અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટનાનો વિવાદ શમ્યો નથી ત્યારે વડોદરાની અંજના હોસ્પિટલમાં વૃદ્ધને બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવીને તેના ફોટા આયુષ્યમાન પોર્ટલમાં મૂકવામાં આવે છે, તેવા આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ થતાં હોબાળો મચ્યો છે. વીડિયોને પગલે શહેરના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ચેકિંગનો ધમધમાટ શરૂ કરાયો હતો. અમદાવાદની ઘટના બાદ વડોદરામાં પણ આવી ઘટના બનતાં રાજ્યભરમાં ચર્ચા જાગી છે. જોકે હોસ્પિટલના તબીબ મુજબ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, વૃદ્ધ ખુશ થઈને ગયા છે. હાલમાં જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જેએવાય યોજના હેઠળ જરૂર વગર હાર્ટની સર્જરી કરી નાણાં કમાવવાના કૌભાંડમાં 2 દર્દીએ જીવ ગુમાવ્યા હોવાનું ખૂલ્યું હતું. ત્યારે વડોદરાની અંજના હોસ્પિટલ અંગે ત્યાં સારવાર લેનાર વૃદ્ધનો વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચ્યો છે. વાસણા-ભાયલી રોડની અંજના હોસ્પિટલ અને ક્લિનિઝઆર્ચ નામની હોસ્પિટલમાં માર્ચમાં રાજેન્દ્ર ભટ્ટ નામના વૃદ્ધ કિડનીમાં પરૂ અને લો બીપીની તકલીફ સાથે દાખલ થયા હતા. આયુષ્યમાન કાર્ડ હેઠળ તેઓએ 14 દિવસ સારવાર મેળવી હતી. જોકે રાજેન્દ્ર ભટ્ટનો માર્ચનો વીડિયો ગુરુવારે વાઇરલ થયો છે. જેમાં તે બોલી રહ્યા છે કે, ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટા પાડીને જતા રહે છે પછી કાઢી નાખે છે. હમણાં ટીમ આવી હતી ત્યારે માસ્ક પહેરાવી રાખ્યું હતું અને ટીમ ગયા બાદ કાઢી નાખ્યું હતું. જેને પગલે રાજ્યભરમાં ચર્ચા જાગી છે. 40 સેકન્ડના હોસ્પિટલના વીડિયોમાં દર્દીએ કહ્યું…
‘ગમે તે આવીને ઓક્સિજન માસ્ક પહેરાવીને ફોટા પાડીને જતા રહે છે, અને પછી કાઢી નાખે છે. હમણાં કોઈ ટીમ આવી હતી ત્યારે 4 કલાક ઓક્સિજન માસ્ક પહેરાવી રાખ્યું હતું અને ટીમ ગયા બાદ કાઢી નાખ્યું હતું.’ હોસ્પિટલમાં ચેકિંગ કરાયું છે પણ કંઈ મળી આવ્યું નથી
મીડિયામાં અંજના હોસ્પિટલનો અહેવાલ ચાલતાં અમારી ટીમ હોસ્પિટલમાં તપાસ કરવા પહોંચી હતી. જોકે ત્યાંથી કંઈ વિવાદાસ્પદ મળી આવ્યું નથી. આ વીડિયો તેના કોઈ સંબંધી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, વૃદ્ધને વીડિયો વિશે જાણકારી નથી. > ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી વાઇરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, દર્દી ેઅમારી સેવાથી સંતુષ્ટ છે
અમે મુલાકાતીને દર્દી પાસે ફોન લઈ જવા દેતા નથી. જોકે તેમના દીકરાએ કહ્યું હતું કે, મારે પરિવાર સાથે વાત કરાવવી છે એટલે લઈ જવા દીધો હતો. તે સમયે આ વીડિયો બનાવ્યો હશે. વીડિયો સ્ક્રિપ્ટેડ છે, તેમાં તથ્ય નથી. અમારી પાસે વૃદ્ધનો અભિપ્રાય છે, જેમાં તે અમારી સેવાથી સંતુષ્ટ હોવાનું જણાવે છે. > ડૉ.અમન ખન્ના, અંજના હોસ્પિટલ હોસ્પિટલના દર્દીઓના તમામ રેકોર્ડ તપાસ્યા, રિપોર્ટ સરકારમાં અપાશે
હોસ્પિટલમાં તપાસ કરી હતી. હાલ 12 દર્દી આયુષ્યમાન હેઠળ સારવાર લે છે. તેઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, હોસ્પિટલ દર્દીની સારી સારવાર કરી રહ્યું છે. દર્દીઓના હોસ્પિટલના રેકોર્ડ તપાસ્યા હતા, જે વ્યવસ્થિત હતા. અમે ઉપરી અધિકારીને રિપોર્ટ આપ્યો છે, જે તે સરકારમાં સુપરત કરાશે. કંઈ ખોટું જણાશે તો કાર્યવાહી કરાશે. > તેજસ પટેલ, આરોગ્ય અધિકારી