્રમા મુજબ પોતાની જાતે જ ભોજન બનાવી પરિવાર એકસાથે પરિક્રમાનો સાચો આનંદ માણે છે. પરિક્રમા રૂટ પર શાકભાજી, વાસણ, કરિયાણાની નાની-નાની હાટડીઓ જોવા મળે છે. પરિક્રમાર્થીઓએ જ્યાં રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં નજીક જ હાટડીમાંથી શાકભાજી, લોટ, તેલ, દાળ, મીઠું, મરચું, ખીચડી અને જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી જંગલમાં જ ચૂલો માંડી જમવાનું બનાવે છે. પરિક્રમામાં આવેલા યાત્રાળુઓ પરિવાર સાથે જમવાનું બનાવવાની તૈયારી કરે છે. નાના હોય કે મોટા સહુ આનંદ સાથે શાકભાજી સમારે છે, તો ઘરની મહિલાઓ દેશી ચૂલો માંડી રોટલા ટીપે છે. હોટલો કરતાં અહીંની પ્રકૃતિ-ભોજનની અનુભૂતિ અલૌકિક
પરિક્રમામાં પરિવાર સાથે આવેલી મહિલાઓ કહે છે કે, સિટીના ગાર્ડન અને હોટલો કરતાં અહીંની પ્રકૃતિ અને ભોજનની અનુભૂતિ અલૌકિક છે. એટલું જ નહીં પરિક્રમામાં ચાલતા-ચાલતા કદાચ કોઈ યાત્રાળુ સાથે વાતો થાય અને માત્ર મિનિટોની મુલાકાતમાં નિસ્વાર્થ ભાવના સંબંધો બંધાય છે. કોઈપણ પ્રકારના નિસ્વાર્થ વિના લાગણી ભાવ સાથે અહીં આવતા યાત્રાળુ એકબીજાને મદદ કરે છે અને કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર આખી પરિક્રમા સાથે પૂરી કરે છે. યાત્રાળુઓ માટે 80થી વધુ અન્નક્ષેત્રો કાર્યરત
ગિરનારની પરિક્રમામાં રાત-દિવસ લાખો ભાવિકો વન વગડામાં મહાલતા હોય ત્યારે કોઈપણ ઝેરી જનાવર જીવજંતુ યાત્રાળુઓને જરા પણ નડતા નથી કે અડતા નથી. આ પરિક્રમામાં કળિયુગમાં સતયુગનો સાક્ષાતકા થાય છે. પરિક્રમામાં આવતા યાત્રાળુઓ કોઈપણ પ્રકારની ઓળખાણ વિના પણ એકબીજાને મદદ કરતા અહીં માનવતાનું ઉદાહરણ જોવા મળે છે. પરિવાર અને નાના બાળકો સાથે આવેલા પરિક્રમ આરતીઓ પરિક્રમાના પહેલા પડાવ એટલે કે જીણાબાવાની મઢીએ રાત રોકાય છે. પરિક્રમામાં 80થી વધુ અન્નક્ષેત્રો યાત્રાળુઓ માટે સેવા કાર્ય કરી રહ્યા છે. પરિવાર સાથે જંગલમાં જમવાનો આનંદ જ અલગ છે: પરિક્રમાર્થી
ભાવનગરથી પરિક્રમા કરવા આવેલ હસ્તીબેન સરવૈયાએ જણાવ્યું હતું કે, અમે વહેલી સવારથી પરિક્રમા શરૂ કરી હતી. અને આજે પહેલા પડાવ એટલે કે જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણ કરશું. પરિવાર સાથે પરિક્રમા માં આવીને ખૂબ જ આનંદ થાય છે. અહીં પ્રકૃતિ અને જંગલની હરિયાળી જોતા એવું લાગ્યું કે સિટીના ગાર્ડન કરતા આ કુદરતી વાતાવરણ વધારે સારું છે. તંત્ર અને ઉતારા મંડળ દ્વારા અહીં ભોજન, પ્રસા, ચા પાણી નાસ્તાની તમામ વ્યવસ્થાઓ અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવી છે. પરંતુ અમે અમારા પરિવાર સાથે સૌ સાથે મળીને રીંગણાનું શાક રોટલા બનાવ્યા છે. પરિવાર એ સૌએ સાથે મળી શાક રોટલા બનાવ્યા છે. આ જાતે બનાવી પરિવાર સાથે અહીં જમવાનો આનંદ ખૂબ અલગ જ છે. ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુએ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો જોઈએ અને સ્વચ્છતા નું ધ્યાન રાખવુ જોઇએ. ‘કોઈ ના આવે તો હું એકલો પરિક્રમા કરવા પહોંચી જઉ’
મૂળ બગસરાના જૂના વાઘણીયાના અને હાલ સુરત વેપાર ધંધો કરતા પરિક્રમા કરવા આવેલ ધીરુભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, કોરોના બાદ મને વિચાર આવ્યો કે 59 વર્ષ વીતી આપ પરંતુ મેં એક પણ પરિક્રમા કરી નથી. ત્યારબાદ મને વિચાર આવ્યો કે મારી સાથે કોઈ ન આવે તો પણ હવે મારે પરિક્રમા કરવી છે. ત્યારબાદ મેં પરિક્રમા કરવાની શરૂ કરી હતી. આજે અમે જ્યારે પરિક્રમા કરતા હતા. તે સમયે ભાવનગરનો એક પરિવાર અમને મળ્યો વાતો કરી અને તેમણે અમને ચા પીવા બોલાવ્યા હતા. થઈ અને અમે સાથે ચાલવા લાગ્યા હતા. ત્યારબાદ અમે ચાલવાનું નક્કી કર્યું હતું. ત્યારે ભાવનગરના પરિવારે આગ્રહ કર્યો કે રોકાઈ જાઓ આપણે સાથે જમવાનું બનાવીએ અને આજે રાત્રિ રોકાણ સાથે જ કરીએ. ત્યારબાદ અમે રીંગણા, ટમેટા મરચા બધું લાવ્યા અને રીંગણાનો ઓળો અને રોટલા બનાવવાનું નક્કી કર્યું. આ પ્રકૃતિનું વર્ણન થઈ શકે તેમ નથી. પરંતુ જે કોઈ આ પ્રકૃતિનો અનુભવ કરે તો જ ખ્યાલ આવે તેમ છે.. અહીં આવતા પરિક્રમાથીઓમાં લાગણી ભાવ અને નિસ્વાર્થ પણ જોવા મળે છે. અહીં અજાણ્યા વ્યક્તિઓ પણ એકબીજાને કોઈપણ સ્વાર્થ વિના મદદ કરે છે. રોજિંદા જીવનમાં લોકોમાં સ્વાર્થ સિવાય કશું નથી. ‘આવો આનંદ રૂપિયા દેતા પણ મળતો નથી’
જોષીપુરાથી આવેલા સુરેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષથી પરિક્રમા કરું છું. ત્યારે છેલ્લા ચાર વર્ષથી મારી સાથે મારા સુરતથી મહેમાનો પરિક્રમા કરવા આવે છે. આ મહેમાનોને આ પરિક્રમાનો આનંદ માણવા મારી સાથે લાવું છું. અહીં ગિરનારમાં 33 કરોડ દેવી-દેવતા, ચોસઠ જોગણીયો અને બાવન વીરના બેસણા છે. અમે સૌ અમારી સાથે પરિક્રમામાં રસોઈ નો સામાન લઈને જ આવીએ છીએ. અમે બધા અહીં રાત્રિ રોકાણ કરીએ સૌ સાથે મળી જમવાનું બનાવીએ છીએ પરિક્રમામાં પહેલું રાત્રી રોકાણ ઝીણાબાવાની મઢી બીજો પડાવ મારવેલા અને ત્યારબાદ બોરદેવી અને ભવનાથ તરફ પ્રયાણ કરી પરિક્રમા પૂરી કરીશું. પરિક્રમામાં એટલો આનંદ આવે છે કે આ આનંદ રૂપિયા દેતા પણ મળતો નથી. ‘મારી 82 વર્ષની માતા મારી સાથે પરિક્રમા કરે છે’
ભાવનગરથી પરિક્રમામાં આવેલ ગૌતમ સરવૈયાએ જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે અહીં પરિક્રમા કરવા આવ્યો છું. હું આઠ વખત પરીક્રમા કરી ચૂક્યો છું. હાલના સમયમાં ધંધા રોજગારમાં વ્યસ્ત હોવા છતાં પણ પરિક્રમા કરવાનું છોડ્યું નથી. મારા માતાની ઉંમર 82 વર્ષની છે તેમ જ અન્ય એક પરિવારના સભ્યો 75 વર્ષના છે જે પણ અમારી સાથે પ્રકૃતિ અને પરમેશ્વરનો આનંદ માણવા પરિક્રમા આવ્યા છે. પરિક્રમામાં ત્રણથી ચાર દિવસનો જે આનંદ મળે છે તે જીવનમાં ખૂબ જ જરૂરી છે. અમે અમારા પરિવાર સાથે જ્યાં પણ રાત્રિ રોકાણ કરીએ છીએ ત્યાં જાતે જ રોટલા, શાક ખીચડી બનાવીએ છીએ અને પરિવાર સાથે મળી ખાઈએ છીએ. ‘જંગલમાં પરિવાર સાથે જ ભોજન બનાવી જમીએ છીએ’
બરોડાથી પરિક્રમા કરવા આવેલ ડાયાભાઈ એ જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષથી પરિક્રમામાં આવું છું. આ પરિક્રમા કરવાનો આનંદ ખૂબ અનેરો છે. અહીં આવતા પરિક્રમાથીઓ પોતાની જાતે જ શાક રોટલા ખીચડી, સંભારો મીઠાઈઓ બનાવી પરિવાર સાથે જમે છે. જેનાથી પ્રકૃતિ અને પરમેશ્વરના સાનિધ્યમાં ખૂબ આનાનાદનની અનુભૂતિ થાય છે. આવો હવે જાણીએ, કારતક સુદ અગિયારસની રાતે શરૂ થતી પરિક્રમાની પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધીની યાત્રા વિશે… પરિક્રમાનો પ્રથમ દિવસ
જુનાગઢ શહેરથી 5 કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયત, દુધેશ્વર મહાદેવ મંદીરેથી સંતો- મહંતો, જીલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. પરિક્રમાનો બીજો દિવસ
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદીર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. પરિક્રમાનો ત્રીજો દિવસ
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખુબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. પરિક્રમાનો ચોથો દિવસ
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતાં-લેતાં ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે, ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદીર આવેલુ છે. આ મંદિરના મહંત રામનારાયણદાસ ગુરૂ, જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ, સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે. પરિક્રમાનો અંતિમ દિવસ
યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પુનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે. પરિક્રમાનું શું છે મહત્વ?
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર ક૨તા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુઃખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે 36 કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.