આકાંક્ષા રાણા કોયલી ગામ નજીકની રીફાઇનરીમાં બેન્ઝિન કેમિકલ ભરેલી ટેન્કમાં બ્લાસ્ટ થતા બે કર્મચારીઓનાં મોત નિપજ્યા હતા. કેમિકલ ભરેલી ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગ બાદ કંપનીની આજુ-બાજુમાં આવેલા કોયલી, કરચિયા, બાજવા, ઉંડેરા સહિતના ગામોમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભાસ્કરે કંપનીની નજીકના કોયલી, કરચિયા અને બાજવા ગામમાં જઇને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં વિકરાળ આગની ઘટના બાદ કોયલી ગામના ડોરવગો સહિતના ફળિયાના 20થી પણ વધુ પરિવારો પોતાના ઘરો બંધ કરીને રાતોરાત ગામ છોડીને નીકળી ગયા હતા. જ્યારે રિફાઇનરીને અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી. ધડાકો થતાં બાજવા ગામ પણ ધણધણી ઉઠ્યું હતું. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચારેય ગામોના નાગરિકોમાં ભયાવહ સન્નાટો ફેલાયેલો હતો, ગામોના રહિશો ભયના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ હતો. કોયલી ; ‘ધડાકો થતાં જ બાળકો ચીસ પાડી ઉઠ્યા, કહ્યું, અમને અહીંથી લઇ જાવ અમે મરી જઈશું’
કોયલીમાં 15 હજારથી વધુ પરિવાર રહે છે. ગામનો ડોરવગો સહિત ફળિયાના પરિવારો બીજા ધડાકા પછી રાત્રે જ સ્વજનોને ત્યાં રહેવા ગયા હતા. કોયલીના ઇલાબેન ગોહિલ સહિત મહિલાઓએ જણાવ્યું કે, એટલો મોટો ધડાકો હતો કે બાળકોએ ચિચિયારીઓ પાડી કહ્યું કે, અમને અહીંથી લઇ જાવ અમે મરી જઈશું. હાથમાં જે હતું તે લઇને રાત્રે ઘર છોડ્યું હતું. કંઇ લેવાનો વિચાર જ ન આવ્યો. જીવ કિંમતી લાગ્યો એટલે તાળા મારી અમારા સગા-સબંધીઓના ઘરે રવાના થઇ ગયા હતા. રાતનું બનાવેલું જમવાનું પણ જમવા રોકાયા નહીં. બીજા દિવસે સવારે આવીને ગાયને ખવડાવ્યું હતું. મોતના મોઢામાં રહી છોકરા-પતિને નોકરીએ મોકલીયે છે. કરચિયા; ‘અવાજથી ધબકારા છૂટી ગયા, દીકરો અંદર હતો, ઘરે આવ્યો તો હાશ થઇ’
કરચિયા ગામમાં 5 હજારથી પણ વધારે પરિવારો રહે છે. ગામને છેડે તળાવ પછી એક જ દીવાલે કંપની આવેલી છે. ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે ગામની શરૂઆતમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા. શારદા ગુલા પરમારે જણાવ્યું હતું કે, હું મારી લારી પર બેઠી હતી. મારું તો બાયપાસનું ઓપરેશન કરાવેલું છે. ધડાકાનો અવાજ એટલો જોરથી આવ્યો કે ધબકારા છુટી ગયા હતા. મારી લારી સહિત ઘરના દરવાજા-બારીઓ પણ ધ્રુજ્યા હતા. આગ નજરે જોઈ હતી, એના ધુમાડા રોકવાનું નામ ન્હોતા લેતા, મારો દીકરો અંદર જ હતો, સાંજે ઘરે આવતા હાશકારો અનુભવ્યો હતો. સ્વજનોના ફોન આવવાના શરૂ થઇ ગયા હતા કે ત્યાંથી નીકળી જાવ. હું કંપનીના ગેટ પર હતો, ધડાકો થતાં લાગ્યું ભૂકંપ આવ્યો, ઘર છોડવાની તૈયારી હતી
રમેશ સોલંકીએ જણાવ્યું કે, હું ઇલેક્ટ્રિશયન છું. ધડાકા સમયે કંપનીના ગેટ પર હતો. અવાજ આવતા લાગ્યું કે ભૂકંપ આવ્યો. ઘરે જાણ કરી દીધી હતી. પરિસ્થિતિ બગડે તો ઘર છોડવાની તૈયારી સાથે આખી રાત જાગ્યા હતા. બાજવા; બીજો ધડાકો થતાં પરિવારોમાં હિલચાલ શરૂ થઇ
ઘટના સ્થળથી 1 કિમી દુર બાજવા ગામમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ગીરીરાજ ફ્લેટમાં ધડાકાના કારણે ધ્રુજારી થઇ હતી. લોકોએ જણાવ્યું કે, બીજા ધડાકાને પગલે આખા ગામમાં હીલચાલ શરૂ થઇ હતી. કોયલી જેટલી ખરાબ પરિસ્થિતિ ન હતી. મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ આઇઓસીએલમાં કર્મચારી છે. આજે નોકરી ચાલુ હોવાથી ગયા હતા. તેમણે ફોન કરીને કહ્યું કે, આગ કાબૂમાં લઇ લીધી છે, ત્યારે હાશકારો અનુભવ્યો હતો. હવા કોયલી ગામ તરફ હતી એટલે ત્યાં વધારે ધુમાડો ગયો છે. અહીં ઉપર ધુમાડો હતો પરંતું તે પણ થોડા સમયમાં પ્રસરી ગયો હતો. રાત્રે ગૂંગળામણ, બાળકોને આંખ-ગળામાં બળતરા થઈ
આઇઓસીએલના ધડાકાને પગલે તીવ્ર ધુમાડો આસપાસના ગામોમાં પ્રસર્યો હતો. કોયલી સહિતના ગામમાં ધુમાડો એટલો બધો પ્રસર્યો હતો કે શ્વાસ પણ લેવામાં તકલીફ પડતી હતી. ઘુંઘળામણનો અનુભવ થતો હતો. ખાસ બાળકોને વધારે તકલીફ પડી હતી. તેમજ ગળામાં અને આંખમાં બળતરા થતી હતી. રાત્રે બીજા ધડાકા પછી રુમાલ બાંધવાની ફરજ પડી હતી. તેમ ગામના રહેવાસીઓએ જણાવ્યું હતું.