દેશમાં 14-20 નવેમ્બર દરમિયાન ‘સહકારી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. ગુજરાતની સહકારી બેન્કોમાં લોકોની 51 હજાર કરોડથી વધુ બચત જમા છે. સહકારી બેન્કોમાં સૌથી વધુ ડિપોઝિટ મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 1.17 લાખ કરોડની બચત છે. રાજ્યમાં 160 સહકારી બેન્કો 50 વર્ષ કે તેથી વધુ વર્ષ જૂની છે. છેલ્લાં 7 વર્ષમાં ગુજરાતમાં સહકારી બેન્કોની ડિપોઝિટ 24 હજાર કરોડથી વધીને પ્રથમ વાર 51 હજાર કરોડને પાર થઇ છે. એસએલબીસીના રિપોર્ટ મુજબ 2014 બાદ સહકારી બૅન્કોમાં ડિપૉઝિટ 33 હજાર કરોડ વધી છે. સહકારી બૅન્કોની કુલ 1480 શાખાઓ છે. જેમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કની દરેક જિલ્લામાં એક શાખા છે. કુલ 212 અર્બન કો-ઓપરેટિવ બેન્ક છે અને 18 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેન્ક આવેલી છે. ખેતી ક્ષેત્રે કુલ 8.36 લાખ લોકોએ 21 હજાર કરોડની લોન સહકારી બેન્કોમાંથી લીધી છે. રાજ્યમાં 20 બેન્ક 75-99 વર્ષ જૂની છે. રાજ્યમાં 50-74 વર્ષ જૂની હોય તેવી સૌથી વધુ 135 સહકારી બેન્ક આવેલી છે. જ્યારે 69 સહકારી બેન્ક 25થી 49 વર્ષ જૂની છે. પાંચ બૅન્ક 100 વર્ષ જૂની ગુજરાતમાં ભદ્રાની પીપલ્સ, ટેક્સટાઇલ, કલોલ અર્બન નાગરિક, ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બૅન્ક 100 વર્ષ જૂની છે. રૂ. 1300 કરોડની લોન એનપીએ
એસએલબીસીના રિપોર્ટ મુજબ ગુજરાતમાં જૂન 2024ની સ્થિતિએ સહકારી બેન્કોની કુલ 1364 કરોડની લોન એનપીએ થઇ ગઇ છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કે કુલ 600 કરોડથી વધુ લોન આપી છે. તેમાંથી 13.46 ટકા લોન એટલે કે 81 કરોડની લોન એનપીએ થઇ છે. રાજ્યની ડિસ્ટ્રિક્ટ કો-ઓપ.બેન્કમાં 50 હજાર કરોડ જમા છે. સહકારી બેન્કોએ એક વર્ષમાં 3 હજાર કરોડની લોન આપી છે.