હાલ વધી રહેલાં સિમેન્ટ કોંક્રિટનાં જંગલો વચ્ચે આપણે પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યા છીએ. ગામડાંથી શહેરો તરફ લોકોએ દોટ મૂકી છે ત્યારે ગામડાની જીવનશૈલી રજૂ કરતું અને ગૌમાતાના પૂજનથી માંડીને ગૌમાતાની સેવા, પ્રાકૃતિક ખેતીનો સંદેશ સાથેનું પ્રદર્શન અહીંયાં વડતાલ ધામમાં રજૂ કરાયું છે. મહોત્સવ સ્થળે 7 વીઘા જમીનમાં આ ‘ગૌમહિમા દર્શન’ નું પ્રદર્શન ઊભું કરાયું છે. જેમાં એક લાઈવ શો અને અન્ય એક શો દ્વારા ગૌમહિમાને રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાયના છાણમાંથી 200થી વધારે અલગ અલગ વસ્તુઓનો અદભુત નજારો સૌકોઈનાં મન મોહી લે છે. અહીંયાં પ્રાકૃતિક ખેતી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જર્સી અને દેશી ગાય પર સંવાદ
વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મહોત્સવ 800 વીઘા જમીનમાં પથરાયેલો છે. જેમાં 7 વીઘા જેટલી જમીનમાં ‘ગૌમહિમા દર્શન’ના પ્રદર્શને પણ ભારે આકર્ષણ જમાવ્યું છે. અહીંયાં પ્રદર્શન ફરતા અંદાજે 40થી વધુ મિનિટ લાગે એમ છે. જેમાં આ પ્રદર્શનમાં પ્રવેશતા જ ગૌમાતાની પૂજા કરવામાં આવે છે અને પ્રદક્ષિણા ફરવામાં આવે છે અને ગાયમાતાને ગૌદાન કરાય છે. તે બાદ આગળ જઈએ તો, જર્સી ગાય અને દેશી ગાય પર નાનકડો સંવાદ છે, આગળ કેન્સર વિભાગ છે જેમાં ગાયોની સાથે રહેવાથી કેન્સર જેવા રોગોનું નિદાન થયું છે તે દર્શાવવામાં આવ્યું છે. ચાર વેદમંત્રોને આવરી લેવાયા
ગાયના ગૌમૂત્રમાંથી ખાતર તૈયાર કરાયું છે અને તેનાથી જ ખેતી (પ્રાકૃતિક ખેતી) કરવામાં આવી છે તે ચિતાર આ પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યો છે. આ બાદ આગળ ગામડાની જીવનશૈલીને ઉજાગર કરતું લીપણવાળું મકાન દર્શાવવામાં આવ્યું છે. તેનાથી આગળ આદર્શ પરિવાર જેમાં ચાર વેદમંત્રોને આવરી લેવાયા છે. માતૃ દેવો ભવ:, પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ:,અતિથી દેવો ભવ:, એમ આ આદર્શ પરિવાર સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. લાઈવ શોમાં ગૌમહિમાનાં દર્શન
અહીંયાં લાઈવ શો પણ છે જેમાં વિવિધ ગાયના ગોબરમાંથી બનેલી વિવિધ વસ્તુઓ અને ગોબરના ફાયદા વિશે વાકેફ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં ગાયના ગોબર અને માટીમાંથી એક ચીપ્સ બનાવી છે જે મોબાઇલ પાછળ લગાવવાથી તેના રેડીએશનની ઈફેક્ટથી બચી શકાય છે તેનાં લાઈવ દૃશ્યો દર્શાવવામાં આવ્યાં છે. ગામડાની જીવનશૈલીની સમજ અપાઇ: પારુલબેન પંચાલ
પ્રદર્શન નિહાળવા વડોદરાથી આવેલાં પારુલબેન પંચાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગૌપ્રદર્શન ખૂબ જ અદભુત છે. અહીંયાં અલગ અલગ જાતની ગાય જેમાં જર્સી તેમજ દેશી ગાયની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અને ગામડાના જીવનશૈલી વિશે સમજ આપવામાં આવી છે. ખેડૂતો માટે ઘણી જાણકારી આપે તેમ છે. અહીં રિયલ લાઇફની અનુભૂતિ થાય છે: ડો.મેઘા વ્યાસ
આ પ્રદર્શન નિહાળવા મુંબઈથી આવેલા ડો.મેઘા વ્યાસે જણાવ્યું કે, ગૌપ્રદર્શનમાં અહીંયાં ઇકો ફ્રેન્ડલી ઘર ગાયના છાણમાંથી ઘર બનાવવામાં આવ્યું છે, આ ઘરમાં રહેવાથી માનસિક રીતે તમે સ્વસ્થ રહો છો, અહીંયાં ગૌશાળાનું સંપૂર્ણ મોડલ બતાવવામાં આવ્યું છે. પ્રદર્શનમાં ચંપલથી માંડી વાસણથી લઈને વિવિધ વસ્તુઓ જોવા મળે છે જે રિયલ લાઇફની અનુભૂતિ કરાવે છે. સ્વયંમસેવિકા પ્રિયંકા પટેલે જણાવ્યું કે, ગાયને માનવજીવન સાથે સીધો નાતો છે, ગાયના છાણમાંથી ઓક્સિજન મળે છે અને વાતાવરણને પણ સ્વચ્છ રાખે છે. જેથી સ્વાસ્થય પણ સારુ રહે છે. અહીંયાં દેશી અને ગીર ગાયનું પણ મહત્ત્વ સમજાવવામાં આવે છે. ગાયનું ગોબર શરીરના રોગોને નિવારે છે: ઈશા પટેલ
સ્વયંસેવિકા ઈશા પટેલે જણાવ્યું કે, અહીંયાં આ પ્રદર્શનમાં ઘણું બધું જાણવા જેવું છે. સૌપ્રથમ તો આ પ્રદર્શન રાખવા પાછળનું કારણ એ છે કે, અત્યારે શહેરી વિસ્તારમાં ગાયનું માન નથી, જનજન સુધી ગાયો વિશેની જાણકારી પહોંચે તે હેતુ છે. ગાયના ગોબર એટલે કે, છાણ શરીરના રોગોને નિવારે છે જેમકે, ટીબી, કેન્સર વગેરે, વધુમાં તેણીએ જણાવ્યું કે, છાણના લીપેલા મકાનમાં રહેવાથી તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. ગૌમાતાની સેવા સાથે પ્રાકૃતિક ખેતીની સમજ: શાસ્ત્રી વિવેકસાગર સ્વામી
આ પ્રદર્શન સંભાળનાર ધ્રાંગધ્રાના શાસ્ત્રી વિવેકસાગર સ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 7 વીઘા જમીનમાં ‘ગૌમહિમા દર્શન’ આપતું આ પ્રદર્શન ગોઠવાયું છે. ગૌમાતાના પૂજનથી લઈને ગૌમાતાની સેવા કેવી રીતે કરવી અને પ્રાકૃતિક ખેતી સમજે તે માટેનો સંદેશ આ પ્રદર્શનમાં આપવામાં આવ્યો છે. અહીંયાં મોબાઈલના રેડીએશનથી માનવ જીવનને જોખમ છે તે બતાવવામાં આવ્યું છે જેને નિવારવા માટે અમે અહીંયાં માટી અને ગાયના ગોબરમાથી બનાવેલી એક ચીપ્સથી લાઈવ ડેમો બતાવીએ છીએ, ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી અંદાજે 1 હજારથી વધુ પ્રોડક્ટ બની શકે છે. આ ઉપરાંત રોગના ઈલાજ તેમજ ઘર સુશોભનની વસ્તુઓ પણ બને છે. આ પ્રદર્શનમાં 200થી વધારે ગાયના ગોબરમાંથી બનેલી વસ્તુઓનો નજારો એક ઝુમ્મર મારફતે રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી પણ દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શનનો લાભ દૈનિક 1 લાખથી વધુ હરિભક્તો લઈ રહ્યા છે.