દેવ દીવાળીનું સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ રહેલું છે ત્યારે પોરબંદરમાં ભાવિકો આજે દેવ દિવાળીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરશે. દેવ દિવાળી નિમિત્તે શેરડીની આવક વધી છે અને વેચાણ પણ વધ્યું છે. તુલસીજીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આજે તા. 12 નવેમ્બરના રોજ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. લોકો પોતાના ઘરે રંગોળી બનાવશે અને તુલસી માતાજીની પૂજા અર્ચના કરશે. માતાજી સન્મુખ દીપ પ્રગટાવશે. અને ચુંદડી ચડાવશે. ખાસ તો સાંજના સમયે તુલસીજી શેરડી ધરવાનું પણ ખાસ મહત્વ રહેલું છે ત્યારે દેવ દિવાળી નિમિત્તે પોરબંદરમાં મીઠી મધુર એવી શેરડીની પુષ્કળ આવક થઈ છે. કાળી શેરડીના ભાવ સફેદ શેરડી કરતા વધુ હોય છે. દેવ દિવાળી નિમિત્તે પોરબંદરમાં શેરડીનું પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે. દેવ દિવાળી દરમ્યાન શેરડીનું ધાર્મિક મહત્વ રહેલું છે. દેવ દિવાળી નિમિત્તે લોકો શેરડીના 1 અથવા 4 સાંઠા ખરીદ કરે છે અને તુલસીજીની પૂજા કરે ત્યારે શેરડીનો સાંઠો ધરે છે. કેટલાક લોકો તુલસીજી પાસે 4 શેરડીના સાંઠાનો માંડવો બનાવી તુલસી પૂજા કરે છે. મંદિરોમાં પણ તુલસી વિવાહ અને પૂજા કરવામાં આવશે. વિશેષ શૃંગાર કરવામાં આવશે. બાદમાં પરિવારના સભ્યો શેરડીનો પ્રસાદ આરોગે છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ શેરડીનું મહત્વ રહેલું છે | આ ઋતુમાં પિતનો પ્રકોપ હોય છે. શેરડી શિત ગુણ પ્રદાન છે. હાઇપર એસિડિટી અને પિત્તને લગતા રોગમાં શેરડીનું સેવન લાભ આપે છે. શેરડીમાં શિતગુણ છે તેમજ શેરડી યોગ્ય માત્રામાં લેવાથી પેશાબ ફૂલ ફોર્સથી બહાર કાઢવાનો ગુણ ધરાવે છે. શેરડી લીવર ટોનિક છે જેથી કમળો થયો હોય તેને પણ ફાયદો થાય છે. લીવર નબળુ પડે તો તેને જનરેટ કરે છે. વધુ માત્રામાં શેરડી ખાવાથી શરદી થઈ શકે છે. એલર્જી હોય તેવા દર્દી પણ શેરડી ખાઈ શકતા નથી. શેરડીનો ભાવ શું છે? દેવ દિવાળી નિમિત્તે પોરબંદરની બજારમાં શેરડીનું ઠેરઠેર વેચાણ થઈ રહ્યું છે. હાલ સફેદ શેરડીનો સાંઠો રૂ. 25 થી લઈને 40 સુધી ભાવ છે જ્યારે કાળી શેરડીનો ભાવ રૂ. 60 થી 80નો સાંઠો મળે છે. વેપારી અનિલભાઈ સોલંકીએ જણાવ્યું હતુંકે, દેવ દિવાળી નિમિતે શેરડી તામિલનાડુ થી મંગાવવામાં આવે છે. કાળી શેરડી પોચી હોય છે જ્યારે સફેદ શેરડી કડક હોય છે અને ધાર્મિકતા મુજબ સફેદ શેરડીનો માંડવો બનાવવામાં આવે છે.