22 નવેમ્બરે ગુજરાતી ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યેશ દોશી, જગત ગાંધી તથા કો-પ્રોડ્યુસર મનોજ આહિર છે. ફિલ્મને ‘વેનિલા આઇસક્રીમ’ ફૅમ ડિરેક્ટર પ્રીતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં હિતેન કુમાર, સુચિતા ત્રિવેદી, મિત્ર ગઢવી, ધ કેરલા સ્ટોરી ફૅમ સિદ્ધિ ઇદનાની, જાહન્વી ગુરનાની, તત્સત મુનશી સહિતના એક્ટર્સ છે. હાલમાં જ સિદ્ધિ, મિત્ર ગઢવી ને જાહન્વી દિવ્યભાસ્કરની મુલાકાતે આવ્યા હતા. ફિલ્મ કેવી રીતે મળી?
મિત્ર ગઢવીએ ફિલ્મ કેવી રીતે મળી તે અંગે વાત કરતા કહ્યું હતું, ‘આ ફિલ્મ મને પ્રોડ્યુસર મનોજ આહિર તથા ડિરેક્ટર પ્રીતને કારણે મળી. સૌ પહેલા હું મનોજભાઈને મળ્યો ને ત્યારબાદ પ્રોડ્યુસર દિવ્યેશ દોશી ને જગત ગાંધી સાથે મુલાકાત થઈ ને પછી આ ફિલ્મ પ્રીત ડિરેક્ટ કરશે તેવી વાત થઈ. પ્રીતની ઈચ્છા હતી કે હું આ ફિલ્મમાં રાઘવનો રોલ પ્લે કરું. પ્રોડ્યુસરને મળ્યો ત્યારે તેમણે ફિલ્મની સ્ટોરી કહી હતી. મને ફિલ્મની સ્ટોરી ઘણી જ ગમી. ડિરેક્ટર પ્રીતને આ ફિલ્મ પહેલા હું મળ્યો હતો અને ત્યારે અમે એવું કહેલું કે આપણે એક પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરીશું.’ ‘પાંચ મિનિટમાં જ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગઈ’
સિદ્ધિ ઇદનાની કહે છે, ‘મનોજ સાથે ભૂતકાળમાં એક ફિલ્મ કરવાની હતી, પરંતુ ડેટ્સ મેચ ના થતાં તે થઈ ના શકી. આ વખતે જ્યારે તેઓ આ ફિલ્મની ઑફર લઈને આવ્યા ત્યારે પહેલાં થયું કે ફિલ્મની સ્ટોરી સાંભળી લઉં. મને ડિરેક્ટર અંગે કંઈ ખ્યાલ નહોતો, મેં તેમની અગાઉની મૂવી જોઈ પણ નહોતી. જ્યારે ડિરેક્ટર પ્રીતને મળી ત્યારે તેમણે બહુ જ સરળ ભાષામાં ફિલ્મની સ્ટોરી કહી દીધી હતી. મેં માત્ર પાંચ મિનિટમાં નક્કી કર્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. ફિલ્મમાં હું ઇતિશ્રીનો રોલ પ્લે કર્યું છું.’ તો જાહન્વીએ કહ્યું હતું, ‘મને મનોજભાઈનો ફોન આવ્યો હતો ને તેમણે ફિલ્મમાં સાંજ નામનું પાત્ર હોવાની વાત કરી હતી. ત્યારબાદ હું ડિરેક્ટર પ્રીતને મળી ને તેમણે મને સાંજ અંગે વાત કરી હતી. ‘વેનિલા આઇસક્રીમ’ રિલીઝ થઈ ત્યારથી જ મારે પ્રીત સાથે કામ કરવું હતું એટલે આ ફિલ્મમાં મેં તરત જ કામ કરવાની હા પાડી દીધી. ફિલ્મમાં સાંજ આર્ટિસ્ટ છે અને તે ઘણું બધું એક્સપ્લોર કરતી રહે છે.’ રાઘવ ને મિત્ર ગઢવી કેટલા અલગ?
ફિલ્મનો રાઘવ ને રિયલ લાઇફમાં મિત્ર એકબીજાથી કેટલા અલગ છે, તે અંગે એક્ટર જણાવે છે, ‘બંને બહુ જ અલગ છે. રાઘવ ઘણો જ શાંત ને સમજી વિચારીને બોલનારો છે, જ્યારે રિયલ લાઇફમાં હું સહેજ પણ શાંત નથી ને તરત જ નિર્ણયો લઈ લઉં ને પછી વિચારું કે આનું શું પરિણામ આવી શકે. મને રાઘવનું પાત્ર ભજવવાની ઘણી જ મજા આવી. રાઘવ મારા માટે ઘણો જ ખાસ છે.’ ‘ફિલ્મની USP ડાયલૉગ્સ’
ફિલ્મની ખૂબી અંગે વાત કરતા મિત્ર ગઢવી જણાવે છે, ‘ફિલ્મની USP ડાયલૉગ્સ છે. આમ તો ફિલ્મની સિનેમેટોગ્રાફી, સ્ટોરી, વરસાદ પણ USP છે. ફિલ્મના ડાયલૉગ્સ સીધા દિલની અસર કરે તેવા છે. મને લાગે છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ ડાયલૉગ્સની રીલ્સ બનશે તેવું લાગી રહ્યું છે. ડિરેક્ટર ડાયલૉગ્સની સાથે સાથે સાયલન્સ પર પણ એટલું જ કામ કરે છે, તે સીનમાં ઇમોશન, લોકેશન, મ્યૂઝિક, સાઉન્ડ બધું જ હશે, પરંતુ તેમાં કોઈ વાતચીત થતી ના હોવા છતાં દર્શકોને સમજાશે કે શું થઈ રહ્યું છે કે ચાલી રહ્યું છે. સિદ્ધિ કહે છે, ફિલ્મમાં ઘણા સીન્સમાં ડાયલૉગ્સ નથી પણ બે વ્યક્તિઓ એકબીજાની લાગણી સમજી જાય છે.’ મિત્ર ગઢવી ફિલ્મના એનેર્જેટિક સોંગ નાચ અંગે વાત કરતા કહે છે, ‘ફિલ્મની ચર્ચા ચાલતી હતી ત્યારે એવી વાત હતી કે આપણે એક ડાન્સ સોંગ રાખીશું. હું વર્ષો પહેલા ડાન્સ કરતો હતો. મને ઘણા સમયથી ઈચ્છા હતી કે ડાન્સ સોંગ એક કરવું છે. કોરિયોગ્રાફર પ્રીત ને હું 15-17 વર્ષ જૂના મિત્રો છીએ. અમે સાથે ડાન્સ પણ કરતા હતા. આ ગીતમાં શ્રદ્ધા ડાંગરનો કેમિયો છે. સેટ પર એવો માહોલ હતો કે અમે અમારી ફિલ્મનું સેલિબ્રેશન કરવા માટે જ ભેગા થયા છીએ. ત્રણ દિવસ રિહર્સલ કર્યા ને ચોથા દિવસે શૂટિંગ હતું. સવારથી રાત ક્યારે પડી ગઈ તે ખ્યાલ જ ના આવ્યો. અમે એક જ દિવસમાં આ ગીતનું શૂટિંગ કર્યું.’ ‘નાચ..’ સોંગ સિદ્ધિ ને શ્રદ્ધા સાથે શૂટ થવાનું હતું’
સિદ્ધિએ હસતા હસતા કહ્યું, ‘મને ઇર્ષ્યા થાય છે કે હું આ ગીતમાં નથી’ તો તરત જ મિત્ર ગઢવી બોલ્યો, ‘નાચ’ સોંગ અમે શ્રદ્ધા ને સિદ્ધિ એમ બંને એક્ટ્રેસ સાથે શૂટ કરવાના હતા. શૂટિંગ ચાલતું હતું ત્યારે અમારા બંનેની ડેટ્સ મેચ કરવી મુશ્કેલ હતી. અમારી ઈચ્છા હતી કે ફિલ્મમાં સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે સિદ્ધિ આ સોંગમાં જોવા મળશે. કમનસીબે તારીખ પે તારીખ થતાં અમે બંને સાથે આ ગીતનું શૂટિંગ કરી શક્યા નહીં.’ સિદ્ધિ કહે છે, ‘હાલમાં જ મેં શ્રદ્ધા (શ્રદ્ધા ડાંગર) સાથે ઇન્સ્ટાગ્રામમાં પહેલી જ વાર વાત કરી ને કહ્યું કે હું બહુ જ ખુશ છું, પરંતુ મને સખ્તની ઈર્ષ્યા થાય છે. તો તેણે એવો જવાબ આપ્યો કે હું પણ ખુશ છું અને મને પણ ઈર્ષ્યા થાય છે.’ ‘ફિલ્મના ઘણા સીન ટફ છે’
મિત્ર ગઢવી કહે છે, ‘આ ઇમોશનલ લવ સ્ટોરી ફિલ્મમાં ઘણા બધા ટફ સીન હતા, પરંતુ શૂટિંગની કહું તો ફિલ્મનો એક સીન અમદાવાદના રિવરફ્રન્ટ પર શૂટ થયેલો છે. આ સીનમાં વરસાદ પડે છે અને આ સીન અમે ત્રણવાર શૂટ કર્યો હતો. આ સીન રિયલ ને આર્ટિફિશિયલ વરસાદમાં આ સીન શૂટ કરવાનો હતો અને સાંજે જ શૂટ કરવો હતો. પ્રીતને સાંજના એક કલાકમાં જ આ સીન શૂટ કરવો હતો. પહેલીવાર વરસાદ થોડો પડ્યો ને બંધ થઈ ગયો, બીજીવાર એકદમ જ વાદળો આવી ગયા તો સીન શૂટ ના થઈ શક્યો. ત્રીજીવાર રિમઝિમ વરસાદ પડતો હતો, અમે આર્ટિફિશિયલ વરસાદ પાડ્યો. આ સીન ઇમોશનલી ઘણો જ ટફ હતો. આ સીન જ્યારે શૂટ થયો ત્યારે હું ને સિદ્ધિ એકબીજાને હજી ઓળખતા થયા હતા. આ ઉપરાંત એક સીન તત્સત સાથેનો છે, જેમાં હું તેને એમ કહું છું કે એક છોકરી એક છોકરાને એરેન્જ મેરેજના સેટઅપમાં મળે અને તેમની લવસ્ટોરી ગમે તેટલી મહાન હોય, પણ એરેન્જ મેરેજ સામે હારી જ જાય. આ સીન ખાસ્સો લાંબો છે. આ સીન ટફ હતા, પરંતુ આ બે સીન કરવાની સૌથી વધારે મજા આવી.’ સિદ્ધિ ટફેસ્ટ સીન અંગે વાત કરતા કહે છે, ફિલ્મના એક સીનમાં મિરર સામે જોઈને રાઘવ (મિત્ર ગઢવી) મને પૂછે છે કે મને ફ્લર્ટ કરતા નથી આવડતું? તને આવડતું હોય તો શીખવાડ. આ સીન મારા માટે ખાસ છે. આ સીનથી એક્ટર તરીકે મિત્ર ગઢવી સાથે બોન્ડિંગ થયું હતું અને તેથી જ આ સીન મારો ફેવરિટ છે.’ અમદાવાદ-વડોદરામાં શૂટિંગ થયું
મિત્ર ગઢવી કહે છે, ‘ફિલ્મ 40 દિવસમાં પૂરી થઈ હતી ને અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં શૂટિંગ કર્યું છે, વડોદરામાં નાચ સોંગનું શૂટિંગ કર્યું, જર્ની સોંગ પાવાગઢ, ચાંપાનેરમાં શૂટ કર્યું છે. અમદાવાદ-વડોદરાની આસપાસના મોટાભાગના વિસ્તારમાં અમે શૂટિંગ કર્યું છે.’ કેમ દર્શકોએ આ ફિલ્મ જોવી જોઈએ?
દર્શકોએ ફિલ્મ જોવાના કારણો આપતા મિત્ર ગઢવી જણાવે છે, ફિલ્મમાં ઘણી જ મોટી સ્ટારકાસ્ટ છે, ફિલ્મ વરસતા વરસાદ સાથે વરસતા પ્રેમની વાત કરે છે. ફિલ્મમાં દરેક જનરેશનનો પ્રેમ છે, ફિલ્મના ગીતો ઘણાં જ સુંદર છે. સિદ્ધિ કહે છે, દર્શકો સામાન્ય રીતે રોમેન્ટિક કોમેડી ફિલ્મ પસંદ કરતા હોય છે, પરંતુ અમે આ ફિલ્મમાં સહેજ પણ કોમેડી કરી નથી. આ પ્યોરલી લવસ્ટોરી છે તો જાહન્વી બોલે છે, ફિલ્મમાં બહુ બધા ઇમોશન્સ, ફિલિંગ્સ છે. જે લોકો પ્રેમમાં નથી પડ્યા તે પણ આ ફિલ્મ જોયા બાદ કોઈકના પ્રેમમાં પડી જશે. ‘મમ્મી સાથે સ્ક્રીન શૅર કરવી ખાસ છે’
સિદ્ધિના મમ્મી ફાલ્ગુની દવે પણ જાણીતા એક્ટ્રેસ છે અને આ ફિલ્મમાં તેઓ છે. સિદ્ધિએ મમ્મી સાથે કામ કરવાના અનુભવ અંગે કહ્યું હતું, મમ્મી મારી સૌથી મોટી ક્રિટિક છે. ફિલ્મના શૂટિંગમાં એકવાર મારી ઊંઘ પૂરી નહોતી થઈ તો મને આંખ નીચે થોડા સોજા આવી ગયા હતા ને હું સેટ પર પહોંચી ગઈ હતી. મને જોતા જ મમ્મીએ ધમકાવી કે આવું બધું ઘરે ચાલે. હવે તું એક્ટ્રેસ છે. તારે આંખ નીચે બરફ ઘસીને આવવાનું હોય. મમ્મી સાથે સ્ક્રીન શૅર કરવી એ સ્પેશિયલ ફિલિંગ છે. મારા પૌત્ર-પૌત્રીઓ જ્યારે આ ફિલ્મ જોશે ત્યારે તે કેટલાં ખુશ થશે. ‘સિનિયર કલાકારો ઘણા જ સારા છે’
સિનિયર કલાકારો સાથે કામ કરવાના અનુભવ અંગે જાહન્વી કહે છે, હિતેનકુમાર સાથેની મારી આ બીજી ને સુચિતા સાથે પહેલી ફિલ્મ છે. મને ક્યારેય સેટ પર એવું લાગ્યું જ નહીં કે તેઓ સીનિયર છે ને હું જુનિયર છું. તેઓ સેટ પર હંમેશાં ફ્રેન્ડ્સની જેમ જ રહેતા. ફિલ્મના કલાકારો ઘણા જ સપોર્ટિવ હતા. ‘સેટ પર ઘણી જ ધમાલ-મસ્તી કરી’
સેટ પરની મસ્તીધમાલને યાદ કરતા મિત્ર ગઢવી બોલે છે, ‘જર્ની..’ સોંગમાં અમે બધા કલાકારોએ સાથે ટ્રાવેલ કર્યું. અમે રમતો રમ્યાં, અઢળક વાતો કરી. આ ગીતનું જ્યાં શૂટિંગ થયું ત્યાં હિતેનકુમારે 15 રોમેન્ટિક સોંગ શૂટ કર્યા હતા. સેટ પર સાથે ગીતો ગાતા, તાપણું કરતા અને તે જ મસ્તી ધીમે ધીમે ફિલ્મમાં પણ જોવા મળી. અમે વેનિટી વેન પણ એકબીજાની યુઝ કરતા. અમે એક પરિવારની જેમ આ ફિલ્મનું શૂટિંગ કર્યું.’ સિદ્ધિ મસ્તીધમાલની વાત કરતા કહે છે, ‘ફિલ્મની વર્કશોપ હતી ત્યારે હું કોઈને ઓળખતી નહોતી. જાહન્વી ને હું પહેલા જ દિવસે સારા મિત્રો બની ગયા. વર્કશોપનો પહેલો દિવસ પૂરો થયા બાદ હું હોટલમાં ગઈ ને મને કંટાળો આવતો હતો. આ સમયે જાહન્વી આવી ને અમે કારમાં અમદાવાદ ફરવા નીકળ્યા. મને પ્રેન્ક કરવાનુ મન થયું ને મેં જાહન્વીને કહ્યું કે તું મિત્રને કહે કે હું આ ફિલ્મ કરતી નથી ને ચેન્નઈ જતી રહી છું. જોકે, મારું પ્રેન્ક ચાલ્યું નહીં. પછી તત્સતને ફોન કર્યો ત્યારે તે થોડીવાર સિરિયસ થયો હતો, પરંતુ પછી તેણે પણ એવું કહી દીધું કે જેને આ ફિલ્મ ના કરવી હોય તે ના કરે, પરંતુ તે તો આ ફિલ્મ કરશે જ.’ આ વાક્ય પૂરું થતાં જ મિત્ર ગઢવીએ કહ્યું, ‘અમે સેટ પર સૌથી વધુ હેરાન અમારા ડિરેક્ટરને કર્યા હતા.’ ‘ફિલ્મના સેટ પર જ ખ્યાલ આવી ગયો કે મલ્હાર-પૂજા વચ્ચે કંઈક તો છે’
મિત્ર ગઢવીએ ‘લગ્ન સ્પેશિયલ’માં મલ્હાર ઠાકર ને પૂજા જોશી સાથે કામ કર્યું છે. મિત્રને આ બંનેના અફેર અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપતા કહ્યું, ‘આ ફિલ્મ વખતે જ બંનેનું બધું થયું હતું. બંને લગ્નને લઈ બહુ જ એક્સાઇટમેન્ટ છે. હું ને મલ્હાર મુંબઈમાં સાથે નાટકો કરતા ને અમે વર્ષો જૂના મિત્રો છીએ. દુનિયા સામે આ મલ્હાર-પૂજાની વાત આવી તે પહેલાં મને આ અંગે ખબર હતી. શૂટિંગ દરમિયાન બંનેને સાથે જોઈને મને લાગ્યું હતું કે આમની વચ્ચે કંઈક તો થવાનું છે. પૂજા પણ સારી મિત્ર છે. પૂજાની વાતોમાં જ્યારે મલ્હારની વાતો વધવા લાગી ત્યારે ખ્યાલ આવી ગયો કે બંને વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. બંને ફન કપલ છે. માતાજીને પ્રાર્થના કે બંને હંમેશાં ખુશ રહે.’