કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને તેમાના 2 દર્દીનાં મોત થઈ ગયાં છે અને 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી. બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં ICUમાં હાજર છે. અમે પોલીસ તપાસમાં સહયોગ આપીશુંઃ CEO
ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામમાં 10 નવેમ્બરના રોજ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા લોકોએ લાભ લીધો હતો. જેમાંથી 20 જેટલા દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત હોવાથી 11મી નવેમ્બરના રોજ તેઓને હોસ્પિટલ આવવા માટે કહ્યું હતું. તેઓ સ્વેચ્છાથી અમદાવાદ ખાતે અમારી હોસ્પિટલમાં આવ્યા હતાં, જેમાં તમામ લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી અને તેમાંથી સાત લોકોની એન્યોપ્લાસ્ટિ કરવામાં આવી હતી. બે લોકોના તેમાં મૃત્યુ થયા છે તે તમામના પરિવારજનો માટે અમે સાંત્વના પાઠવીએ છીએ. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અમે પોલીસની તમામ તપાસમાં સહયોગ આપીશું. દરેક વાતમાં કહ્યું- પોલીસ તપાસમાં બહાર આવશે
ગામના 20 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોની કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? અથવા તો તેમને જાણ કરી હતી? તે અંગે જ્યારે હોસ્પિટલના COEને પૂછવામાં આવતા તેઓએ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ કરશે, તેવા ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પરિવારજનોની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? તે કોઈપણ બાબતે તેઓએ સ્પષ્ટ જવાબ આપ્યો નહોંતો. ડો. પ્રશાંત વઝીરાણીએ બધા ઓપરેશન કર્યા છે. પોલીસ તપાસમાં બધું બહાર આવશે, તેમ તેઓએ જણાવ્યું હતું. દરેક બાબતમાં પોલીસ તપાસમાં બહાર આવશે, તેમ તેઓએ જણાવ્યું હતું. ઓપરેશન માટે પરિવારજનોની મંજૂરી અને સહી કરાવવામાં આવી હતી કે કેમ? તે તમામ બાબતો માટે પણ તેઓએ માત્ર પોલીસ તપાસમાં બહાર આવશે, તેમ જવાબ આપ્યા હતા. સરકારી ડોક્ટરની ટીમે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી મોરચો સંભાળ્યો
હાલમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, યુ એન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગની 8થી 10 ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે. જે 5 દર્દીઓ ICU અને 10 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, તેઓની સારવાર અને તપાસ હવે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાત દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. જે દર્દીઓ હાલમાં દાખલ છે, તેઓને સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો પણ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. અગાઉ 2022માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને ત્રણ દર્દીને સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટરો ખ્યાતિ હોસ્પિટલે પહોંચેલા નીતિન પટેલનું નિવેદન…
ખ્યાતિ હોસ્પિટલ પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું. ગઈકાલે 19થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં અને મોટા ભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણીને એમની એન્જિયોગ્રાફિ કરવામાં આવી. કેટલાંકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ. ખ્યાતિ હોસ્પિટલે આર્થિક લાભ માટે આ કાંડ કર્યો હોવા અંગે તેઓએ જણાવ્યું કે, સારી, પ્રતિષ્ઠિત, સેવાભાવી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે, જેમાં દર્દીઓ સારી સારવાર મેળવે છે. તો કેટલીક આંગળીના વેઢે ગણાઈ તેવી ધંધાદારી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે. હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું કે, સમગ્ર ઘટના પર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગામના સભ્યોને પરિવારજનોની ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે. પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં હાજર ગામના લોકોની લેખિતમાં રજૂઆત લેવામાં આવશે. હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી. અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી પણ લેવામાં આવશે. નિયમ એમ કે છે કોઈપણ વ્યક્તિનું ઓપરેશન થાય તેના સંબંધીને પૂછ્યા વિના ન કરી શકાય. મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કર્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા… રોષે ભરાયેલાં ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી
મળતી માહિતી પ્રમાણે, શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. જેમાં જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા. કેટલાક લોકોને તો સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યાંઃ સરપંચ
કડીના બોરીસણા ગામના સરપંચના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલા અમદાવાદની એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો મેડિકલ ચેકઅપ માટેના ગામમાં આવ્યા હતાં. કેમ્પ કર્યા બાદ નામ લખી લેવામાં આવ્યા હતાં. બીજા દિવસે સવારના સમયે લક્ઝરી બસમાં 17થી 18 લોકોને હોસ્પિટલ ખાતે ચેકઅપના નામે સારવાર માટે લાવ્યા હતા. જેમાંના મોટાભાગના લોકોની એન્જીયોગ્રાફી કરી નાખવામાં આવી હતી. જે લોકોને કોઈ તકલીફ ન હતી, તેમની પણ એન્જીયોગ્રાફી કરી નાખી હતી. તેમાંના કેટલાક લોકોને તો સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યા હતા, જેના કારણે બે લોકોના મૃત્યુ પણ થયા છે. પરિવારજનોને આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી. ‘સરકારી પૈસા માટે હોસ્પિટલે ખોટી સારવાર કરી’
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા સરકારી લાભ મેળવવા માટે થઈને અને પૈસા મળે તેના માટે આ સારવાર કરી દેવામાં આવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ગામના સીધા લોકો છે, જેથી તેઓને કહ્યું તમારે આ કરવાનું છે અને તેઓએ સહી કરી દીધી હતી. જે લોકોના મૃત્યુ થયા છે તેમની તો કોઈ સહી જ લેવામાં આવી નથી. જેમના મૃત્યુ થયા છે, તેઓ ગંભીર હતા તેવું કહેવામાં આવ્યું નથી. કોઈને જાણ કરવામાં આવી નથી. 7થી 8 લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે, જેથી આ લોકોની સામે જે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તે કરવામાં આવે. સરકાર અને મુખ્યમંત્રીને હોસ્પિટલ સામે જે કાર્યવાહી કરવાની જરૂર પડે તે કરે તેવી માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે આ મામલે જણાવ્યું છે કે, ગુજરાતની અંદર ભૂતકાળમાં માંડલ, અમરેલી, રાજકોટ, જસદણ વગેરે મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડના મોટા-મોટા કૌભાંડો બહાર આવ્યા હતા, પરંતુ આ અંધાપા કાંડથી પણ સરકાર અને તંત્રએ કોઈ શીખ લીધી નથી. આજે સમાચાર મળ્યા છે કે, કડીના 19 દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ ખ્યાતી હોસ્પિટલ ખાતે એનજીઓગ્રાફી કરવા માટે લાવવામાં આવ્યા હતાં. દર્દીઓની સગાની ફરિયાદ મુજબ તેઓને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કે તેમની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા સિવાય સીધેસીધુ સ્ટેન્ટ નાખવાનું ઓપરેશન એટલે કે, એનજીઓપ્લાસ્ટિ કરી નાખવામાં આવી હતી. સમાચારો મુજબ બે દર્દીના મૃત્યુ થયા છે અને પાંચ જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે જોકા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો સગાનો આક્ષેપ છે કે, તેમના સગાઓને એનજીઓપ્લાસ્ટિ કરવાની કોઈ જ જરૂર ન હતી, છતાં પણ તેમને એન્જોપ્લાસ્ટિ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બેદરકારીના કારણે તેમના મોત થયા છે. વળી આ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે, તેવી પ્રાથમિક માહિતી મળેલ છે. આમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે. એક તરફ સારા અને સેવાભાવી ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, ત્યારે આવા મેડિકલ માફીઆઓ નિષ્ઠાભાવી અને સેવાભાવી ડોક્ટરોની શાખ દાવ પર લગાવી રહ્યા છે. ભૂતકાળમાં અંધાપા કાંડથી ગુજરાતના દર્દીઓએ આંખો ગુમાવી હતી, પરંતુ હવે તો આવા એન્જોપ્લાસ્ટિના કાંડથી દર્દીઓ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અકળ મૌન રાખીને બેઠેલા છે. હજી સુધી તેઓએ આ બાબતે પોતાનું કોઈ પણ વક્તવ્ય આપ્યું નથી. મેડિકલ માફિયાઓનું આ એક વ્યવસ્થિત પૂર્વકનું કૌભાંડ દેખીતી રીતે દેખાઈ રહ્યું છે કે, જેની અંદર આયુષ્યમાન કાર્ડમાંથી ગરીબ દર્દીઓના પૈસા ઉલેચી લેવાના અને તેમનો જીવ જોખમમાં મુકવાનો અને સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિલીટી એટલે કે સીએસઆર ફંડનો પણ મોટા પાયે દુરુપયોગ થયાની ફરિયાદો પણ સામે આવી છે. મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં આવા પ્રકારનું કૌભાંડ થાય તે સરકાર માટે પણ નીંદનીય બાબત છે. એક તરફ 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ આપીને મોટી મોટી ચૂંટણી લક્ષી જાહેરાતો થઈ રહી છે. ત્યારે બીજી તરફ આવા જ આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરીને મેડિકલ માફિયાઓ દર્દીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સરકારે જવાબદારો સામે સખત પગલાં લઈને પોતાની સક્રિયતા બતાવવી ખાસ જરૂરી છે તથા જે લોકો બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે તેઓને એક કરોડ રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસ માગણી કરે છે.