કડી તાલુકાના થોળ રોડ ઉપર આવેલ બોરીસણા ગામે રવિવારના દિવસે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જે બાદ સોમવારે 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવેલા હતા. જે બાદ હોસ્પિટલમાં દાખલ કરીને દર્દીઓને એન્જ્યોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવી હતી. જે બાદ બોરીસણા ગામના 19માંથી બે લોકોના મોત થયા હતા. આ વાતની જાણ બોરીસણા ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ હલ્લાબોલ કરી તોડફોડ કરી હતી. છેલ્લા દોઢ બે વર્ષથી કડીના અનેક ગામડાઓમાં કેમ્પ યોજ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું ષડયંત્ર સામે આવ્યું છે. બોરીસણા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજી 19 લોકોને બસમાં બેસાડી ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ બોરીસણા ગામના નાગર સેનમા અને મહેશ બારોટનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા છેલ્લા એક-બે મહિના નહીં પરંતુ છેલ્લા દોઢ બે વર્ષથી કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ યોજી ગ્રામ્ય વિસ્તારની ભોળી અને અભણ પ્રજાને છેતરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. કડી તાલુકાના વાઘરોડા, લક્ષ્મણપુરા, વિનાયકપુરા, ખવાડ, કણઝરી, ખંડેરાવપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પાસે પીએમજેવાય કાર્ડ હોય તેઓને બીજા દિવસે બસમાં અથવા તો ખાનગી વાહનમાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હતા અને ત્યાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી. હોસ્પિટલમાં દાખલ કરી પીએમજેવાય કાર્ડમાંથી પૈસા ખંખેર્યા
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના અનેક ગામોને નિશાન બનાવવામાં આવેલા હતા. જેમાં કડીના ખાવળ ગામે માર્ચ 2023માં કેમ્પ યોજવામાં આવેલો હતો અને લક્ષ્મણપુરા ગામે ગત 2 ઓક્ટોબરના રોજ કેમ્પ યોજાયો હતો. ખાવળ ગામના 25થી 30 લોકોને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. તેમજ લક્ષ્મણપુરાના 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરીને એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવેલી હતી. લક્ષ્મણપુરા ગામના પૂર્વ સરપંચ અને તેમના પત્ની સહિત ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરી પીએમજેવાય કાર્ડમાંથી પૈસા ખંખેરી નાખ્યા હતા. લક્ષ્મણપુરામાં યોજાયેલ કેમ્પમાં 100થી પણ વધુ દર્દીઓએ ભાગ લીધો હતો
ખ્યાતિ હોસ્પિટલનું ષડયંત્ર બહાર આવતા સમગ્ર ગુજરાતમાં હડકમ મચી જવા પામ્યો હતો. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક બે વર્ષથી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. તેમ છતાં સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય કેન્દ્ર ઊંઘતું ઝડપાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામના પૂર્વ સરપંચ પટેલ વિષ્ણુ બળદેવભાઈએ જણાવ્યું હતું કે, બીજી ઓક્ટોબરે અમારા ગામની ડેરીમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં 100થી પણ વધુ દર્દીઓએ ભાગ લીધેલો હતો. 14, 15 દર્દીઓને તકલીફ જેવું હતું તેમને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા હતા. ત્યાં આગળ ચાર લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવેલી હતી. મેં તેમજ મારી પત્ની મધુબેનને પણ એન્જીયોગ્રાફી કરાવી હતી. મારી પત્નીને છેલ્લા દસેક વર્ષથી બે નળીઓ બ્લોક હતી. અમારા બંનેના પૈસા આયુષ્યમાન કાર્ડમાંથી કપાયા હતા તેમજ અમારા જોડે કાર્ડ નહોતું પરંતુ હોસ્પિટલ દ્વારા કાર્ડ નીકળવામાં આવેલું હતું. કેસ પેપરોમાં ડોક્ટરના નામની જગ્યાએ હોસ્પિટલનું નામ
લક્ષ્મણપુરા ગામના પૂર્વ સરપંચે ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ બતાવતા ઘટસ્ફોટ થયો હતો કે ફાઈલના અંદર રહેલ કેસ પેપરોમાં ડોક્ટરના નામની જગ્યાએ ખ્યાતિ એમ હોસ્પિટલ લખેલું હતું અને હોસ્પિટલના ડોક્ટરનું નામ જોવા મળ્યું ન હતું. તેમજ કેસ પેપરની અંદર એડમિટ જગ્યા પર ખ્યાતિ એમ હોસ્પિટલ લખેલું જોવા મળેલું હતું. માર્ચ-2023માં દર્દીએ વસ્ત્રાપુર પોલીસમાં અરજી પણ કરી હતી
કડી તાલુકાના ખાવડ ગામના વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, હું પણ હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં આગળ સારવાર બરોબર કરી ન હતી તેમજ સેવાઓ પણ બરોબર ન હતી. જ્યારે કેમ્પના અઠવાડિયા બાદ મેં આરપીડી દ્વારા ખ્યાતિ હોસ્પિટલના વિરુદ્ધમાં અરજી કરી હતી. જે બાદ હું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ગયેલો હતો. ત્યાર બાદ મને જજીજ બંગલા પાસે પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવેલો હતો. ત્યાં મેં મારું નિવેદન લખાવેલું હતું, બાદમાં પોલીસનો કોઈ જ ફોન મારા ઉપર આવેલો ન હતો. ખાવડ ગામના 30 લોકોને સારવાર માટે અમદાવાદ લઈ આવ્યા હતા
કડી તાલુકાના બોરીસણા ગામે હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજીને કઈ તકલીફ હોય કે ન હોય અને પીએમજેવાય કાર્ડ હોય તેવા લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા હતા. જે બાદ સમગ્ર ઘટના બહાર આવવા પામી હતી અને બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે માર્ચ 2023માં કડી તાલુકાના ખાવડમાં ગામમાં પ્રાથમિક શાળા ખાતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ ખ્યાતિ હોસ્પિટલના બે લોકો આગલા દિવસે બાઈક ઉપર ફરીને ગ્રામજનોને જાણ કરી હતી. ખાવડ ગામે યોજાયેલ કેમ્પમાં 200થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 25થી 30 લોકોને બસમાં અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા હતા. મને કંઈ તકલીફ નોહતી છતાં લઈ ગયા હતા
ખાવડ ગામના જયંતી પટેલે જણાવ્યું હતું કે, જ્યારે હું ખેતરે ગયો હતો અને ખેતરમાંથી પાછો આવતો હતો ત્યારે એક સાહેબ મળ્યા હતા અને મારું નામ લખી કહ્યું હતું કે તમારા જોડે મા કાર્ડ છે હોય તો તમે મા કાર્ડ અને આધાર કાર્ડ લઈને આવી જાઓ. મને કંઈ પણ તકલીફ હતી નહીં અને લઈ ગયા હતા. ત્યાં જઈને મને કહ્યું હતું કે તમારી અલગ અલગ નળીઓ બ્લોક છે મને કંઈ જાણ જ નથી કરી, ખાવા પીવા પણ કંઈ આપ્યું ન હતું. દોઢ વર્ષ પહેલાં કેમ્પનું આયોજન થયું હતું અને અહીંથી 20 જણાને લઈ ગયેલા હતા. ત્યાં જઈને ઊંઘાળી સળીયો નાખ્યો હતો. મને કીધું હતું કે, તમારી આટલી નળીઓ બ્લોક છે મેં કહ્યું હતું કે કંઈ વાંધો નહીં જે હોય તે. 15 લોકોએ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવેલી હતી.