સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે. પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે. સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે. દક્ષિણ ગુજરાતના ઝંખવાવમાં પ્રથમ રિહેબિલિટેશન સેન્ટર
સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે. 6 મહિનામાં માનવ પર હુમલાની ત્રણ ઘટના સામે આવી છે, જેમાં ત્રણેય વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે, ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા. પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે. હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વીતાવશે. દિવાળી પર દીપડાએ બાળકને ફાડી ખાધુ હતું
આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસીંગભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર
સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહટની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાઈ તો રિહેલિટિબેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. પહેલાં દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા. પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી
સાથે તેઓએ જણાવ્યું હતું કે, માંડવીના ઝંઝવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટિશન સેન્ટર બનાવાશે. દક્ષિણ ગુજરાતના માનવભક્ષી દીપડાઓને અહીં રખાશે
ઉલ્લેખનીય છે કે, હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન માંડવીના ઝંઝવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંઝવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.