અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના તાર રાજકોટ સુધી લંબાયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5 માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી જો કે આ સર્જરી રદ કરવા માટે ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી દીધી હતી. ત્યારે હવે આ તપાસના છેડા રાજકોટની ન્યુ લાઈફ હોસ્પિટલ સુધી લંબાઈ શકે તેમ છે. જો કે હાલ ડોક્ટર સંજય પટોલિયા ક્યાં છે કોઈને ખબર નથી માટે પોલીસ દ્વારા તેમની હોસ્પિટલ ખાતે પણ તપાસ કરવામાં આવી શકે છે. અમદાવાની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંડોવાયેલ ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5ના ખૂણે બીજા માળે ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. જો કે બે દિવસથી તેઓ રાજકોટની હોસ્પિટલ ખાતે આવ્યા નથી. આજે દિવ્યભાસ્કરની ટિમ રાજકોટમાં આવેલ તેમની ન્યુ લાઈફ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં તેમના જુનિયર ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ ઉપસ્થિત હતા. જેમાં ડોક્ટર દર્શિતએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સંજય પટોલીયા અહીંયાના મુખ્ય સર્જન છે તેમના દ્વારા દર ગુરુવારે અહીંયા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવતી હોય છે. આજે અહીંયા કુલ 6 દર્દીની પ્લાન સર્જરી હતી પરંતુ ગઈકાલે સાંજે ડોક્ટર સંજય તરફથી આ સર્જરી પોસપોન્ડ કરવા સૂચના આપવામાં આવતા તમામ દર્દીને જાણ કરી આ સર્જરી પોસપોન્ડ કરવામાં આવી છે. હાલમાં આજે રૂટિન ઓપીડી ચાલુ છે કોઈ ઓપરેશન કરવામાં આવશે નહિ. ડોક્ટર સંજય ક્યાં છે એ બાબતે અમને કશું ખબર નથી બે દિવસ પહેલા વાત થયેલ હતી આ પછી કોઈ સંપર્ક થઇ શક્યો નથી. અહીંયા હોસ્પિટલમાં કાર્ડ મારફત કોઈ યોજનામાં સર્જરી કરવામાં આવતી નથી. હજુ સુધી પોલીસ કે અન્ય કોઈ સરકારી અધિકારીઓ તપાસ અંગે રાજકોટ હોસ્પિટલ ખાતે આવ્યા નથી.. કડી તાલુકાના થોળ રોડ પર આવેલા બોરીસણા ગામે ગત તારીખ 10 નવેમ્બર 2024ના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને બીજા દિવસે 11 નવેમ્બરને સોમવારના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીની તબિયત લથડતાં રાતના 10 વાગ્યે હોસ્પિટલે દર્દીના પરિવારજનોને જાણ કરી કે તમારા સ્વજનની હાલત ગંભીર છે. તમે અમદાવાદ આવી જાઓ, પરંતુ બીજા દિવસે 12 નવેમ્બરના રોજ સવારના સમયે દર્દી મહેશ ગિરધરભાઈ બારોટ (ઉ.વ.45) અને નાગર સેનમા (ઉ.વ.59)નાં મોત નિપજ્યા હતા. બે દર્દીના મોત નિપજતા હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે અને આ મામલાની તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ અને પોલીસ પણ એલર્ટ બની તપાસ કરી રહી છે. જેમાં બન્ને દર્દીઓના મૃતદેહોનું મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં કોઈ બાહ્ય ઈન્જરીના નિશાન જોવા મળ્યા નથી. આ કેસમાં સહેજ પણ કાચું ના કપાય તે માટે આંતરિક ઇજા કેટલા અંશે થઈ છે તે જાણવા માટે માઈક્રો સ્કોપિક એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો છે. તેની સાથે વિશેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યા છે જેનો ચોકસ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે.. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આવેલ ડોક્ટર સંજય પટોલીયાની ન્યુ લાઇફ હોસ્પિટલ ખાતે હવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. તેઓ કોઈના સંપર્કમાં છે કે પછી તેઓ હોસ્પિટલ ખાતે આવે છે કે કેમ તે અંગે પણ તપાસ થઇ શકે છે. ત્યારે હવે આ મામલે ખ્યાતિ કાંડમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.