પોરબંદર જિલ્લામાં મિશ્ર ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ તો દિવાળી બાદ દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓના રિપોર્ટ માટે પણ ધસારો વધ્યો છે. લેબોરેટરીમાં 8નો સ્ટાફ ગેરહાજર હોય અને લોડ વધી જતા દર્દીઓના 12 વાગ્યા બાદ ટેસ્ટ કરવાનું સ્થગિત કરી બપોર પછી આવવા જણાવી દેવાયું હતું. હાલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે લોબીમાં ખાટલા પાથરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં મિશ્ર ઋતુ હોવાના કારણે રોગચાળો વધ્યો છે અને તેમાં પણ દિવાળી તહેવાર બાદ રોગચાળો વધુ વકર્યો છે. જિલ્લામાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દર્દીઓનો ધસારો વધ્યો છે. ખાસ કરીને રોગચાળો વધતા લેબોરેટરી ખાતે ટેસ્ટ કરાવવા માટે પણ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. અગાઉ કરતાં બમણા દર્દીઓની સંખ્યા વધી છે. અગાઉ દરરોજના સવાર અને સાંજ સુધીમાં 200 દર્દીઓના ટેસ્ટ થતા હતા પરંતુ હાલ 400 દર્દીઓના ટેસ્ટ થાય છે અને ટેસ્ટ માટે 2 કલાકનો સમય લાગે છે ત્યારે લેબમાં હાલ 8 જેટલો સ્ટાફ ગેરહાજર છે. આ સ્ટાફ રજા પર છે અને દર્દીઓના ટેસ્ટ માટે ધસારો છે ત્યારે લેબોરેટરી ખાતે પણ લોડ વધ્યો છે. જેને કારણે દર્દીઓના એક કલાક પહેલા જ રિપોર્ટ સ્થગિત કરી લેબમાં રિપોર્ટ માટે બપોર બાદ આવવા જણાવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે, રોગચાળો વકર્યો હોવાથી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતા બેડ ફૂલ થતા લોબીમાં ખાટલા પાથરી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
શું સાવચેતી રાખવી ? ખાસ તો એક દિવસ તાવ આવ્યો હોય અને બીજા દિવસે દવા લેવા આવ્યા હોય તેવા દર્દીઓએ રિપોર્ટ કરાવવા ભાર મૂકવો જોઈએ નહિ, કારણકે, તાવના બેક્ટેરિયાની સંખ્યા વધતી હોય છે. 5 દિવસની દવાનો કોર્સ પૂરો થયા બાદ તાવ ન ઉતરે તો રિપોર્ટ કરાવવાના થાય છે. હાલ રોગચાળાની સ્થિતિ ધ્યાને લઈ બહારનો ખોરાક, જંકફૂડ, ઠંડાપીણા લેવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ તાજા ખોરાક ખાવા જોઈએ. ભીડ હોય તેવા સ્થળે માસ્ક પહેરવું જોઈએ તેવું સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું. મેલેરિયા ડેન્ગ્યુના કેટલા દર્દી પોઝિટિવ ? સરકારી હોસ્પિટલની લેબમાં અગાઉ મેલેરિયાના રોજના 40 થી 50 રિપોર્ટ થતા હતા અને ડેન્ગ્યુના 3 થી 5 જેટલા રિપોર્ટ થતા હતા પરંતુ હાલ રોગચાળો વકરી જતા હાલ લેબમાં રોજના મેલેરિયાના 150 ટેસ્ટ અને ડેન્ગ્યુના રોજના 30 ટેસ્ટ થાય છે. આમ મેલેરિયા અને ડેન્ગ્યુ ના જ રોજના 180 થી 200 ટેસ્ટ થાય છે અને અન્ય બીમારીના 200 જેટલા રિપોર્ટ થાય છે ત્યારે ગત માસે મેલેરિયાના 9 અને ડેન્ગ્યુના 14 કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે ચાલુ માસે મેલેરિયાના 2 અને ડેન્ગ્યૂનો 1 કેસ પોઝિટિવ આવ્યો છે. (આ આંકડા માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લેબના છે) ખાનગી હોસ્પિટલ ખાતે પણ દર્દીઓ વધ્યા પોરબંદર જિલ્લામાં વાયરલ રોગચાળો વધ્યો છે અને ભાવસિંહજી’સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓનો ધસારો વધ્યો છે તેવીરીતે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે.