અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલી ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામના 10 નવેમ્બરના રોજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા લોકોને બીજા દિવસે બસ મારફતે સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. જેમાં ખ્યાતિ હોસ્પિટલે 19 દર્દીને હૃદયરોગી બનાવી તેઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને તેમાના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. આ 7માંથી 2 લોકોના મોત થઈ ગયા અને 5ને ICUમાં દાખલ કરવા પડ્યા હતાં. એન્જિયોપ્લાસ્ટી કરવાથી કોઈ દર્દીના મોત થઈ શકે કે નહીં? તે બાબતે એક્સપર્ટ ડોક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડો. અનિશ ચંદારાણા સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી છે. તો આવો જાણીએ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી વિશે તેઓનું શું કહેવું છે…. પ્રશ્નઃ 1. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બંને અલગ બાબત છે? બંનેમાં શું ફરક હોય છે?
જવાબઃ હા, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બંને અલગ પ્રક્રિયા છે. એકથી ડાયોનોસ્ટિક કરી શકાય છે, જ્યારે બીજાથી સારવાર કરી શકાય છે. એટલે કે, એન્જિયોગ્રાફી તે ફક્ત હૃદયની ધમનીઓમાં બ્લોકેજીસ છે કે કેમ? તે વિશે જાણકારી આપે છે. એન્જિયોગ્રાફીથી કોરોનરી આર્ટરીસના બ્લોકેજીસ જાણી શકાય છે. એન્જિયોગ્રાફીથી કોઈ સારવાર થઈ શકતી નથી, ફક્ત બ્લોકેજ શોધી શકાય છે. એટલે કે, કોરોનરી ડાયગ્નોસ થઈ શકે છે. જ્યારે એન્જિયોપ્લાસ્ટીમાં દર્દીના હૃદયમાં બ્લોકેજ દૂર કરવા માટે તેના માટે દર્દીના હૃદયની નળીઓમાં જો કોઈ મોટા બ્લૉકેજ હોય એટલે કે, 70થી 80 ટકા કરતાં વધુ બ્લોક હોય તો તબીબ દ્વારા શરીરમાં હૃદયની ધમની સુધી બલૂન ઉતારીને સ્ટેન્ડ મૂકવામાં આવે છે અને હૃદયની ધમનીઓ પહોળી કરવામાં આવે છે. પ્રશ્ન: 2. એન્જિયોગ્રાફી કરતા કુલ કેટલો સમય થાય છે?
જવાબ: કોઈપણ કાર્ડિયોલોજિસ્ટને એન્જિયોગ્રાફી કરવા માટે દર્દીની સ્થિતિ ઉપર સમય લાગી શકે છે. આમ તો એન્જિયોગ્રાફી ત્રણથી પાંચ મિનિટની જ પ્રક્રિયા છે, પરંતુ તે પહેલા દર્દીને ઓપરેશન થિયેટરના ટેબલ ઉપર લાવીને તેમના શરીરમાં પંચર કરીને જે પ્રક્રિયા કરવામાં આવે છે અને દર્દી બહાર આવે તેટલો સમય કુલ 12થી 17 મિનિટ સુધીનો હોઈ શકે છે. પ્રશ્ન:3. એન્જિયોગ્રાફી થઈ ગયા બાદ એન્જિયોપ્લાસ્ટી કરવામાં કેટલો સમય થઈ શકે છે?
જવાબ: એન્જિયોપ્લાસ્ટીના સમયમાં ઘણા બધા પરિબળો અસર કરે છે. જેમ કે, દર્દીના હૃદય સાથે જોડાયેલી કેટલી ધમનીમાં બ્લોક છે. જેમ કે, કોઈ દર્દીના હૃદયમાં જતી નસમાં ફક્ત એક જ બ્લોકેજ હોય તો તે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય છે. પરંતુ કેટલાક સંજોગોમાં બે અથવા તેનાથી પણ વધારે નશમાં બ્લોકેજીસ હોવાથી તેની પ્રક્રિયા લાંબી ચાલી શકે છે. કારણ કે, દર્દીના હૃદયની નળીમાં જે બ્લોકેજીસ હોય છે તે કેટલા જટિલ છે અથવા તો તેમાં કેલ્શિયમ છે કે બ્લડ ક્લોટ છે? તે તમામ પરિબળો અસર કરે છે. જો કોઈ દર્દીને એક જ નળીમાં ફક્ત એક જ બ્લોકેજ હોય તો તે 20થી 30 મિનિટમાં એન્જિયોપ્લાસ્ટીક થઈ શકે છે. પરંતુ કોઈ દર્દીના હૃદયમાં ત્રણથી ચાર નસમાં એક કરતાં વધુ બ્લોકેજીસ હોય તો તબીબોને તે દૂર કરતા બે કલાક કે તેથી પણ વધુ સમય થઈ શકે છે. તેથી એન્યોપ્લાસ્ટીની પ્રક્રિયાનો સમય દરેક દર્દી સાથે અલગ થઈ શકે છે. તેમાં મુખ્યત્વે તેના કોમ્પ્લિકેશન અને કેટલી સંખ્યામાં બ્લોકેજીસ છે તેના પર આધાર રાખે છે. આ પણ વાંચો: ખ્યાતિ ‘મલ્ટીસ્કેમ’ હોસ્પિટલ, 3.66 કરોડ લૂંટ્યા પ્રશ્ન: 4. એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી એક દર્દીને કર્યા બાદ હોસ્પિટલમાં અન્ય દર્દીને ઓપરેશન થિયેટરમાં લેતા પહેલા સાફ-સફાઈ માટે કેટલો સમય લાગી શકે છે?
જવાબઃ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી તે સામાન્ય રીતે એવી પ્રક્રિયા છે, જેમાં દર્દીને જનરલ એનેસ્થેસિયા આપવાની જરૂર હોતી નથી. તથા દર્દીના શરીર ઉપર કોઈ શસ્ત્રક્રિયા એટલે કે, કટ લગાવવાની કે ચીરફાડ કરવાની જરૂર હોતી નથી. તેથી લોહી નીકળવાની પણ કોઈ શક્યતા રહેતી નથી. તેથી એક દર્દીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફક્ત ઓપરેશન થિયેટરના પર્સને તથા ઓપરેશન ટેબલને સફાઈ કરવામાં આવે છે. ઉપરાંત તમામ જે સામગ્રી હોય તેને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, તેથી પાંચથી દસ મિનિટ કરતાં વધુ સમય લાગતો નથી. પ્રશ્નઃ 5. કોઈ એક જ તબીબ એક દિવસમાં કેટલી એન્જિયોપ્લાસ્ટી કરી શકે?
જવાબઃ કોઈપણ વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે કે તે તબીબ દિવસ દરમિયાન કેટલી એન્જિયોપ્લાસ્ટી કરી શકે છે. તથા સંપૂર્ણ ટીમની એફિશિયન્સી ઉપર આધાર રાખે છે. જો કોઈ તબીબ અને તેમની ટીમ ઈચ્છે તો સવારના 8થી સાંજના 8 એટલે કે, 12 કલાક જેટલા સમયમાં 20 કે તેથી વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા સક્ષમ હોય છે. આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલમાં બાઉન્સરરાજ, ICU રામભરોસે પ્રશ્નઃ 6. કોઈ દર્દીને એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ સ્ટેન્ડ મૂકવામાં આવે તો તેનાથી કોઈ દર્દીનું મૃત્યુ થઈ શકે?
જવાબઃ હા, કારણ કે એન્જિયોપ્લાસ્ટી તે સો ટકા સુરક્ષિત પ્રક્રિયા નથી. તેમાં તબીબ દર્દીના હૃદય સાથે પ્રક્રિયા કરે છે, તેથી 3થી 4 કારણોથી દર્દીનું એન્જિયોપ્લાસ્ટી કરતી વખતે મૃત્યુ થઈ શકે છે. જેમાં એન્યોપ્લાસ્ટિક વખતે દર્દીના હૃદયની નળીમાં સ્ટેન્ડ મુકતી વખતે કોઈ કોમ્પ્લિકેશન થાય અને નસ ફાટી જાય અથવા તો તેમાં સ્ટેન્ડમાં બ્લોકેજ આવી જાય જેને કારણે બ્લડ ફ્લો બંધ થઈ જાય તો તેનાથી દર્દીનું મૃત્યુ થઈ શકે છે. તદુપરાંત કોઈ દર્દીનું હૃદય ખૂબ જ નબળું હોય અથવા હૃદયમાં લોહીના પરિભ્રમણની કમી હોય તો દર્દીને સડન કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે, જેનાથી હૃદય બંધ થવાથી મૃત્યુ થઈ શકે છે. આ ઉપરાંત પણ બ્લડ સપ્લાય ધીમો પડી જવાથી અથવા તો બ્લડપ્રેશર ઘટી જવાથી હૃદય બંધ થવાથી મૃત્યુ થઈ શકે છે. આ તમામ જટિલ તને પહોંચી વળવા માટે હોસ્પિટલની કેથલેબમાં તમામ ઉપકરણો હાજર હોય છે. પ્રશ્નઃ 7. એન્જિયોગ્રાફીથી કોઈ દર્દીનું મૃત્યુ થઈ શકે?
જવાબઃ એન્જિયોપ્લાસ્ટીની સરખામણીમાં એન્જિયોગ્રાફી ખૂબ જ સુરક્ષિત પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ફક્ત દર્દીના હૃદયનું નિદાન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે, તેમાં દર્દીના શરીરમાં કોઈ ફેરફાર કરવામાં આવતી નથી, તેમ છતાં કેટલાક સંજોગોમાં એન્જિયોગ્રાફીથી પણ દર્દીનું મૃત્યુ થવાની શક્યતાઓ રહેલી છે. વિશ્વભરના ડેટા અથવા તો અમેરિકા જેવા દેશ કે ભારતના ડેટાનો અભ્યાસ કરવામાં આવે તો 1000 દર્દી કે જેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, તેમાંથી ચારથી આઠ દર્દીના મૃત્યુ થયા છે. એન્જિયોગ્રાફીની પ્રક્રિયામાં દર્દીના હાથ કે પગમાં પંચર કરીને તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે. તો જે નસથી આ પ્રક્રિયા કરવામાં આવે તેમાં કોઈ સમસ્યા સર્જાતા ઇન્ટર્નલ બ્લડિંગ શરૂ થતા મૃત્યુ થઈ શકે છે. તથા એન્જિયોગ્રાફી દરમિયાન નહિવત પ્રમાણમાં દર્દીને સડન કાર્ડિયાક એરેસ્ટ આવવાથી હૃદય બંધ થવાની સમસ્યા થઈ શકે છે. તથા બ્લડ ક્લોટ કે કોલેસ્ટ્રોલનો એક નાનો ભાગ છૂટો પાડીને ફસાઈ જવાથી જટિલતા વધતા મૃત્યુ થઈ શકે છે. પરંતુ તે ખૂબ જ રેર કેસમાં જોવા મળે છે. આ પણ વાંચો: કોણ છે ખ્યાતિ હોસ્પિટલનો માલિક?