રાજુ નાયક
કેન્દ્ર સરકારની આયુષ્માન મા કાર્ડ યોજના કે જેમાં પહેલા 3 લાખ પછી 5 લાખ અને હવે 10 લાખ સુધીની સર્જરીની તમામ સારવાર ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત કરવામાં આવે છે. આ યોજના છેલ્લા ઘણા સમયથી માત્ર મહેસાણા જ નહીં પરંતુ રાજ્યના તમામ શહેરોમાં આવેલી ખાનગી હોસ્પિટલો માટે કમાઉ દીકરો બની ગઈ છે. પીએમજેએવાય યોજના અંતર્ગત વિવિધ સારવારના થતા ક્લેમ અને તેમાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ચૂકવાતી રકમ આ સાબિત કરી રહી છે. માત્ર મહેસાણા જિલ્લામાં 11 જુલાઈ 2023થી 27 ઓક્ટોબર 2024 સવા વર્ષમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રજીસ્ટર થયેલા 7,30,927 ક્લેમ પૈકી 56,807 ક્લેમમાં કુલ રૂ.122 કરોડ 43 લાખ 40177નું ચૂકવણું કરાયું છે. તે પૈકી 111 કરોડ માત્ર ખાનગી હોસ્પિટલોને ચૂકવાયા છે.
હૃદયરોગની સારવારમાં એક સ્ટેન્ટ નાખવા રૂ.60 હજાર અને ત્રણ સ્ટેન્ટ માટે રૂ.1.50 લાખ સુધીનું પેકેજ હોસ્પિટલને આપવામાં આવ્યું છે અને તે મુજબ જે-તે દર્દીને મૂકવામાં આવેલ ક્લેમના નાણાં હોસ્પિટલના કે તબીબના ખાતામાં સીધા જમા થતા હોય છે. જેને લઇ સામાન્ય ગભરામણ કે શ્વાસ ઉપડતાંની સાથે જ હૃદયની નળીઅો બ્લોક હોવાનું માની એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવા સુધીના ઓપરેશનની સારવાર મોટાભાગની ખાનગી હોસ્પિટલો દ્વારા કરાય છે.
મહેસાણા જિલ્લામાં 11 ઓગસ્ટ 2023 થી 27 ઓક્ટોબર 2024 સુધી સરકારી હોસ્પિટલમાં વિવિધ સારવારના 23005 અને ખાનગી હોસ્પિટલોમાં તેનાથી ડબલ 50927 જેટલા વિવિધ સારવાર ના ક્લેમ રજીસ્ટર થયા હતા જે પૈકી સરકાર દ્વારા સહકારી હોસ્પિટલોને 17202 કલમના 10 કરોડ 80 લાખ 64,615 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 39,605 ક્લેમના 111 કરોડ 62 લાખ 85,562 રૂપિયાનું ચુકવણું થઈ ચૂક્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં બોરીસણા ગામના 2 જણાના મોતને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાઅે હાથ ધરેલી તપાસમાં કડી તાલુકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 5 ગામોમાં આ હોસ્પિટલ દ્વારા ગામના આગેવાનોને વિશ્વાસમાં લઈ માત્ર રવિવારના રોજ જ કેમ્પ કરાયા છે અને લોકોને સારવારના બહાને ઓપરેશન પણ કરાયા છે. તપાસમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના ખંડેરાવપુરામાં 19 માર્ચ 2023ના દિવસે કેમ્પ કરી 13 જણને સારવાર માટે લઈ જવાયા હતા, જે પૈકી ચારના ઓપરેશન કર્યા હતા. ચાલુ વર્ષે કણજરીમાં 8 સપ્ટેમ્બરે કેમ્પ કરી 12 જણને, લક્ષ્મણપુરામાં 2 ઓક્ટોબરના રોજ 5 જણને, વાઘરોડા ગામે 13 ઓક્ટોબરના રોજ 23 જણાને તે પૈકી 20 જણની એન્જિયોગ્રાફી કરાવી હતી. તે પૈકી વૃદ્ધ ફતાજી ઠાકોરનું સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે 10 નવેમ્બરના રોજ બોરીસણા ગામે 19 જણાને સારવાર માટે લઈ જવાયા હતા. જે પૈકી 7ના ઓપરેશન કર્યા બાદ 2ના મોત થયા હતા અને 4 જણ હજુ આઇસીયુમાં છે. આમ, સોમવારે બનેલી ઘટનાને લઇ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી પંથકમાં મેડિકલ કેમ્પ કરી આયુષ્માન કાર્ડ થકી એક પ્રકારે રૂપિયા કમાવવાનો નથી કથીત ધંધો કર્યો હોવાનું લોકો માની રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વિનાયકપુરાના વૃદ્ધનું આઠ દિવસ પૂર્વે મોત થયું હતું કડીના વિનાયકપુરા ગામે દિવાળી પહેલાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો. ગામના સ્વસ્થ અને સશક્ત ગણપતભાઈ વાળંદને ખ્યાતિ હોસ્પિટલમાં મફત સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં તબીબોએ પરિવારની જાણ બહાર એન્જિયોગ્રાફી કરી નાખી હતી. તેમની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સિવિલ ખાતે લઈ ગયા હતા. જેમનું 8 દિવસ અગાઉ મોત થતાં પત્ની અને એક દીકરો કલ્પાંત કરે છે. કડી તાલુકાના બોરીસણા ગામે રવિવારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે વિનામૂલ્યે રોગ નિદાન કેમ્પ યોજ્યા બાદ સોમવારે 19 લોકોને હોસ્પિટલની બસમાં બેસાડી અમદાવાદ લઇ જઇ પરિવાજનોની કોઇપણ જાતની મંજૂરી કે જાણ કર્યા વિના પૈસા કમાઇ લેવાની લાલચમાં તમામ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી અને તેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. સાત લોકોને સ્ટેન્ટ મૂક્યા બાદ એક યુવાન અને એક વૃદ્ધ મળી બે દર્દીઓનાં મોત થયાં હતાં. જ્યારે ચાર દર્દીઓ હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે ગામના બે લોકોનાં મોત થયાની મંગળવારે જાણ થતાં ગામલોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને નખમાંયે રોગ ન હતો, પરંતુ ડોક્ટરોએ પૈસા કમાવવાની લ્હાયમાં તેમનો જીવ લીધો છે. આવા લોકોને કડકમાં કડક સજા કરી અમને ન્યાય અપાવો. દરમિયાન, બુધવારે સવારે 10 વાગે તમામ 17 જણાને સિવિલ હોસ્પિટલ અસારવા ચેકઅપ માટે હાજર રહેવા વસ્ત્રાપુર પોલીસે જણાવ્યું છે. અગાઉ આ જ હોસ્પિટલમાં વિનાયકપુરા અને વાઘરોડા ગામના બે લોકોનાં પણ મોત થયાં હતાં. નવિન પટેલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક નહીં, બે નહીં પણ 19 લોકોની એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેમને રવિવારે હેલ્થ ચેકઅપ કેમ્પ કર્યાના બીજા દિવસે સોમવારે એકસાથે બસમાં ભરીને અમદાવાદ લઇ જવાયા હતા. ગામમાં કેમ્પ કર્યો તે સમયે દરેકને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. અને મંગળવારે પરોઢે હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે મૃતકના પુત્રોને ખબર પડી કે તેમના પિતાનું તો ઓપરેશન કરાયું છે. મૃતક નાગરભાઇના બંને પુત્રોને ઓપરેશનની કોઇ જાણ જ ન હતી ખ્યાતિ હોસ્પિટલના તબીબો બસ લઈને ગામલોકોને લેવા આવ્યા ત્યારે મેં ડૉક્ટરને કહ્યું હતું કે, તમે દર્દીની સાથે તેમના સગાઓને લઈ જજો.સોમવારે રાતે આઠ વાગે ડૉક્ટરનો મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો અને તેમણે મને નાગરભાઈ સેનમાના પરિવારનો સંપર્ક કરાવવા જણાવ્યું. મેં ડૉક્ટર સાથે નાગરભાઈના બંને દીકરાને વાત કરાવી. તેમના દીકરાઓને તો આ વાતનો ખ્યાલ જ નહોતો. ડૉક્ટરે તેમને તાત્કાલિક હોસ્પિટલ બોલાવ્યા હતા. નાગરભાઈનો કેમ્પમાં મારા પછી નંબર હતો અને તેમને તો 450 ડાયાબીટિસ હતું.> કનૈયાલાલ દેસાઈ, સેવક, ગ્રામ પંચાયત મહેશભાઈને નખમાંયે રોગ ન હતો, રોજ પ્રભાતફેરી કાઢતા મહેશભાઈ બારોટને નખમાં પણ રોગ ન હતો. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી દરમિયાન તબીબોની બેદરકારીના કારણે મહેશભાઈનું મોત થયું હતું. મહેશભાઈ રોજ વહેલી સવારે ગામમાં પ્રભાતફેરીમાં ઢોલ વગાડતા હતા. મંગળવારે તેમના ઢોલ વિના જ ગામમાં પ્રભાતફેરી નીકળી પણ સૂની સૂની લાગતી હોવાનું કનૈયાલાલ દેસાઈએ જણાવ્યું હતું. મહેશ તેમના ભાઈ, ભાભી સાથે રહેતા હતા. હું આંખો બતાવવા ગયો અને મારો કાર્ડિયોગ્રામ કાઢી નાખ્યો જનરલ સ્ટોર ધરાવતા પટેલ શકરાભાઈ જુગલદાસ કેમ્પમાં આંખોનું ચેકઅપ કરાવવા ગયા હતા. જ્યાં તબીબોએ તેમને તરત પલંગ ઉપર સુવાડી કાર્ડિયોગ્રામ કાઢ્યો અને આયુષ્યમાન કાર્ડ છે તેમ પૂછ્યું. મારે આંખની દવા લેવાની છે તેમ કહેતાં તબીબે આંખના ટીપાં લખી આપ્યાં. સોમવારે સવારે ગામમાં હોસ્પિટલનો સ્ટાફ બસ લઇને આવ્યો ત્યારે મને પણ બૂમ મારીને ચલો કાકા તમારી સારવાર કરી નાખીએ, બેસી જાવો તેમ કહ્યું. પરંતુ મેં દુકાને કોઈ નથી તેમ કહી ના પાડી દીધી એટલે તે જતાં રહ્યા હતા. > શકરાભાઈ પટેલ, કેમ્પમાં સારવાર લેનાર અમારું માણસ ગયું, તે પાછું તો નહીં આવે, પણ ડોક્ટરોને કડકમાં કડક સજા કરો… મૃતક નાગરભાઈ સેનમાનાં પુત્રવધૂ અમરતબેને કહ્યું કે… તેમને કોઈ દિવસ તાવ પણ નથી આવ્યો, કોઈ તકલીફ નહોતી. આવા દવાખાનાને સીલ મારી દેવા જોઇએ. પૌત્રી કોમલે રોષ ઠાલવતાં કહ્યું કે, અમારે કંઈ જોઇતું નથી. અમારું માણસ ગયું છે, એ માણસ તો આવશે નહીં, પણ ડોક્ટરોને કડકમાં કડક સજા થવી જોઇએ. મૃતક મહેશભાઈ બારોટના કાકા બળદેવભાઈએ જણાવ્યું કે…
મારા ભત્રીજાને કોઈ પ્રોબ્લેમ જ નહોતો, સાજો સારો હતો. કોઈને કંઈ કીધું જ નહોતું, કોઈને જાણ પણ નથી કરી. રાત્રે 8 વાગે મારા બાબાનો ફોન આવ્યો અને તેણે મને જાણ કરી હતી. નિર્દોષ લોકો મરી ગયા છે, ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. જિલ્લા કક્ષાએથી પણ સારવાર સહિતની તપાસ કરાશે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ અપાયા છે તે તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએથી પણ કેમ્પ થકી દર્દીઓના રિપોર્ટ કાઢવામાં આવ્યા છે અને કરવામાં આવેલી સારવાર સહિતની અન્ય તપાસ કરવામાં આવશે. કેમ્પની પરવાનગી અાપી નથી.> ડો.મહેશ કાપડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી આયુષ્યમાન કાર્ડવાળાને શોધીને ટાર્ગેટ બનાવાયા ખ્યાતિ કાંડમાં આયુષ્યમાન કાર્ડવાળા દર્દીઓને જ ટારગેટ કરાયા હતા. રવિવારે બોરીસણા ગામમાં સર્વરોગ નિદાનના નામે કેમ્પ કર્યો ત્યારે પણ લાભાર્થીઓને પૂછી એ જાણી લેવાતું કે તેમની પાસે PMJAYના કાર્ડ છે કે નહીં. જેમની પાસે હોય એમને અમદાવાદ વધુ સારવાર માટે આવવા દબાણ કરાતું હતું. સોમવારે 19 દર્દીઓ જેમની પાસે PMJAYના કાર્ડ હતા તેમને લેવા બીજા દિવસે સવારે બસ મોકલવામાં અાવી હતી. ICUમાં દાખલ 7 દર્દી જેમના પરિવારની સંમતિ વિના ઓપરેશન કરી દેવાયા હતા. જે દર્દીઓના મોબાઇલ નંબર ઉપર PMJAYના કલેમનો મેસેજ જતાં સગાઓને ખબર પડી કે, અમારા સ્નેહીઓને સ્ટેન્ટ મૂક્યા છે. આ બનાવ બાદ હોસ્પિટલમાં દોડી આવેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, 19 દર્દીઓને અલગ-અલગ બિમારી હોવા છતાં મોટાભાગના દર્દીઓને હદયરોગના દર્દી ગણી સારવાર શરૂ કરી દેવાઇ હતી. સામાન્ય રીતે UN મહેતા જેવી સરકારી હોસ્પિટલમાં આવા દર્દીઓને સારવાર કરવામાં આવે તો ઓનલાઇન મંજૂરી મળવાની પ્રક્રિયા જટિલ હોય પણ ખ્યાતિ હોસ્પિટલને તુરંત મંજૂરી મળી ગઇ તે શંકા ઉપજાવે છે. બોરીસણાના રમીલાબેન પટેલના પતિ રમેશભાઇ પટેલને હ્દય લગતી કોઇ બીમારી ન હતી માત્ર પથરીને લઇ સામાન્ય પેટમાં દુ:ખાવો રહેતો હોવાથી હોસ્પિટલમાં આવ્યા હતા. છતાં તેમને ICUમાં દાખલ કરી સ્ટેન્ડ મુકી દેવાયું હતું. જ્યારે રમીલાબેનને હ્દયની તકલીફ હોવા છતાં રૂટીન ચેકઅપ કર્યું હતું. 2022માં સાણંદના તેલાવના વૃદ્ધને આયુષ્યમાન કાર્ડના બહાને લઇ જઇ સ્ટેન્ટ મૂકતાં મોત થયું હતું 2022માં સાણંદના તેલાવ ગામના બે રહીશને આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બહાને અમદાવાદ લઇ આવી પરિવારજનોની જાણ બહાર હ્રદયનું ઓપરેશન કરી નાખ્યું હતું. જેમાંથી દશરથજી ઠાકોરનું મોત થયું હતું.