સાઉદી અરેબિયાની સરકારે NEOM પ્રોજેક્ટના CEO નદમી અલ-નાસરને હટાવી દીધા છે. NEOM એ નિર્જન રણમાં નવું શહેર બનાવવાનો પ્રોજેક્ટ છે. જોકે, નદમીના રાજીનામાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. નદમી 2018થી આ પોસ્ટ પર હતા. હવે તેમની જગ્યાએ અયમાન અલ-મુદૈફરને કાર્યકારી CEOની જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NEOMની સફળતા અંગે શંકાઓ વધવા લાગી હતી. પ્રોજેક્ટ સમયસર પૂરો ન થવાથી અને વધતા ખર્ચથી સરકાર નિરાશ છે. સોશિયલ મીડિયા પર એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પ્રોજેક્ટ દાવા પ્રમાણે સફળ નહીં થાય. NEOM સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સાઉદી આના પર 40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સાઉદી વિઝન 2030નો એક ભાગ છે. આ દ્વારા સાઉદી અરેબિયા તેલ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. બ્રિટિશ ચેનલ ITVએ દાવો કર્યો છે કે, NEOM પ્રોજેક્ટના ‘ધ લાઈન’ સિટીનું નિર્માણ કરતી વખતે છેલ્લા 8 વર્ષમાં 21 હજારથી વધુ માઈગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા છે. મોટાભાગના પ્રવાસી મજૂરો ભારત, પાકિસ્તાન અને નેપાળના છે. 1 લાખથી વધુ લોકો ગુમ, સાઉદી સરકારે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે દરરોજ 8થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. માર્યા ગયેલા લોકોમાં ભારતના 14 હજાર મજૂરો, બાંગ્લાદેશના 5 હજાર મજૂરો અને નેપાળના 2 હજાર મજૂરોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે એક લાખથી વધુ લોકો ગુમ પણ થઈ ગયા છે. આ ડોક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટ પર લગભગ 1.5 લાખ લોકો કામ કરી રહ્યા છે. આ પરપ્રાંતિય મજૂરોને 16 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમને ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે. જેના કારણે તેઓ બીમાર પડીને મૃત્યુ પામે છે. ડોક્યુમેન્ટરી અનુસાર, રાજુ બિશ્વકર્મા નામના નેપાળી કામદારે મદદ માંગવા માટે નેપાળમાં તેના મિત્રો અને પરિવારને ફોન કર્યો હતો. તેણે કહ્યું હતું કે જો તે પાંચ મહિનાનો પગાર ચૂકવશે તો જ તેને રજા આપવામાં આવશે. થોડા સમય બાદ તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ન્યૂઝવીકે નેપાળના ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ બોર્ડને ટાંકીને કહ્યું કે, ધ લાઈન પ્રોજેક્ટમાં ઘણા નેપાળી લોકોના મોત થયા છે. 650 લોકો એવા છે જેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. સાઉદી સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને ખોટા ગણાવ્યા છે. એક નિવેદનમાં સાઉદી સરકારે કહ્યું કે પ્રતિ 1 લાખ કામદારોના મૃત્યુની સંખ્યા 1.12 છે. આ અત્યંત નીચું છે. સાઉદીએ NEOM પ્રોજેક્ટ પર 40 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા
પ્રોજેક્ટ હેઠળ ‘ધ લાઈન’ નામનું શહેર સ્થાપિત કરવામાં આવશે. તે માત્ર 200 મીટર પહોળું અને 170 કિલોમીટર લાંબુ કાર-મુક્ત શહેર હશે. જો કે બીબીસી અનુસાર, આ પ્રોજેક્ટનો માત્ર 2.4 કિમીનો ભાગ વર્ષ 2030 સુધીમાં પૂર્ણ થશે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિઝન 2030 હેઠળ આ પ્રોજેક્ટ બનાવવા માંગતા હતા. જો કે હવે આ પ્રોજેક્ટ જુદા જુદા તબક્કામાં પૂર્ણ થશે.