દર્દીઓને બીમારીનો ભય ફેલાવીને બેફામ ઓપરેશન કરી અને સરકારી યોજનાઓનો ગેરકાયદે લાભ લઇ પોતાના બેંક એકાઉન્ટ છલોછલ કરતી હોસ્પિટલો બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. ત્યારે અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીથી 2ના મોત બાદ જાણે કે હજુ વધુ મોતની રાહ જોવાતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા જે દર્દીને સ્ટેન્ટ મૂકાયુ છે તે બહાર ડોકટરને ગોતે છે ને હોસ્પિટલમાં તબીબોની જગ્યાએ બાઉન્સર રાજ જોવા મળી રહ્યું છે. ICU રામભરોસે છે. 7 દર્દી દાખલ છે જેમાંથી 5 દર્દી સિરિયસ છે પરંતુ તેમને તપાસનાર કોઇ ડોક્ટર હાજર નથી. ભયંકર અવ્યવસ્થા જોઇ તમને પણ એકવાર થઇ જશે કે આવી તો કોઇ હોસ્પિટલ હોય? દાખલ દર્દીઓને સાંજે રજા આપી દેવાશે
દર્દીના પરિવારજનોનો સતત આક્રોશ અને સરકારી પ્રેશરના કારણે હવે જે દર્દીઓ હાલમાં દાખલ છે તેઓને સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો પણ અહીં પહોંચી ગયા છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. સ્ટેન્ટ મુકાયેલા દર્દી બહાર ડોક્ટરને ગોતે છે
કડી તાલુકાના બોરીસણા ગામના દર્દીઓને દાખલ કરી જાણ બહાર સ્ટેન્ટ મૂકી દીધા બાદ ICUમાં 5 દર્દી ગંભીર છે. જેમાં એક દર્દીને સ્ટેન્ડ મૂક્યું હોવા છતાં તે હોલમાં બહાર ફરી રહ્યા છે. હોસ્પિટલમાં ગંભીર અવ્યવસ્થા જોવા મળી રહી છે. ICUમાં તબીબો હાજર નથી અને ઓપરેશન કરાયેલા દર્દી ઉભા થઇ બહાર નીકળી રહ્યા છે. હોસ્પિટલમાં પોલીસ અને બાઉન્સરોનો કાફલો
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિઓના મોત બાદ ખૂબ જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તેમાં પણ ખાસ કરીને હોસ્પિટલમાં પ્રવેશતા જ મોટી સંખ્યામાં દર્દીના સગા અહીંયા હાજર છે જ્યારે થોડા અંદર આવો ત્યારે કોઈ વધુ બબાલ ન થાય તે માટે પોલીસ અને બાઉન્સરોનો પણ કાફલો હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. કેમ્પ કરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા કહેવાયું હતું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક નહીં બે નહીં પણ 19 જેટલા લોકોની એન્જોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેઓને એક સાથે બસમાં ભરીને અહીંયા લાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા બોરીસણા ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને તેમને ડોક્યુમેન્ટ રેડી રાખવા માટે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંયા લાવવામાં આવ્યા હતા. પરિવારની જાણ બહાર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી
કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાના 2 દર્દીના મોત થઈ ગયા છે અને 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી. બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં ICUમાં હાજર છે. હાજર ગ્રામજનો દ્વારા અવારનવાર પોલીસ સહિતના સાથે બોલાચાલી થઈ રહી છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. અગાઉ 2022માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને ત્રણ દર્દીને સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે.