ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીને સલાહ આપી છે. બ્રેટ લીએ રોહિત અને કોહલીને થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહેવા કહ્યું છે. તાજેતરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં બંને બેટર નિષ્ફળ રહ્યા હતા. આ ટેસ્ટ સિરીઝમાં ભારત 3-0થી હારી ગયું હતું. આ પછી બંનેની ખૂબ ટીકા થઈ હતી. તેણે કહ્યું, 22 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં નવી શરૂઆત કરવી જોઈએ, જેના માટે બંનેએ થોડો સમય ક્રિકેટથી દૂર રહેવું જોઈએ. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થ સ્ટેડિયમમાં રમાશે. ભારત વધુ પડતું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું
બ્રેટ લીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘સિરીઝ શરૂ થાય તે પહેલા ચર્ચા થઈ રહી હતી કે ભારત ન્યૂઝીલેન્ડ સામે 3-0થી જીતશે. મેં પણ 3-0ની આગાહી કરી હતી, પરંતુ એવું થયું નહીં. ભારતની બેટિંગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મને લાગે છે કે ભારત તેમની સામાન્ય ક્રિકેટ શૈલીથી અલગ એવા શોટ્સ રમીને ખૂબ જ પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.’ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરો નવા બોલથી રોહિત પર એટેક કરશે
તેણે આગળ કહ્યું, ‘જો તમે હિટમેન (રોહિત) અને કિંગ કોહલી પર નજર નાખો તો તેઓએ સિરીઝમાં 90-90 રન બનાવ્યા હતા. આ તેમના જેવા ખેલાડીના રન નથી. તે તેમના કરતા ઘણો સારો ખેલાડી છે. જ્યારે તમે સતત રન બનાવતા નથી, ત્યારે દબાણ વધી શકે છે. મને લાગે છે કે હવે વિરાટ અને રોહિતે તેમની ટેકનિક પર કામ કરવું જોઈએ, ફ્રેશ થવું જોઈએ, બને એટલું ક્રિકેટથી દૂર રહેવું જોઈએ અને પછી ઓસ્ટ્રેલિયા જઈને મેદાનમાં ઉતરવું જોઈએ, કારણ કે હું તમને વચન આપી શકું છું કે, આ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો રોહિત પર નવા બોલથી એટેક કરશે.’ ઓસ્ટ્રેલિયા 2014-15થી ભારતને હરાવી શક્યું નથી
ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી 4 બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ભારતને હરાવી શકી નથી. ટીમની છેલ્લી જીત 2014-15ની સિઝનમાં મળી હતી. ત્યારે સ્ટીવ સ્મિથની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 2-0થી હરાવ્યું હતું. ત્યારપછીની ચાર સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી જીત મેળવી હતી.