ખ્યાતી હોસ્પિટલમાં દાખલ 19 દર્દીની એન્જિયોગ્રાફી કરાઈ હતી, જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી બાદ 2 લોકોનાં મોત થયાં હતાં. ઘટના બાદ સોમવારે રજા દર્દીઓને રજા આપી દેવાઈ હતી, પરંતુ બુધવારે સવારે પોલીસે 15 લોકોને સ્ટેટમેન્ટ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. તાજેતરમાં જ એન્જિયોગ્રાફી થયેલી હોવાથી તેઓને આરામની જરૂર હતી, પરંતુ પોલીસ દ્વારા સ્ટેટમેન્ટ માટે બોલાવતા ટ્રાવેલિંગને કારણે મોટા ભાગના લોકોની તબિયત લથડી હતી. પોલીસ નિવેદન બાદ તમામ દર્દીને યુ.એન મહેતા હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાના હતા, પરંતુ આ પહેલાં જ એક દર્દીની તબિયત વધારે ખરાબ થતા તાત્કાલિક 108 મારફતે યુએન મહેતા લઈ જઈ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીના પરિવારોનો આક્ષેપ હતો કે, પોલીસ મંગળવારે સાંજે જ સ્ટેટમેન્ટ લઈ શકતી હતી, સાથે જ યુએન મહેતામાં ટ્રીટમેન્ટ માટે લઈ જ જવાના હતા તો રાત્રે જ શા માટે નિર્ણય ન લેવાયો, કારણ કે એન્જિયોગ્રાફી બાદ દર્દીને આરામ કરવાનો હોય છે, પરંતુ પોલીસ અને હેલ્થ વિભાગે યોગ્ય આયોજન ન કરતા દર્દીઓને લાંબા અંતરનું ટ્રાવેલિંગ કરવાની ફરજ પડતા તબિયત ખરાબ થઈ હતી. પોલીસ દ્વારા જણાવાયું હતું કે, તમામ દર્દીઓને સ્ટેટમેન્ટ માટે બોલાવાયા હતા. પોલીસે દર્દીઓની ઉંમર સામે તો જોવું હતું… પરિવારોમાં રોષ
53 વર્ષના દિનેશભાઈ સાધુને પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા બોલાવાયા હતા, પણ ત્યાં ગભરામણ થતાં 108 એમ્બ્યુલન્સ બોલાવી યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમના પુત્ર જગદીશભાઈએ કહ્યું કે, સ્ટેન્ટ નાખ્યા પછી આ સમસ્યા થઈ છે.