અમેરિકાના એનએસએ હોદ્દા માટે માઇક વૉલ્ટ્ઝનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે અને વિદેશમંત્રી પદે ફ્લોરિડાના સેનેટર માર્કો રુબિયોના નામની અટકળોને પગલે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટતંત્રની 2 પ્રાથમિકતા સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલી, યુક્રેન અને ઇઝરાયલ યુદ્ધ અટકાવવા માટે અમેરિકા દબાણ કરશે. બીજી, અમેરિકા ચીનને જોરદાર ટક્કર આપશે. તેને પગલે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાનું કૂટનીતિક વલણ ભારતતરફી કરવા જઈ રહ્યું છે. તેને પરિણામે જ અમેરિકન રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશયાત્રા માટે નવી દિલ્હી અને વૉશિંગ્ટન, બંનેએ પડદા પાછળ પહેલ શરૂ કરી દીધી છે. આ કવાયતને પગલે ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવવાના પ્રયાસોને વેગ અપાઈ રહ્યો હોવાની ચર્ચા છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પ સત્તારૂઢ થાય તે પછી તરત જ ઔપચારિક પહેલ થાય, તેવી પૂરતી શક્યતા છે. મોદી-ટ્રમ્પ વચ્ચે ટૅલિફોનિક શુભેચ્છા સંદેશથી આની શરૂઆત થશે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિને ક્વાડ શિખર સંમેલનમાં દિલ્હી આવવાનું નોતરું અપાશે. ક્વાડની તારીખો જાપાન અને ઑસ્ટ્રેલિયાના નેતાઓની ભાગીદારીને ધ્યાનમાં રાખીને નક્કી થશે. એ સ્થિતિમાં અમેરિકાના નાયબ વિદેશમંત્રીની ભારતના અધિકારીઓ સાથે ગુરુવારે વર્ચ્યુઅલ મીટિંગ મળે તેવી શક્યતા છે. એ બેઠકમાં ટ્રમ્પના પ્રવાસની તારીખો અંગે પ્રાથમિક સંમતિ સધાય તેવી આશા છે. ટ્રમ્પની ભારતયાત્રાની સાથે પાકિસ્તાનને જોડવામાં નહીં આવે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે. ચીનને અમેરિકાના મૂડનો સંદેશ આપવા માટે ટ્રમ્પના પ્રવાસમાં આગામી પડાવ કોઈ એશિયન દેશ પણ હોઈ શકે છે. પહેલાં પણ આ પ્રયાસ થયો હતો : અમેરિકામાં સરકારી સુધારાનો આ પહેલો પ્રયાસ નથી. 1993માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ‘રિઇન્વેન્ટ ગવર્નમેન્ટ’નું વચન આપ્યું હતું. તે પછી ‘નેશનલ પાર્ટનરશિપ ફોર રિઇન્વેન્ટિંગ ગવર્નમેન્ટ’ની રચના કરી હતી. તેમનો હેતુ ટ્રમ્પના પ્રયાસો જેવો જ હતો. એટલે કે બિનજરૂરી ખર્ચ-નોકરીમાં કાપ અને બ્યુરોક્રસી પાસેથી શ્રેષ્ઠ કામ કરાવવું.