વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાંઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી. ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભ ઘાટ ઉપર બસ પલટી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બસમાં સવાર 30થી વધુ યાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવરે કહ્યું કે, બસની બ્રેક ના વાગી એટલે પલટી મારવી પડી. બીજી તરફ મુસાફરે કહ્યું કે, ટિકિટ વગર પેસેન્જર છલોછલ ભર્યા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
માંડવા ગામ પાસે કુંભ ઘાટ ખાતે બસ પલટી જવાની ઘટના બની હતી. બસની બ્રેક ફેલ થઈ જતા ઢાળ પર બસને રોકવી મુશ્કેલ પડી રહી હતી. જેથી ડ્રાઈવરે બસને પલટાવી નાખી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમ અને 108ની ટીમને કરી હતી. ઈજાગ્રસ્તોને 108ની ટીમની મદદથી કપરાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનું પ્રાથમિક કારણ જાણવા તેમજ ટ્રાફિકને નડતરરૂપ પડેલી બસ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી છે. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સદગુરુ શિવમ ટ્રાવેલ્સ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતીઃ બસનો ડ્રાઈવર
આ અંગે બસના ચાલક જ્ઞાનેશ્વરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, શિરડીથી બસમાં મુસાફરોને લઈને આવી રહ્યો હતો, ત્યારે કપરાડા પાસે અચાનક બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ત્યા ઢાળ હોવાથી બસને રોકવી મુશ્કેલ હતી. બસને રોકવાનો ખુબ પ્રયાસ કર્યો પણ બ્રેક ફેઈલ થઈ ગઈ હોવાથી બસ રોકી શકાય ન હતી. જે બાદ મારી પાસે કોઈ રસ્તો જ ન હતો એટલે મે બસને પલટી ખવડાવી દીધી હતી. 30 જેટલા મુસાફરો સવાર હતા. તમામને નાની-મોટી ઈજા પહોંચી છે. બસ પહેલાથી જ ડેમેજ હતી, તો પણ ચલાવવામાં આવી રહી હતીઃ મુસાફર
રામેશ્વર નામના મુસાફરે જણાવ્યું કે, આ બસ સુરત જઈ રહી હતી. ત્યારે સાપુતારા પાસેના એક ઘાટ પર ઊતરતી વખતે બસનો એર પાઈપ ફાટી ગયો હતો. જે બાદ બસ પલટી ગઈ હતી. આ બસ પહેલાથી જ ડેમેજ હતી, તો પણ ચલાવવામાં આવી રહી હતી. બસમાં 60થી 65 મુસાફરો સવાર હતા. જેની પાસે ટિકિટ ન હતી તેવા મુસાફરોને પણ બસમાં બેસાડવામાં આવ્યાં હતા.