વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે વડતાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે જગ્યાએથી સમાજને જ્ઞાન-બોધનું ભાથું પિરસ્યુ તે દિવ્ય ‘જ્ઞાનબાગ’ની જગ્યા વિશે વાત કરીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રત્યક્ષ સંબંધથી દિવ્યતા પામેલ આ લીલાભૂમી એવા ‘જ્ઞાનબાગ’એ અંદાજે 13 વીઘા જેટલી જમીનમાં પથરાયેલ છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ સાથે સિધો પરિચય કરાવતી અને ભગવાનની સાક્ષાત અનૂભૂતિ કરાવતી 9 જેટલી જગ્યાઓ છે જ્યાં દૈનિક હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. પ્રસાદીનો ઓટો કે જ્યાં ભગવાન જ્ઞાન ઉપયોગી બોધ આપતા
પ્રસાદીનો ચોક અને આંબલો, ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોથી પાવન થયેલો પ્રસાદીનો ઓટો કે અહીંયાથી ભગવાન જ્ઞાન ઉપયોગી બોધ આપતા હતા, રંગના હોજ કે જ્યા ભગવાન સ્વામિનારાયણ ખુદ જાતે રંગોત્સવ ખેલ્યા હતા. પ્રસાદીનો કૂવો, બાર બારણાંના હિંડોળા, દરબાર ગઢ, પ્રદર્શન ખંડ (આર્ટ ગેલેરી), ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની છત્રી તેમજ શુક સ્વામી અને ગોરધનદાસ કોઠારીની છત્રી આવેલી છે. અહીંયા વાર, તહેવારે અને પૂનમે હરિભક્તોનો પ્રવાહ હોય છે. મહત્વનું છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણની ચેતનાને જીવંત રાખવા માટે પાર્ષદવર્ય કાનજી ભગતજીએ વડતાલ સ્થિત આ જ્ઞાનબાગમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ તથા ભગવાનની લીલા સ્વરૂપોના ચિત્રો તૈયાર કરાવ્યાં છે અને ભગવાનના મૂલ્યોને જાળવી અને હરિભક્તોના હૃદયમાં આજે જીવંત રાખી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રત્યક્ષ દર્શન કરીને કૃતાર્થ થયેલો આ આંબલો શ્રીજી મહારાજ સહિત અનેક પરમહંસોના પવિત્ર સંબંધવાળો છે. વડતાલમાં પૂર્વે જ્યારે મંદિર નિર્માણ નહોતું થયું ત્યારે શ્રીજી મહારાજ અહીં પધારતા અને આ સ્થાનમાં નિવાસ કરતા. પરમહંસ સંતો પોતાની ઝોળી આ જ આંબલાની જુદી જુદી ડાળીએ લટકાવતા ત્યારે લીલુડો આંબલો ભગવા રંગે રંગાઇ જતો, અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન થતા અને એમના શ્રીમુખે કથાવાર્તાની અમૃત સરિતા વહેતી. પ્રસાદીનો ઓટો
ભગવાનના વાતની સાક્ષીરૂપ આ ચેતનવંતો ઓટો છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ પધારતા ત્યારે આ જ ઓટા ઉપર તેઓ ઊભા રહીને હરિભક્તો અને સંતોને જ્ઞાનબોધ આપતા હતા. પથ્થરનો બનેલો આ ઓટો જડવત્ નથી ઊભો પણ જ્ઞાનબોધથી પ્રાપ્ત થયેલી સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં છે. બે હાથ જોડી, નતમસ્તક થઇ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતાં કરતાં જ્યારે આ ઓટાનો સ્પર્શ કરીએ ત્યારે આપણા આખાય શરીરમાં ચૈતન્યનો દિવ્ય સંચાર થાય છે. કોઇપણ નવું કાર્ય આરંભ કરતાં પહેલાં જો આ ઓટાનાં દર્શન કરી, તેનો સ્પર્શ કરી, શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીને પ્રદક્ષિણા કરવાથી આપણા દેહને બહારથી અને ભીતર રહેલા આત્માને અદભૂત દિવ્યશક્તિ પ્રાપ્ત થશે. પ્રસાદીભૂત રંગના હોજ
અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાન હરિભક્તોને પણ જ્ઞાન બોધ ઉપદેશ આપતા અને તેમણે આ જ્ઞાનબાગમાં રંગોત્સવ ઉજવીને આનંદની છોડો ઉડાડી હતી. શ્રીહરીને વડતાલ અતિપ્રિય હતું. જ્ઞાનબાગમાં આવેલા બે હોજ જળથી છલોછલ ભરવામાં આવતા હતા. અબીલ ગુલાલ તેમજ કેસુડાના પુષ્પોનો રસ આ હોજમાં ઠાલવી ભગવાન હરખભેર સંતો અને ભક્તો સાથે રંગોત્સવ ખેલતા હતા. તે હોજ આજે પણ જળવાઈ રહેલા છે. આ સમયે જ્ઞાનબાગમાં ગુલાલ કેસુડો અને અબીલના ગાડા ભરાઈ ભરાઈને આવતા હતા. પ્રસાદીનો કુવો
વડતાલ જ્ઞાનબાગમાં સ્થિત આ પવિત્ર કૂવો કદિય ન છિપાય તેવી આત્માની તૃષા છિપાવવાની દિવ્યશક્તિ ધરાવે છે. કારણ કે, શ્રીહરિ આ જળ પોતે ગ્રહણ કરતા, આ જ કૂવાના જળથી પોતે સ્નાન પણ કરતા. આ કૂવાએ પોતાના જળ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે. શ્રીહરિની કૃપાવર્ષાથી જ આ કૂવાનું જળ દિવ્યામૃત તુલ્ય બન્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળા આ પવિત્ર કૂવામાં હજુ આજે પણ જળ છે. આ કૂવાનું જળ આજે પણ દાસભાવે સેવા કરી રહ્યું છે. જ્યારે જ્ઞાનબાગમાં દર્શનાર્થીઓ દર્શને જાય છે ત્યારે આ કૂવાના પવિત્ર જળનું પાન કરી શકે છે. બાર બારણાંનો હિંડોળો
જ્ઞાનબાગના આ જ પવિત્ર સ્થળે ભગવાન શ્રી સ્વામિનારાયણ હિંડોળામાં ઝૂલ્યા હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ ભક્તિભાવથી પોતાના સ્વહસ્તે કલાત્મક હિંડોળાનું નિર્માણ કર્યું હતું. આ હિંડોળામાં સંતો- હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણને ઝૂલાવ્યાં હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ બાર બારણાંના હિંડોળે બિરાજમાન થયા ત્યારે સૌ હરિભક્તો હર્ષનાદથી ઝૂમી ઊઠ્યા હતા. દિવ્યાનંદની મસ્તીમાં રસતરબોળ સૌ સંત-હરિભક્તો હિંડોળાની ચોતરફ ગોઠવાયેલા હતા. સૌની નજર માત્ર ભગવાન સ્વામિનારાયણના દર્શનનું સુખ લેવામાં જ રહેતી હતી. પણ, કેટલાક સંતો-હરિભક્તોને તેમનાં સન્મુખ દર્શનનું સુખ પ્રાપ્ત નહોતું થતું. પોતાના ભક્તોની વ્યથા પળવારમાં પામી જઈ ભગવાન સ્વામિનારાયણે બાળ સ્વરૂપ ધારણ કર્યાં અને હિંડોળાના બારેય બારણે સૌને સન્મુખ દર્શનનું સુખ આપ્યું હતું. દરબાર ગઢ
સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ, 2 માસ અને 1 દિવસ આ પૃથ્વી ઉપર રહ્યા. શ્રીજી મહારાજે એમની જીવનલીલાના સમયકાળનો લગભગ અડધો સમય ગઢપુર દાદાખાચરના દરબારમાં વ્યતીત કર્યો તથા બીજાં ગાર-માટીનાં ઘરોમાં શ્રીહરિ નિવાસ કરતા. એ પ્રસાદીનાં મકાનો પરથી આ દરબાર ગઢ તૈયાર કર્યો છે. એ જ પ્રકારના ઓરડા, ઓસરી, દરવાજા, થાંભલા, ફાંસડા, જાળિયાં, પ્રસાદીના પટારા તેમજ દીવાલો તથા ઓસરીની સજાવટનાં આબેહૂબ દર્શન અહીં થાય છે. શ્રીજી મહારાજ જે ઢોલિયામાં સૂતા, બેસતા તથા ઝુલતા એની જ પ્રતિકૃતિઓ અહીં પધરાવી છે. પ્રદર્શન ખંડ
જ્ઞાનબાગની આ પવિત્ર ધરતી ઉપર સૌને શ્રીજી મહારાજનાં દિવ્ય લીલાચરિત્રોનાં દર્શન કરવાનું પુણ્યસુખ પ્રાપ્ત થાય તેમજ મનુષ્યો દર્શન, વાંચન અને શ્રવણ એ ત્રણેયનું સુખ લઇ શકે તે માટે ત્રણ વિશાળ પ્રદર્શન ખંડનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ મજલાની શ્રી સ્વામિનારાયણ ધામ (હવેલી), ગઢપુર દર્શન અને વડતાલ ધામ એમ ત્રણ વિશાળ અને કલાત્મક પ્રદર્શન ખંડમાં શ્રી હરિની વિવિધ લીલાનાં દર્શન કરાવતાં કલાત્મક તૈલચિત્રોનું વિશાળ પ્રદર્શન છે. જુદા જુદા પહેરવેશમાં શ્રી હરિનાં દર્શન, આશ્રિત હરિભક્તો સાથે જ્ઞાનવાર્તા, સમૈયા-ઉત્સવો, જુદાં જુદાં સ્થાનોમાં શ્રી હરિનું વિચરણ આમ ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવનલીલાનું દર્શન કરાવતાં અસંખ્ય તૈલચિત્રોને નિહાળીને, મનુષ્ય ભગવાનનું સામીપ્ય અહીંયા અનુભવે છે. આ ત્રણેય વિશાળ પ્રદર્શન ખંડમાં ભગવાન સ્વામિનારાયણે જેનો લાંબા સમય સુધી ઉપયોગ કર્યો હતો, તેવી જુદી જુદી અનેક ચીજવસ્તુઓ જેમ કે, ચાખડી, અંગરખું, સુરવાળ, વાસણો, મજૂસ, રથ, સિંહાસન, ઢોલિયા (પલંગ), ફાનસ, લેખની, તકિયો વગેરે અગણિત પવિત્ર પદાર્થો ખૂબ કાળજીપૂર્વક ભક્તોના દર્શનસુખ માટે અહીં ખૂબ જતન કરીને પધરાવવામાં આવ્યા છે. આ ત્રણેય પ્રદર્શન ખંડમાં પ્રત્યેક તૈલચિત્રની પણ માહિતી મૂકવામાં આવી છે. ગોપાળાનંદ સ્વામી-નિત્યાનંદ સ્વામીની છત્રી
શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહાન પ્રતાપી અને આજ્ઞાકારી સંતો પૈકી ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર આ જ પવિત્ર સ્થળ ઉપર કરવામાં આવ્યાં હતા. ગોપાળાનંદ સ્વામીએ બાલ્યકાળથી જ અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો હતો. સ્વામીએ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથો રચ્યા. તદ્ઉપરાંત વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર વગેરે ગ્રંથોનું ગહન જ્ઞાન તેમણે ખૂબ સરળતાથી અનેક જીવને સમજાવ્યું હતું. ગોપાળાનંદ સ્વામીએ 71 વર્ષની ઉંમરે, સંવત 1908ના વૈશાખ વદ-4ના દિવસે દેહત્યાગ કર્યો હતો. નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજય, હરિકવચ, શાંડિલ્ય સૂત્ર ભાષ્ય જેવા અનેક ગ્રંથોની સંસ્કૃત ભાષામાં રચના કરી હતી. તેમણે 44 વર્ષની ઉમરે, સંવત 1903ના માગશર સુદ 8ના રોજ દેહત્યાગ કર્યો હતો. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના પાર્થિવ દેહનો જ્ઞાનબાગમાં જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. 650થી વધુ તૈલી ચિત્રોનો ચિતાર આર્ટ ગેલેરીમાં રજૂ કરાયો
જ્ઞાનબાગના લાલજીભગતે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારા ગુરુ કાનજી ભગત ઘણા વર્ષો અહીંયા રહ્યા હતા. લગભગ 60 વર્ષથી તેમણે સતત જ્ઞાનબાગમા રહી સંપ્રદાયની તમામ પ્રવૃત્તિઓનો પ્રસાર કર્યો હતો. જ્ઞાનબાગમા ભગવાન સ્વામિનારાયણ નિવાસ કરીને રહેતા હતા. જ્ઞાનબાગમા પ્રવેસ કરતાની સાથે 10 ફુટ ઊચી તેમની બેઠક હતી કે જ્યાંથી ભગવાન જ્ઞાન, ઉપદેશ આપતા હતા. અહીંયા ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવ ખેલ્યો હતો તે હોજ પણ છે. આંબલો છે ત્યાં નિવાસ કરતા હતા. અહીંયા ભગવાને દિપોત્સવ પણ મનાવ્યો છે. મહારાજ અહીંયા ઘણી વખત થાળ પણ જમેલા છે. ભગવાને બાળ સ્વરૂપ ધારણ કરી હરિભક્તોને દર્શન આપેલ છે. પ્રસાદીનો કુવો પણ સચવાયેલો છે. આ જ્ઞાનબાગ 12-13 વિઘા જમીનમાં પથરાયેલો છે. જ્યાં સ્વામિનારાયણ ભગવાનના જીવન, ઉપદેશ, આચરણ, લીલા આધારિત 650થી વધુ તૈલી ચિત્રોનો ચિતાર આર્ટ ગેલેરીમાં રજૂ કરાયો છે. અહીંયા 4 આર્ટ ગેલેરી છે. જ્ઞાનબાગમાં જે લોકો આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે: હરિભક્ત
ભાવનગરથી જ્ઞાનબાગમા દર્શને આવેલા હરિભક્ત જયેશભાઇ સોમાણીએ જણાવ્યું કે, વડતાલ મંદિરને આજે 200 વર્ષ પૂર્ણ થયા છે વડતાલનું પહેલા નામ વ્રતપૂરી હતું. અહીંયા જ્ઞાનબાગમાં જે લોકો આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ ઉત્સવમાં હું અને મારા પરિવાર સહભાગી થયા છે અહીંયા જ્ઞાનબાગમા ભગવાનની હયાતીના સ્વરૂપો છે. ભગવાને પોતે લીલા કરી હતી, ભગવાને સ્વામિનારાયણે જોબનજીના હાથમાંથી હથિયારો હેઠા મુકાવી માળા ફેરવતા કરી દીધા હતા એનું પણ અહીંયા સાક્ષી પુરે છે. અહીંયા મનની શાંતિનો અનુભવ થાય છે: હરિભક્ત
મુંબઈથી જ્ઞાનબાગના દર્શને આવેલા રૂપેશભાઈ શાહે જણાવ્યું કે, મંદિર પૂર્વે જ્ઞાનબાગમાં મહારાજ પધારતા હતા. આ જ્ઞાનબાગ શાંતિનું પરમધામ છે. અહીંયા ભગવાને દિવ્ય રંગોત્સવ અને દીપોત્સવ મનાવ્યો હતો. અહીંયા મનની શાંતિનો અનુભવ થાય છે તેમજ મહારાજના લીલા ચીત્રોનું ચિત્રકાર દ્વારા તૈયાર થયેલી છબી મારફતે રજૂ કરાયું છે. વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8 કિલો 50 ગ્રામથી વધુ પ્યોર સોનાનાં કાપડમાંથી બનેલાં વાઘા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કર્યા છે. ભક્તોની આંખો આંજી દે તેવા સોનાના વાઘાને 130 કારીગરોએ 18 મહિનાની મહેનત બાદ તૈયાર કર્યાં છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… ગામડાની જીવનશૈલી રજૂ કરતું અને ગૌમાતાના પૂજનથી માંડીને ગૌમાતાની સેવા, પ્રાકૃતિક ખેતીનો સંદેશ સાથેનું પ્રદર્શન અહીંયાં વડતાલ ધામમાં રજૂ કરાયું છે. મહોત્સવ સ્થળે 7 વીઘા જમીનમાં આ ‘ગૌમહિમા દર્શન’ નું પ્રદર્શન ઊભું કરાયું છે. જેમાં એક લાઈવ શો અને અન્ય એક શો દ્વારા ગૌમહિમાને રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાયના છાણમાંથી 200થી વધારે અલગ અલગ વસ્તુઓનો અદભુત નજારો સૌકોઈનાં મન મોહી લે છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… વડતાલ ધામમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ઉજવણીના પાંચમા દિવસે પીએમ મોદીએ સભામંડપમાં ઉપસ્થિત હજારો હરિભક્તોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 200 રૂપિયાના ચાંદીના સિક્કા અને સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તો અને સંતોને સંબોધતા વડાપ્રધાને મહોત્સવમાં રૂબરૂ હાજર ન રહી શકવા બદલ ક્ષમા માગી હતી. આ ઉપરાંત આગામી કુંભમેળાને લઈ સંપ્રદાયને એક ખાસ કામ કરવા અપીલ પણ કરી હતી. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… વડતાલ ધામમાં આવેલા ફૂલ ભંડારની વાત કરીએ તો, મહોત્સવ સ્થળે મુંબઈ, નાસિક, ખેડા વગેરે સ્થળોએથી દૈનિક અઢીસોથી વધુ મણ ફૂલોનો જથ્થો આવે છે. એ બાદ છૂટાં ફૂલોને ગૂંથી હાર બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ડોમમાં ફૂલહારનો સ્પેશિયલ વિભાગ સભામંડપ પાસે ઊભો કરાયો છે. જેમાં હાર બનાવવા દૈનિક 250-300 સ્વયંસેવકો જોડાય છે. આ હાર અને છૂટા ફૂલો તેમજ ગુલાબની પાંખડીઓને સવારે મહોત્સવનાં તમામ સ્થળોએ વિતરણ કરવામાં આવે છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…