રાજકોટમાં દિવાળી વેકેશનમાં રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો ઉલાળીયો કરી વિદ્યાર્થીઓને શાળાએ ભણતર માટે બોલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સહિતના વિદ્યાર્થી નેતાઓએ અલગ-અલગ ખાનગી શાળાઓ ઉપર રેડ પાડી હતી. તે દરમિયાન યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શક્તિ અને તપસ્વી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ બાદમાં વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. એક સંચાલકે એવું કહ્યું કે, જો વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનું રિવિઝન નહીં કરાવીએ તો તે આપઘાત કરી લેશે. તો અન્ય સંચાલકે વિદ્યાર્થી નેતાઓને એવો જવાબ આપ્યો કે, અમે અહીં દારૂ કે ગાંજો વેચતા નથી, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. વેકેશનમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા કોંગ્રેસની રેડ
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શક્તિ સ્કૂલમાં અમે આવ્યા, જ્યાં દિવાળી વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હતી કે, અમને ફરજિયાત શાળાએ બોલાવવામાં આવે છે. તાજેતરમાં જ મોદી સ્કૂલની વિદ્યાર્થિનીએ શિક્ષણના ભાર અને ડિપ્રેશનના કારણે આપઘાત કરી લીધો હતો. રાજ્ય સરકારનું પરિપત્ર હોવા છતાં દિવાળી વેકેશનમાં શાળાઓ ચાલુ રાખવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટની મોદી, પ્રીમિયર, તપસ્વી, સર્વોદય અને ઉત્કર્ષ સહિતની શાળાઓ ચાલુ છે. અમે અમારું વર્ક જાતે કરીએ છીએઃ વિદ્યાર્થિની
જ્યારે શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન વહેલું પૂર્ણ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓને ફરજિયાત બોલાવવામાં આવે છે અને તેનાથી ખૂબ જ કંટાળો આવે છે. અન્ય સ્કૂલોમાં રજા છે અને અમને અહીં બોલાવવામાં આવે છે. શિક્ષકો બેઠા હોય અને અમે અમારું વર્ક જાતે કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્કૂલમાંથી રજા આપવામાં આવતા અનહદ ખુશી મળી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર રહેશે તો તે આપઘાત કરી લેશેઃ સ્કૂલ સંચાલક
શક્તિ સ્કૂલના સંચાલક બ્રિજેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં ધોરણ 10 અને 12ના એવા વિદ્યાર્થીઓ કે જેઓને પરીક્ષાનું ડર લાગે છે અને એવી બીક છે કે અમે નાપાસ થઇ જશું, તેવા વિદ્યાર્થીઓને રિવિઝન માટે બોલાવીએ છીએ. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર રહેશે તો તે આપઘાત કરી લેશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને આ વખતે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી હોવાથી અમે રિવિઝન માટે શાળાએ બોલાવીએ છીએ. જ્યારે આશ્ચર્યજનક જવાબ આપતા કહ્યું હતું કે, અત્યારે ટ્યુશન ક્લાસ પણ ચાલુ છે તો ત્યાં પણ બંધ કરાવવા જવું જોઈએ. હાલમાં સ્કૂલમાં 50% જેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. જોકે હાલ અને આ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા છે. સ્કૂલ સંચાલકે ફોન પર ઉડાવ જવાબ આપ્યો
બાદમાં વિદ્યાર્થી નેતાઓ તપસ્વી સ્કૂલ પર પહોંચ્યા હતાં. જ્યાં શરૂઆતમાં મેનેજમેન્ટના વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે, ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ રાખવા માટે પરમિશન મળેલી છે. જોકે, આ પરમિશન કોની પાસેથી મળી છે, તેનો જવાબ આપી શક્યા ન હતા. બાદમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રાજપૂતે સ્કૂલના સંચાલક અમિષ દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને એવો ઉડાવ જવાબ આપ્યો કે, અમારી શાળાએ શા માટે આવો છો? અમારી સ્કૂલમાં કંઈ દારૂ કે ગાંજો વેચવામાં આવતો નથી. આ ઉપરાંત અન્ય સ્કૂલોના નામ આપવામાં આવ્યા હતા કે, જ્યાં ભણતર ચાલુ છે. પરંતુ હકીકતમાં સીબીએસઈ શાળાઓને આ વેકેશન લાગુ પડતું નથી જેથી આ સંચાલકે રોફ જમાવી વાત કરી હતી. પરંતુ બાદમાં ગુજરાત બોર્ડનો દિવાળી વેકેશનનો પરિપત્ર બતાવવામાં આવતા સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જે બાદ આ વિદ્યાર્થીઓના મુખ પર ખુશી જોવા મળી રહી હતી.