back to top
Homeગુજરાતબોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ઘટસ્ફોટ:હત્યા સમયે વિરેન્દ્રસિંહ સાથે અન્ય પોલીસકર્મી ગાડીમાં...

બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ઘટસ્ફોટ:હત્યા સમયે વિરેન્દ્રસિંહ સાથે અન્ય પોલીસકર્મી ગાડીમાં હતો, રસ્તામાં છરી ફેંકી, ઘરે ગાડી મૂકી, પહેલા ટ્રાવેલ્સ પછી બે ગાડી બદલી પંજાબ પહોંચ્યો

અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે. વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. તે સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલી પંજાબ સુધી પહોંચ્યો હતો. જ્યારે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરું જગ્યાએ નાખી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરી ભાગી છૂટ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે. ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે અંગે પણ તપાસ ચાલુ છે. આ દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે.પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે. તરત જ બુલેટ ટર્નમાં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે. આ સમયે કાર ચાલકને ‘એ ધીરે ચલાવ’ કહીને બન્ને મિત્રો આગળ નીકળી જાય છે અને હેરિયરચાલક યુ-ટર્ન લઈને તેમનો પીછો કરે છે. જેની ગણતરીની સેકન્ડોમાં જ કારચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે. CCTV ફૂટેજના બીજા એન્ગલમાં જોઈ શકાય છે કે, બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે જ સામેથી હેરિયર આવે છે અને બન્ને વાહન સેકન્ડો માટે રોકાતાં જોઈ શકાય છે. જેની ગણતરીની સેકન્ડોમાં જ હેરિયરચાલક પ્રિયાંશું પર હુમલો કરી લોહીલુહાણ કરી દે છે. CCTV જોવા અહીં ક્લિક કરો બે ક્રેટા અને એક હેરિયર ધ્યાનમાં આવી હતી
આ હત્યા કેસમાં પોલીસે માત્ર 48 કલાકમાં પોતાના જ વિભાગના આરોપી કર્મચારીને મોબાઈલ ટાવર અને કોલ લોકેશનના આધારે પંજાબથી ઝડપી પાડ્યો હતો. મર્ડર બાદ પોલીસ દ્વારા મિત્રના સ્ટેટમેન્ટના આધારે બ્લેક કલરની ગાડી પર પહેલું ધ્યાન હતું. પહેલા તબક્કામાં કાળા કલરની ત્રણ કાર ધ્યાન આવી હતી. જેમાં બે ક્રેટા અને એક હેરિયર ગાડી હતી. બે ક્રેટાની તપાસ કરતા તેમાં કંઇ શંકાસ્પદ મળ્યું નહીં હવે પોલીસ સામે એક હેરિયર કાર શંકાના ઘેરામાં હતી. આ ગાડી ઉત્તર દિશામાં ગઇ હતી. તેની તપાસ શરૂ કરી. આ સાથે જ પોલીસે આ વિસ્તારમાં મર્ડરના સમયના 4થી 5 કલાકના એક્ટિવ મોબાઇલ નંબરનો ડેટા એકઠાં કર્યો. પોલીસને અંદાજ હતો કે મર્ડર કર્યા બાદ હત્યારો શહેરમાં રહેશે નહીં. તેથી પોલીસે ત્યારબાદ જૂના મોબાઇલના ડેટાને ફરી તપાસ કરાવી કે ક્યા નંબર શહેરની બહાર ગયા. તે દરમિયાન અમુક નંબરોની તપાસ કરાઇ. જેમાં સરખેજના પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ આવ્યું. આરોપી સિક લીવ પર હતો, હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું કહી નીકળ્યો હતો
વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે તે સેટેલાઈટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો અને ત્યારબાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી. થોડા સમય પહેલા તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ તે સીક લિવ પર હતો અને ઘરેથી હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું તેમ કહીને ગયો હતો. હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. એક મહત્વની કડી મળતા લોકેશન પંજાબનું બતાવ્યું ને દબોચાયો
જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્ત્વની કડી મળી અને એને આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને એ શંકાને આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા. જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વિરેન્દ્રએ કયા સંજોગોમાં હત્યા કરી એ અમદાવાદ આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને અમદાવાદ જિલ્લા પોલીસને સોંપવામાં આવશે એવી પ્રક્રિયા હાથ ધરાશે હાલ તો આ સમગ્ર મામલાના તાર શોધવા માટે અમદાવાદ ક્રાઈમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાવળામાં કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો
વર્ષ 2017માં વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ કોલ સેન્ટર કેસમાં આવ્યું હતું. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તા. 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા અને કુલ રૂપિયા 6,99,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ ઈન્ટરનેશનલ રેવન્યુ સર્વિસના નામે કોલ સેન્ટર દ્વારા કોમ્પ્યુટર તથા મેજીક જેક ડી.આઈ.ડી. સોફ્ટવેર દ્વારા યુ.એસ.માં વસતા નાગરિકોને ધાક-ધમકી આપી લીડ પ્રમાણેના ગ્રાહકોને ફેડરલ ઈન્કમટેક્ષ ભરવા માટે બીક બતાવી વોલમાર્ટ જેવા યુ.એસ.ના મોટા સ્ટોરમાંથી ટારગેટ કાર્ડ મારફતે પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા. મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી
મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કારચાલક સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ
અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરના એસપી મેઘા તેવરે જણાવ્યું હતું કે સાઉથ બોપલની બેકરી પર બાઈકચાલક અને કારચાલક વચ્ચે બબાલ થઈ હતી. રાત્રે 10.30 વાગ્યા બાદ ઘટના બની હતી, બ્લેક કલરની લક્ઝુરિયસ કાર સાથે આવી ચાલક અને વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ હતી. છરીના એક ઘા વડે હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલા કારચાલક સાથે બોલચાલી થઈ હતી. જે જગ્યા પર ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ હતી. મહિલાએ ઘાયલ વ્યક્તિને ​​​​​હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અનેક વાહનચાલકોએ કાર ઊભી ના રાખી, મહિલાએ હિંમત દાખવી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયાં હતાં. હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સિવડાવવા માટે ગયા હતા. કારચાલકે પ્રિયાંશુને કહ્યું- રૂક રૂક ક્યા બોલા તૂં
બન્ને જણા સૂટનું માપ આપીને વકીલ સાહેબ બ્રિજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી લીધા બાદ બન્ને જણા કોલેજ જતા હતા. સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયાશુંને સ્વીટ લેવાની ઇચ્છા થઈ હતી. બન્ને જણાએ બુલેટ બેકરી પાસે ઊભું રાખ્યું હતું અને કેક લેવા માટે પહોંચી ગયા હતા. કેક લઈને બન્ને રૂમ પર બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક કારચાલક પૂરઝડપે તેમની પાસેથી પસાર થયો હતો. દરમિયાન પ્રિયાંશુએ કારચાલકને કહ્યું હતું કે ‘ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો’ આથી કારચાલકે બુલેટનો પીછો કર્યો હતો અને પ્રિયાંશુને કહ્યું કે ‘રૂક રૂક ક્યા બોલા તૂં’ ‘રૂક અભી તુજે દિખાતા હૂં’
પૃથ્વીરાજે તેનું બુલેટ ઊભું રાખી દીધું હતું અને કારચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી. કારચાલકે પૃથ્વીરાજને આવતાંની સાથે કહ્યું હતું કે ‘તુમ લોગ રોંગ સાઇડ મેં હો તો મૈં જોર સે નહીં ચલાઉંગા, કારચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજની બબાલ થઈ ગઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બન્ને વચ્ચે મારામારી થઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રૂક અભી તુજે દિખાતા હૂં કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો. પ્રિયાંશુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા
બાદમાં પ્રિયાંશુ પર આડેધડ છરી મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે કારચાલક હુમલો કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોપલ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વહેલી સવારે એસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 4 નવેમ્બરે પર્વની ઉજવણી કરીને પુત્ર પરત ફર્યો હતો
પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ બે વર્ષ પહેલાં અમદાવાદમાં MBA કરવા માટે આવ્યો હતો. તાજેતરમાં જ દિવાળી પર પ્રિયાંશુ તહેવારની ઉજવણી કરવા મેરઠમાં તેના ઘરે આવ્યો હતો. 4 નવેમ્બરે ઉત્સવની ઉજવણી કરીને અમદાવાદ પરત ફર્યો. પ્રિયાંશુની હત્યાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પલ્લવપુરમ પોલીસ સ્ટેશન પણ પંકજ જૈનના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મુન્નેશ સિંહ અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રિયાંશુ પરિવારનો એકમાત્ર પુત્ર હતો
પ્રિયાંશુના મામા રાજીવ જૈન મેરઠના થાપર નગરમાં રહે છે. રાજીવ જૈને કહ્યું હતું કે અમારા દીકરા સાથે આવું થયું હોવાની અમને જાણ થતાં જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે દીકરાને કંઈક બનવા માટે ત્યાં મોકલ્યો હતો. અમને શું ખબર કે આવો દુ:ખદ અકસ્માત થશે. રાજીવ જૈને જણાવ્યું કે પ્રિયાંશુ તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. એક મોટી બહેન દીપિકા છે, જે પરિણીત છે. પ્રિયાંશુની મોટી બહેન દીપિકા ગુડગાંવમાં ખાનગી નોકરી કરે છે. પ્રિયાંશુના મામા રાજીવ જૈન હાલમાં સમગ્ર પરિવારની સંભાળ લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments