વડોદરા શહેરના કોયલી ખાતે આવેલ IOCL ગુજરાત રિફાઇનરીમાં એક પછી એક બે બ્લાસ્ટ થતાં આખા કોયલી ગામની ધરા ધ્રુજી ઊઠી હતી. પહેલા બ્લાસ્ટમાં આણંદ જિલ્લાના તારાપુર ગામના 34 વર્ષીય યુવક ધીમંત મકવાણાએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ થયેલા બીજા બ્લાસ્ટમાં કોયલી ગામના જ 22 વર્ષીય યુવક શૈલેષ મકવાણાએ જીવ ગુમાવ્યો. જવાનજોધ દીકરાઓ ગુમાવતા આ બંને પરિવારો પર આભ ફાટી પડ્યું છે. મૃતક ધીમંતના પરિવારને તો દીકરાને જોવા માટે વલખાં મારવાં પડ્યાં હતાં. તંત્ર તરફથી તેમના દીકરાની સ્થિતિ શું છે તે પણ જણાવવામાં આવ્યું નહોતું. માંડ-માંડ તેઓ પોતાના દીકરા સુધી પહોંચ્યા, ત્યાં તો ખબર પડી કે વહાલસોયો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. જ્યારે મૃતક શૈલેષ મકવાણાના પિતાને તો હજુ ખબર પણ નથી કે તેમનો દીકરો આ દુનિયામાં રહ્યો નથી. શૈલેષના પિતા સનાભાઈ દ્વારકા ખાતે પગપાળા સંઘમાં ગયા હતા. જ્યાં તેઓને કંઈ પણ કહ્યા વિના મોડી રાત્રે વડોદરા ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા. શૈલેષભાઈ નાસ્તો આપીને નીકળે ત્યાં બીજો બ્લાસ્ટ થયોઃ સંબંધી
મૃતક શૈલેષ મકવાણાના સંબંધી રાજેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં શૈલેષ સનાભાઈ મકવાણાએ જીવ ગુમાવ્યો છે. શૈલેષભાઈ રિફાઇનરીની કેન્ટીનમાં નોકરી કરતા હતા. રિફાઇનરીમાં પ્રથમ બ્લાસ્ટ થયા બાદ કોઈ અધિકારીનો શૈલેષભાઈ ઉપર ફોન આવ્યો હતો, જેથી શૈલેષભાઈ નાસ્તો લઈને જ્યાં આગ બુઝાવવાની કામગીરી ચાલતી હતી ત્યાં આપવા ગયા હતા. શૈલેષભાઈ નાસ્તો આપીને પરત જતા હતા, ત્યાં જ બીજો બ્લાસ્ટ થયો હતો, જેમાં શૈલેષભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તુરંત જ રિફાઇનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ‘તેમના પિતા તો દ્વારકા પગપાળા જતા હતા’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શૈલેષભાઈએ માસ્ક નહોતું પહેર્યું અને પંપિંગ કરતાં-કરતાં લાવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ટ્રાય કલર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમનું હાર્ટ ફરી શરૂ કરવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શૈલેષભાઈના પરિવારમાં તેમનાં પત્ની અને બે બાળકો છે. તેમના પિતા તો પગપાળા દ્વારકા ગયા હતા. જોકે, તેમને આ ઘટના અંગે જાણ કર્યા વગર મોડી રાત્રે જ ટ્રેનમાં વડોદરા પરત મોકલી દેવામાં આવ્યા હતા. ‘આખું ગામ આખી રાત ઊંઘ્યું નથી’
તેઓએ ઉમેર્યું હતું કે, અત્યારે અમારું કોયલી ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને આખા ગામના લોકોના જીવ પડીકે બંધાયા છે. આખું ગામ આખી રાત ઊંઘ્યું નથી. બધા એકબીજાનો સંપર્ક કરીને પૂછી રહ્યા છે કે શું થઈ રહ્યું છે, પરંતુ રિફાઇનરીના અધિકારીઓ દ્વારા કોઈ મેસેજ આપવામાં આવતો નથી. આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવે તો સારું છે. કોયલી અને કરચિયા સહિતનાં આસપાસનાં તમામ ગામના લોકો ડરના માહોલમાં જીવી રહ્યાં છે. કોયલી ગામના લોકોએ રિફાઇનરી માટે પોતાની જમીન આપી છે, તેમ છતાં રિફાઇનરીના અધિકારીઓ કોન્ટ્રાક્ટમાં નોકરી માટે મનમાની કરી રહ્યા છે. ઘણીવાર તો રિફાઇનરીમાં મૃત્યુ થઈ જાય છે પણ બહાર આવતું નથી. ‘આજે ઘરનો મોભ જ તૂટી પડ્યો છે’
વઘુમાં તેઓએ કહ્યું હતું કે, શૈલેષભાઈનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે. શૈલેષભાઈ આખા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ નોકરી પરથી ઘરે આવ્યા બાદ શાકભાજીની લારી પણ ચલાવતા હતા. આજે ઘરનો મોભ તૂટી પડ્યો છે. તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. અમારી માગણી છે કે આ પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવામાં આવે અને યોગ્ય વળતર પણ આપવામાં આવે. અહીં ધક્કા ખાઈએ છીએ, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથીઃ સુરેશભાઈ
મૃતક ધીમંત મકવાણાના પિતા સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મારો દીકરો રિફાઇનરીમાં છેલ્લાં 3 વર્ષથી નોકરી કરતો હતો. જ્યાં અચાનક આગ લાગતા અમે રિફાઇનરી ખાતે દોડી આવ્યા હતા. અમે રાત્રે 8 વાગ્યાથી તપાસ કરી રહ્યા હતા, પણ તંત્ર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મારો દીકરો અહીં નોકરી કરતો હતો. તેને પણ 6 વર્ષનો એક દીકરો છે. અમે અહીં ધક્કા ખાઈએ છીએ, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી.