બ્રિટનનાં સમાંથા હાર્વેએ તેમની લઘુ નોવેલ ‘ઓર્બિટલ’ માટે 2024નું બુકર પુરસ્કાર જીતી લીધું છે. આ નવલકથામાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ) પર વિતાવેલા એક દિવસની વાર્તા છે, જેને તેમણે કોવિડ-19 લોકડાઉન દરમિયાન લખી હતી. હાર્વેની આ પાંચમી નવલ, છ ફાઇનલિસ્ટની શોર્ટલિસ્ટમાં સૌથી વધુ વેચાતું પુસ્તક હતું. આટલું જ નહીં છેલ્લાં ત્રણ બુકર પુરસ્કાર વિજેતાઓની સંયુક્ત નકલોથી પણ વધુ વેચાય છે. આલોચકો અનુસાર, વાચકોએ અંતરિક્ષથી જોયેલી પૃથ્વીની સુંદરતાના તેના ચિત્રણને ખૂબ પસંદ કર્યું. બુકરના જજોએ આ નવલકથાને ‘ખૂબસૂરત અને ચમત્કારી’ ગણાવી છે. જજોની પેનલમાં સામેલ એડમન્ડ ડે વાલે કહ્યું, હાર્વેએ અમારી દુનિયાને અમારી સામે અજીબ અને નવી રીતે રજૂ કરી છે. ત્યારે, હાર્વેએ પુરસ્કાર લેતા જણાવ્યું કે 5000 શબ્દ લખ્યા પછી તેમણે ઓર્બિટલ લખવાનું છોડી દીધું હતું. તેને લાગ્યું કે ડેસ્ક પર એક મહિલાએ લખેલી અંતિરક્ષની વાર્તા કોઈ કેમ વાંચશે. હાર્વેએ કહ્યું, મેં વિચાર્યું, મારી પાસે આ પુસ્તક લખવાનો અધિકાર નથી. તેણે આગળ કહ્યું, આ સન્માન એ તમામ લોકોને સમર્પિત છે જે તમામ લોકો માટે જે પૃથ્વી માટે બોલે છે, તેની વિરુદ્ધ નથી, બીજા માણસો, બીજા જીવોની ગરિમા માટે અને શાંતિ માટે બોલે, કામ કરે છે. આ પહેલાં 2008માં પ્રકાશિત તેમની પહેલી નોવેલ ‘વાઇલ્ડરનેસ’ તેના અલગ વિષય માટે ચર્ચાઈ હતી અને બુકર સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો માટે નામાંકિત કરાઈ હતી. ‘ઓર્બિટલ’ હકીકતે જાપાન, રશિયા, અમેરિકા, બ્રિટન અને ઈટલીના 6 અંતરિક્ષ યાત્રીઓની માત્ર 24 કલાકની વાર્તા છે. જે એસ્ટ્રોનોટ એટલા સમયમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્તને અનુભવે છે. લેખકે આ નાનકડી નવલકથામાં અંતિરક્ષ યાનમાં સવાર યાત્રીઓની જવાબદારીઓ અને સંઘર્ષો વિશે જાણકારી આપી છે. હાથમાંથી કાતર છૂટવી, ઓટો-ડિસ્પેન્સરમાંથી ખોરાક નીકળીને હવામાં ઊડવો જેવી ઘટનાઓ સામાન્ય લાગી શકે છે, પણ તેનાથી ઝઝૂમવું કેટલું મુશ્કેલ છે તે એક અંતરિક્ષયાત્રી જ જણાવી શકે છે. સામંથાએ નોવેલમાં જીવનનું મહત્ત્વ, પ્રકૃતિ, વિવિધ દેશો વચ્ચેની સીમાને લઈને થનારા સંઘર્ષો અને જોખમો તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટનમાં આ વર્ષે સૌથી વધુ વેચાયેલું પુસ્તક
ઓર્બિટલ નવેમ્બર, 2023માં પ્રકાશિત થયું હતું અને બ્રિટનમાં 2024માં સૌથી વધુ વેચાયેલું પુસ્તક છે. જેમાં 136 પેજ છે. નોવેલનો એક પણ અધ્યાય 400 શબ્દોથી વધુનો નથી. બુકર પુરસ્કાર જીતનારી અત્યાર સુધીનું સૌથી નાનું પુસ્તક પેનેલોપ ફિટ્ઝગેરાલ્ડની 132 પેજની ‘ઓફશોર’ છે. તેને 1979માં બુકર મળ્યું હતું.