back to top
Homeગુજરાતકેવી રીતે થયો ખ્યાતિકાંડ? આયુષ્માનકાર્ડ વાળાને શિકાર બનાવતા:બોરીસણાના વૃદ્ધે કહ્યું-'આંખો તપાસ્યા વિના...

કેવી રીતે થયો ખ્યાતિકાંડ? આયુષ્માનકાર્ડ વાળાને શિકાર બનાવતા:બોરીસણાના વૃદ્ધે કહ્યું-‘આંખો તપાસ્યા વિના કહ્યું બસમાં બેસો’, ક્યારેય તાવ પણ નથી આવ્યો: મૃતકના પૌત્રવધૂ

સ્થળ: મહાદેવ મંદિર, બોરીસણા, કડી
તારીખ: 10 નવેમ્બર, 2024
સમય: સવારના 9થી બપોરના 1 સુધી. કડી તાલુકાના થોળ રોડ ઉપર આવેલા બોરીસણા ગામે રવિવારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે વિવિધ રોગોનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને સોમવારે(11 નવેમ્બર) અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દીધી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી. ‘તમારા સ્વજનની હાલત ગંભીર છે. તમે અમદાવાદ આવી જાઓ’
જોકે એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીની તબિયત લથડતા રાતના 10 વાગ્યે હોસ્પિટલે દર્દીના પરિજનોને જાણ કરી કે તમારા સ્વજનની હાલત ગંભીર છે. તમે અમદાવાદ આવી જાવ. પરંતુ મંગળવારની સવાર અમંગળ બનીને આવી હોય એમ આ બન્ને દર્દીના મોત થઈ ગયા. જ્યારે 5 લોકો હાલ ICUમાં છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેશ ગિરધરભાઈ બારોટ (ઉંમર વર્ષ 45), નાગર સેનમા (ઉંમર વર્ષ 59)ના મોત થઈ જતા ગ્રામજનોએ ખ્યાતિ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હતો. તેમજ હોસ્પિટલ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ખ્યાતિ કાંડને લઈ દિવ્ય ભાસ્કર કડી તાલુકાના બોરિસણા ગામે દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. જ્યાં અમે મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તેમજ કેવી રીતે અને ક્યારે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા બાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે બેના જીવ લઈ લીધા એ જાણવાની કોશિષ કરી હતી. માસ ટૂરિઝમની જેમ માસ એન્જિયોપ્લાસ્ટી
સામાન્ય રીતે ક્યારેક પ્રવાસમાં જાય ત્યારે તે પ્રવાસીઓની યાદી બનતી હોય છે ત્યારે આ વખતે 19થી વધુ લોકોને કહેવામાં આવ્યું કે તમને સારવાર માટે લઈ જવાના છે અને તમારે તમારા આધારકાર્ડ અને મા કાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અમે બસ મોકલીશું. અલગ અલગ હોસ્પિટલો દ્વારા અલગ અલગ વિસ્તારમાં કેમ્પ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને જે પેશન્ટ મળે છે તેમની સારવાર કરવામાં આવે છે. પરંતુ પહેલી વખત એવું બને છે જ્યાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના દર્દીઓને એકસાથે ખાનગી હોસ્પિટલ દ્વારા શોધવામાં આવ્યા અને મોટા ભાગનાની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી. આ મોડસ ઓપરેન્ડીથી દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા
ગામના દરેક લોકોને કેમ્પમાં બોલાવતા હતા. જે દર્દી આવે તેની પાસે જો આયુષ્માન કાર્ડ હોય તો કોઈને કોઈ સારવાર કરાવવી પડશે એમ જણાવતા હતા. આમ કરતા કરતા 80 લોકોની યાદી તૈયાર કરી હતી, પરંતુ સદભાગ્યે 20 જેટલા લોકો જ ગયા હતા. જ્યારે નહોતા પહોંચ્યા તેને ફોન કરીને બોલાવ્યા હતા. પરંતુ તેઓએ બહાના કાઢી દીધા હતા. રવિવારે બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો
બોરીસણા ગામે આવેલા મહાદેવજીના મંદિર ખાતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા હૃદય રોગ, હાડકા, સાંધા અને મણકાના રોગો, પેટના રોગો જેવા રોગોનો વિનામૂલ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં બોરીસણા ગામના 83 લોકોએ ભાગ લીધો હતો. જે બાદ સોમવારે 19 લોકોને અમદાવાદ ખાનગી બસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ સોમવારે હોસ્પિટલ ખાતે 19 લોકોની હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી પરંતુ 2 લોકોના મોત થઈ ગયા. ‘તેમને કોઈ દિવસ તાવ નથી આવ્યો’
મૃતક નાગરભાઈ મોતીભાઈ સેનમાના પુત્રવધુ અમરતબેને રડતા રડતા કહ્યું કે, આ કેમ્પની ખબર પડી એટલે દાદા ત્યાં ગયા, પછી કેમ્પ વાળાએ કીધું અમદાવાદ આવજો અમે ગાડી મૂકીએ એટલે એમા બેસી જજો. તેમને કોઈ દિવસ તાવ નથી આવ્યો, બધા કામ કરતા હતા. શરીરમાં કોઈ તકલીફ નહોતી. આવા દવાખાનાઓને સીલ જ મારી દેવાની જરૂર છે. આજે આપણને કર્યું છે આવું બીજા સાથે પણ કરે તો? શું કારણથી મારા સસરાને મારી નાંખ્યા? ‘કોઈની સહી નથી લીધી કે અમને કોઈ જાણ જ કરી નથી’
જ્યારે તેમની પૌત્રી કોમલે જણાવ્યું કે, હું બાળપણથી જ દાદા સાથે રમીને મોટા થયા હતા. એમની લાલચમાં બીજાનો જીવ જાય. અમારે કંઈ જોઇતું નથી પણ અમારું માણસ ગયું છે એ માણસ તો આવશે નહીં પણ ડોક્ટરોને સજા થાય એટલી જ માગ છે. રાત્રે ડાયરેક્ટ જ ફોન આવ્યો કે, સીરિયસ થઈ ગયા છે. રવિવારે કેમ્પ હતો અને સોમવારે તમારે આવવાનું છે જ્યાં તપાસ થશે એમ કહ્યું હતું. અમારા ગામના 20-25 માણસ ગયા હતા. ઓપરેશન કર્યું ત્યારે કંઈ ન કીધું પણ પછી રાત્રે હોસ્પિટલે મારા પપ્પાને ફોન કરી કહ્યું કે, તમારા પપ્પાનું ડેથ થઈ ગયું છે. કોઈની સહી નથી લીધી કે અમને કોઈ જાણ જ કરી નથી. ‘મારા ભત્રીજા મહેશને કંઈ પ્રોબ્લેમ જ નહોતો’
આ અંગે મૃતક મહેશભાઈના કાકા બળદેવભાઈએ જણાવ્યું કે મારા ભત્રીજા મહેશને કંઈ પ્રોબ્લેમ જ નહોતો, સાજો સારો હતો અને મારી જોડે અડધો કલાક બેસીને ગયો હતો. મને કીધું હતું કે દાદા મહાદેવે કેમ્પ છે તમારે આવવું છે? હું ગયો હતો અને ત્યાર બાદ મહેશ આવ્યો હતો અને સીધો ગાડીમાં જ બેસાડી દીધો હતો. કોઈને કંઈ કીધું જ નહોતું, કોઈને જાણ પણ નથી કરી. રાત્રે 8 વાગ્યે મારા બાબાનો ફોન આવ્યો અને તેણે મને જાણ કરી હતી. હું પણ કેમ્પમાં ગયો હતો, પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે તમને ગેસની તકલીફ છે. નિર્દોષ લોકો મરી ગયા છે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ‘ડોક્ટરનો રાત્રે 10 વાગ્યે ફોન આવ્યો કે તમારા કાકા સિરિયસ છે’
મૃતક મહેશભાઇની ભત્રીજી નિકિતા બારોટે જણાવ્યું હતું કે ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મારા કાકા મહેશભાઇ નિદાન કરાવવા માટે ગયા હતા અને બીજા દિવસે તેમને લક્ઝરી બસમાં અમદાવાદ વધુ સારવાર માટે લઇ ગયા હતા. ગઇકાલે રાત્રે 10 વાગ્યે ડોક્ટરનો ફોન આવ્યો કે તમારા કાકા સિરિયસ છે, તમારે હાલ અથવા તો સવારે અહીં આવવું પડશે અને અમે તાત્કાલિક હોસ્પિટલ ગયા હતા. જ્યારે બાલુભાઈ પટેલે જણાવ્યું કે, હું ઓચિંતો 12 વાગ્યે આવ્યો અને જોયું કે કેમ્પ છે. મને કીધું કાકા 10-15 મિનિટ છે પછી બંધ થઈ જશે, જલદી ચેક કરાવી લો. તો હું ચેક કરાવવા અંદર ગયો અને તેમણે પૂછ્યું કે તમારું આધારકાર્ડ-ચૂંટણીકાર્ડ છે? મેં કીધું હા તો પછી મારો કાર્ડિયોગ્રામ કરી કીધું કે તમારા હ્રદયમાં તકલીફ છે. પરંતુ મને કોઈ તકલીફ નથી. હું તો ખેતીકામ કરું છું. મને સોમવારની સવારે 9.23 વાગ્યે ફોન આવ્યો અને કીધું કે કાકા આવી જાવ. પરંતુ મે કીધું કે મારે નથી આવવું. હોસ્પિટલની ગાડીવાળા ભાઈનો ફોન આવ્યો હતો. ‘મારી આંખો તપાસી નહીં છતાં બસમાં બેસી જવા કહ્યું’
બોરિસણા ગામના વતની શકરાભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી દુકાનની સામે કેમ્પ યોજાયો હતો જેમાં હું આંખો બતાવવા માટે મોડે મોડે ગયો હતો. જ્યાં મારી આંખોની તપાસ કરી ન હતી અને મા કાર્ડ વિશે પૂછ્યું હતું, પરંતુ મેં કાર્ડની ના પાડી હતી કે આંખો માટે મા કાર્ડને શું કરવું છે. તેમ છતાં બીજા દિવસે આવ્યા અને મને લક્ઝરી બસમાં બેસી જવા કહ્યું હતું. તો મેં કહ્યું મારો બાબો દુકાને નથી એટલે દુકાન બંધ કરીને નહીં આવી શકું. કેમ્પના આગલા દિવસે હોસ્પિટલમાંથી 2 લોકો આવ્યા હતા અને કેમ્પ વિશે ગામમાં જાણ કરી હતી. કેમ્પમાં 50થી 60 લોકોએ ચેકઅપ કરાવ્યું હતું. ‘કેમ્પ યોજવા અંગે પંચાયતની કોઈ મંજૂરી લેવાઈ નહોતી’: તલાટી બોરીસણા
આ ઘટનાને લઈ ગામના તલાટી સંજયભાઈએ જણાવ્યું હતું કે, આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પંચાયતે લેખિતમાં કે મૌખિકમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. રવિવારે કેમ્પ યોજાયો હતો ત્યારે મારી જાહેર રજા હતી. જેમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે અને સાત વ્યક્તિની સર્જરી કરવામાં આવેલી છે. અમારી એક જ ​​​​​​માગણી છે કે અમને ન્યાય મળે
બોરીસણા ગામના રોહિત બારોટે જણાવ્યું હતું કે ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને અહીંથી બધાને લઈ ગયા હતા. રાત્રે સમાચાર મળ્યા હતા કે, બે લોકોના મોત નિપજ્યા છે અને બીજા સિરિયસ છે તેવા સમાચાર મળ્યા ત્યારે બધા અહીંથી અમદાવાદ ગયા હતા. ત્યાં સુધી કોઈને કંઈ જ ખબર હતી નહીં, આ કેમ્પ ગામના મહાદેવ મંદિરની અંદર કેમ રાખવામાં આવ્યો હતો અને કોની પરમિશનથી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તે કોઈને કંઈ જ ખબર જ નથી. અમારી એક જ માંગણી છે કે અમને ન્યાય મળે. તેમજ આ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમને તો એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આયુષ્માન કાર્ડમાંથી એ લોકોના ત્રણ-ત્રણ લાખ રૂપિયા પણ કપાઈ ગયેલા છે, આ બધું એ લોકોએ રૂપિયા માટે જ કર્યું છે. આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને સજા થવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments