‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવત વાપીના પાંચ વર્ષના બાળકના કિસ્સામાં સાર્થક થઇ છે. કારણ કે વાપીમાં 5 પાંચ વર્ષનું બાળક એક માસ અગાઉ ઘરના બીજા માળેથી નીચે પડી ગયું હતું. ત્યારે ગરદનથી માથામાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો.શરૂઆતના પાંચ દિવસ બાળકની હાલત અત્યંત કટોકટીપૂર્ણ હતી,પરંતુ વાપીની હરિયા હોસ્પિટલના તબીબોએ એક માસ સુધી સારવાર સાથે ઓપરેશન કરી શ્રમિક પરિવારના બાળકને નવજીવન આપ્યું હતું. બાળકના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઓપરેશનનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો. વાપીના ભડકમોરા વિસ્તારમાં 12 ઓકટોબરે એક કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરતા શ્રમિક રવીન્દ્ર રાજભરના પાંચ વર્ષના પુત્ર આદિત્યને ગંભીર હાલતમાં હરિયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.આદિત્ય રવીન્દ્ર રાજભર નામનું આ બાળક બીજા માળેથી પડી ગયું હતું અને એક સળિયો તેના ગળાના પાછળના ભાગેથી ઘૂસીને માથાના ભાગે આરપાર નીકળી ગયો હતો. જેથી તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બાળકની તબિયત સ્થિર, હાલ કોઈ તકલીફ નહીં ગળાથી માથાના ભાગે આરપાર ઘૂસેલા સળિયા સાથે આ બાળકને તેના પિતા અને સ્વજનો હોસ્પિટલમાં લાવ્યા હતા. આ શ્રમિક પરિવાર પાસે બાળકના ઓપરેશનના પૈસા પણ નહોતા તેથી બાળકને બચાવવા માટે ઓપરેશન સહિતનો તમામ ખર્ચ પણ હોસ્પિટલે પોતે ઉપાડ્યો હતો. ઓપરેશન બાદ બાળકને કોઈ તકલીફ પડી નથી. સળિયો ઘૂસી ગયો હોય તો કાઢવાનો પ્રયાસ કરવો નહીં વાપી હરિયા હોસ્પિટલના ન્યૂરોસર્જન વાસુદેવ ચાંદવાણીએ જણાવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ ઘટના બને ત્યારે બાળકને અથવા તો જે તે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સળિયો ઘૂસી ગયો હોય તો તે બહાર કાઢવાની કોશિશ કરવી નહીં. તેને સીધો હોસ્પિટલમાં લાવો અને હોસ્પિટલમાં ઓપરેશન દ્વારા જ તે સળિયો બહાર કાઢવામાં આવે તો તેમાં લોહીનો વ્યય ઓછો થાય છે અને દર્દીની જિંદગી બચાવી શકાય છે.ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા લોકોએ હેલ્મેટ ગમબૂટ સહિતનાં સુરક્ષાનાં સાધનો પહેરીને કામ કરવું જોઈએ. કન્સ્ટ્રક્શન સાઈટ પર અથવા તો પોતાના ઘરે બાળકોને બાલ્કનીથી દૂર રાખવા જોઈએ. બાલ્કનીની આસપાસ જાળીનું સુરક્ષા કવચ રાખવું જોઈએ.જેથી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે.