પર્સનલ લોન પર રિઝર્વ બેન્કની સખ્તાઇ અને સોનાની કિંમતમાં ઉછાળા વચ્ચે દેશમાં ગોલ્ડ લોન વાળા તેજીથી વધી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરની તુલનાએ આ વર્ષે સપ્ટેમ્બર દરમિયાન 51% વધુ ગોલ્ડ લોન લેવામાં આવી છે. આ દરમિયાન સોનાની કિંમત 41% વધી છે. આ વર્ષે માર્ચમાં ગોલ્ડ લોન માત્ર 15% વધી હતી. બીજી તરફ સપ્ટેમ્બરમાં પર્સનલ લોન માત્ર 11.4% વધી છે, જે ચાર વર્ષનો સૌથી ધીમો ગ્રોથ છે. જાન્યુઆરી 2023માં ગોલ્ડ લોનનો ગ્રોથ 28% અને પર્સનલ લોનનો ગ્રોથ 13% હતો. વાસ્તવમાં, ગત વર્ષે નવેમ્બરમાં રિઝર્વ બેન્કે અનસિક્યોર્ડ રિટેલ લોન તેજીથી વધવા પર ચિંતા વ્યક્ત કરી હતી. જેને લઇને બેન્કોને વધુ સતર્કતા રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત પર્સનલ લોનનું રિસ્ક વેઇટેજ પણ 100%થી વધારીને 125% કરવામાં આવ્યું હતું. જો કે કેટલીક બાકી ગોલ્ડ લોન પર્સનલ લોનની તુલનાએ ખૂબ ઓછી છે. RBI અનુસાર, 30 સપ્ટેમ્બર સુધી કુલ બાકી ગોલ્ડ લોન રૂ.1.5 લાખ કરોડ હતી. તે 14.3 લાખ કરોડ રૂપિયાની પર્સનલ લોનની બાકી રકમના માત્ર 10.5% છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર જિનય ગાલાએ કહ્યું કે, જ્યારે લોન લેવાના સ્ત્રોત મર્યાદિત હોય છે ત્યારે ઘરમાં રાખેલા સોન અથવા ઘરેણાંની અવેજીમાં લોન લેવાનો વિકલ્પ વધે છે. અનસિક્યોર્ડ લોન પર RBIની વધી રહેલી સખ્તાઇને કારણે જ લોકોનો ઝુકાવ ગોલ્ડ લોન લેવા તરફ વધ્યો છે. તે ઉપરાંત, સોનાની કિંમતોમાં પણ તેજીને કારણે ગોલ્ડ લોનની માંગ વધી છે.કેટલાક પરિબળોને કારણે ગોલ્ડ લોનની માંગમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનું રોકાણ તેમજ કોલેટરલ તરીકે વધુ આકર્ષક એસેટ બનીને ઉભરી છે. અનસિક્યોર્ડ લોન સુધી પહોંચ મર્યાદિત છે ત્યારે ગોલ્ડ લોન્સ વધુ વિશ્વસનીય અને કોલેટરલ આધારિત વિકલ્પ છે. તેની લોન પ્રોસેસ ઝડપી હોવા ઉપરાંત તેમાં ઓછા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. બીજી તરફ નિષ્ણાંતોના મતે યુવાનો પણ તેમના વપરાશ અને મુસાફરીને લગતી જરૂરિયાતો માટે હવે સોનું ગિરવે મૂકવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન મોટી બેન્કો પણ ગોલ્ડ લોન પોર્ટફોલિયો વધારી રહી છે. એટલે કે 30 સપ્ટેમ્બર સુધી SBIની પર્સનલ લોન ગોલ્ડ વધીને 28.3%થી વધીને38,826 કરોડ થઇ. સોનાની કિંમત 6 મહિનામાં 16%, 1 વર્ષમાં 41% વધી
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, આ વર્ષે 13મેના રોજ સોનાની કિંમત 62,918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 8 નવેમ્બર સુધી તે 16% વધીને રૂ.73,006 થઇ ચુકી છે. છેલ્લા એક વર્ષમાં સોનાની કિંમતમાં 41%નો વધારો થયો છે. ગોલ્ડમેન સાક્સ અનુસાર 2025ના અંત સુધી સોનાની કિંમત વધીને રૂ.81,396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. શું છે લોન ટૂ વેલ્યૂ રેશિયો?
લોન ટૂ વેલ્યૂ રેશિયોને તે એસેટના મૂલ્યની ટકાવારીના રૂપમાં વ્યક્ત કરાય છે જેને લોન લેવા માટે ગિરવે રાખવામાં આવે છે. તે એ વસ્તુ અથવા એસેટની અવેજીમાં મહત્તમ કેટલી લોન મળી શકે છે તે દર્શાવે છે. RBIના દિશાનિર્દેશો અનુસાર, ગોલ્ડ લોનના મામલે લોન ટૂ વેલ્યૂ રેશિયો 75%થી વધુ ન હોય શકે.