વડોદરાના કોયલી પાસે આવેલી IOCL રિફાઈનરીમાં સોમવારે ભયંકર બ્લાસ્ટ અને આગની ઘટના બાદ આગ તો કાબૂમાં આવી ગઈ છે પરંતુ, દુર્ધટનાના પ્રત્યક્ષદર્શીઓના મનમાંથી દુર્ઘટનાનો ડર હજી પણ દૂર થયો નથી. રિફાઈનરીમાં થયેલા બ્લાસ્ટ અને આગમાં બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય જે કર્મચારીઓ નજીકમાં કામ કરી રહ્યા છે તેઓના મનમાંથી બ્લાસ્ટ અને આગના એ દૃશ્યો કલાકો બાદ પણ દૂર નથી થઈ રહ્યા. બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાને નજરે નિહાળવનારા કર્મચારીઓએ ભયાનક દુર્ઘટનાને પોતાના શબ્દોમાં વર્ણવી હતી. તો સાથે બે સાથી કર્મચારીઓના મોત નિપજતા દુઃખ પણ વ્યકત કર્યું હતું. IOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી
વડોદરાના કોયલી પાસે આવેલી IOCL રિફાઈનરીમાં સોમવારે બપોરના સમયે ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં નજીકમાં કામ કરી રહેલા બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સોમવારે બપોરના સમયે આગ ફાટી નીકળ્યા બાદ 35 જેટલી ફાયરની ગાડીઓથી પાણીનો મારો ચલાવી 15 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો. મેં ટેન્કના ઢાંકણા હવામાં ઉડતા જોયા- પ્રત્યક્ષદર્શી
કોયલની IOCLમાં સોમવારે સર્જાયેલી દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી કર્મચારી નીતેશ ગરાસિયાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં તમામ સેટલમેન્ટ કરી દેવામાં આવશે. ઘટના બની એના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈને એન્ટ્રી આપવામાં આવશે નહીં. મહિલાઓને અહીં કામ કરવાની પરમિશન હમણાં આપવામાં આવી નથી. સ્ક્રેપ બિલ્ડિંગ અને સિવિલ લાઇનનું કામ ચાલુ છે. એ બધું કામ હાલ બંધ કરવામાં આવ્યું છે. જે લોકોએ બ્લાસ્ટ પોતાની નજરે જોયો છે તે લોકો ડરી રહ્યા છે. મેં મારી આંખે આ બ્લાસ્ટને જોયો છે. માત્ર 10 મિનિટ માટે મારો જીવ બચી ગયો છે. જો હું સમયસર નીકળ્યો ન હોત આજે હું પણ તમારી સામે ન ઊભો હોત, બ્લાસ્ટના સમયે મે ટેન્કના ઢાંકણા હવામાં ઉડતા જોયા છે’ ‘હું નીકળ્યોને 10 મિનિટમાં બ્લાસ્ટ થયો’
નીતેશે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના જે એરિયામાં બ્લાસ્ટ થયો છે તે એરિયામાં હું નટ બોલ્ટ લેવા માટે ગયો હતો. જોકે હું માત્ર દસ મિનિટ પહેલા નીકળી ગયો હતો અને મારો જીવ બચી ગયો હતો. જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં મને પરમિશન લેવા માટે જવાનું હોય છે. અમારા ડિપાર્ટમેન્ટના તમામ 35 કામદારો સુરક્ષિત છે. જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંથી હું મારા ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યો અને ટિફિન ખોલ્યું હતું અને ટિફિન ખોલતા જ આપો વિસ્તાર ધણ ગણી ઉઠ્યો હતો.તેઓએ ઉમેર્યું હતું કે, આ સમયે વેલ્ડીંગનું કામ ચાલતું હતું. જેથી અમને લાગ્યું હતું કે, ગેસની બોટલ ફાટી હશે. જોકે અમે બહાર નીકળીને જતા જોયું તો ટેન્કનો ઢાંકણું ખાવામાં ઉછળતું હતું. જેથી અફરા તફરી મચી ગઈ હતી. જેથી અમારા સેફટી સુપરવાઇઝર એ તમામ કામદારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા હતા. આગ કાબૂમાં આવ્યા બાદ પણ કર્મચારીઓમાં ડરનો માહોલ
અન્ય એક કર્મચારી મોહમ્મદ આસિફ ખાને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે 3:15 વાગે હું કામ કરી રહ્યો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જેથી અમે કર્મચારીઓને એકત્ર કર્યા હતા અને તુરંત જ બધાને બહાર કાઢ્યા હતા. અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે પરંતુ લોકો અંદર જતા ડરી રહ્યા છે. અમારી અંદર પણ ડર છે પરંતુ અંદર અમારું કામ હોવાથી જવું પડે તેમ છે.