back to top
Homeગુજરાત19 લોકોના જીવ સાથે ખેલનાર ડો. પ્રશાંત ઝડપાયો:જરુર વગર લોકોની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરી, ડો. સંજય...

19 લોકોના જીવ સાથે ખેલનાર ડો. પ્રશાંત ઝડપાયો:જરુર વગર લોકોની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરી, ડો. સંજય પટોળિયાની રાજકોટ-સુરતમાં પણ હોસ્પિટલ

ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર, સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ જે સંજય પટોલીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોલિયાની રાજકોટમાં અને સુરતમાં પણ એક એક હોસ્પિટલ આવી હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડો. સંજય પટોળિયા છે. ખ્યાતિકાંડ મામલે હોબાળો મચ્યા બાદ આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી બેઠકમાં હોસ્પિટલ સામે આકરી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આરોગ્યવિભાગ અને પોલીસની આગળની તપાસમાં આ મામલે હજી પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. આ પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો. પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. ડો. પ્રશાંત વઝીરાણી
ડો. કાર્તિક પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી
ચિરાગ રાજપૂત, CEO ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને અમદાવાદ લાવી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વઝીરાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે. 19 દર્દીઓને એન્જિયોગ્રાફીની કે એન્જિયોપ્લાસ્ટીની જરુરીયાત ન હોવા છતા ડો. પ્રશાંત વજીરાણીએ પૈસા કમાવવા તમામના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. ડો. સંજય પટોળિયાની રાજકોટમાં પણ એક હોસ્પિટલ
ખ્યાતિકાંડમાં જે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના એક ડો. સંજય પાટોડીયા રાજકોટમાં પણ હોસ્પિટલમાં ધરાવે છે. રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર ન્યુ લાઈફ હોસ્પિટલ હોસ્પિટલ આવેલી છે. ડો. સંજય પાટોડીયા આજે 6 ઓપરેશન કરવાના હતા જે તમામ રદ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો ડો. સંજય પટોળિયાની ત્રણ શહેરમાં અલગ અલગ નામે હોસ્પિટલ
ખ્યાતિકાંડમાં જે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તે પૈકીના એક તબીબ એવા ડો. સંજય પટોળિયાની અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતમાં પણ હોસ્પિટલ આવેલી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય હોસ્પિટલના નામ અલગ અલગ છે. અમદાવાદમાં હાલ જે હોસ્પિટલ ચર્ચામાં છે તે ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરનાર ડો. સંજય પટોળિયા છે. જે પહેલા એશિયન બેરિયાટ્રીક નામે હતી. ડો. નરવાડીયા સહિતના બે ભાગીદાર તબીબો કોઈ કારણોસર પાર્ટનરશીપમાં છૂટા પડતા આ હોસ્પિટલમાં કાર્તિક પટેલની એન્ટ્રી થઈ હતી અને તેનું નામ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. ડો. સંજય પટોળિયાની આ ઉપરાંત રાજકોટમાં જે હોસ્પિટલ છે તેનું નામ ન્યુ લાઈફ હોસ્પિટલ અને સુરતમાં હોસ્પિટલ છે તેનું નામ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે. સરકારી નોકરી છોડી ડો. સંજય પટોળિયાએ ખાનગી પ્રેકટિસ શરૂ કરી
ડો. સંજય પટોળિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓએ ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેકટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યુ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી. જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું. જે હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે. જરુર ન હોવા છતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી
નિષ્ણાંત ડોક્ટરોએ કરેલી આ તપાસમાં સામે આવ્યું છે કે, આ દર્દીઓને કોઇપણ બીમારી ન હતી અને તેમને એન્જિયોગ્રાફિ કે એન્જિયોપ્લાસ્ટી કરવાની કોઇ જરૂરિયાત ન હતી. તમામ આરોપીઓએ ભેગા મળી સરકારની પી.એમ.જે.એ.વાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના બદ ઇરાદાથી પૂર્વયોજિત ગુનાહિત કાવતરુ રચી અને દર્દીઓની વાસ્તવિક અને સાચી શારીરીક પરિસ્થિતી ન દર્શાવી ખોટી હકિકત દર્શાવી તેમજ દર્દીઓને ગેરમાર્ગે દોરી દર્દીઓ પાસે સ્ટેન્ટ મુકાવવા અને દર્દીઓ પાસે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ખોટી રીતે સંમતિ પત્રમાં સહી લીધી હતી. તેમના ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ટ મુકી હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવાના હેતુથી બે દર્દીના મોત નિપજાવ્યા હતા. અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન કરી શારીરિક ઇજા પહોંચાડી હોવાથી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર ફરીયાદ કરી છે. આ સાથે કમિટિનો તપાસ અહેવાલનો રિપોર્ટ રજૂ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ મામલે અક્ષરશ: ફરિયાદ
મારું નામ ડો. પ્રકાશ ઇશ્વરલાલ મહેતા, ઉંમર વર્ષ 60, ધંધો નોકરી, રહે. મકાન નં. ૩૦, સુર્યાય બંગલો, ગુજરાત હાઇકોર્ટ પાછળ, સોલા, અમદાવાદ રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવુ છું કે, હું ઉપર બતાવેલા સરનામે મારા પરિવાર સાથે રહું છું અને હાલમાં ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ. કમ સિવિલ સર્જન, સિવિલ હોસ્પિટલ, સોલા ખાતે ફરજ બજાવું છું. અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બનેલા બનાવ અનુસંધાને મને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યો છે.ગઇ તા. 12/11/2024ના રોજ સવારે આશરે 10:00 વાગ્યાની આસપાસ કમિશનર (આરોગ્ય)ની કચેરી, ગાંધીનગરથી મને ફોન આવ્યો કે અમદાવાદ શહેર એસ.જી. હાઇવે, પકવાન ચાર રસ્તા પાસે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે વ્યક્તિનાં આઇ.સી.યુ.માં મોતનો બનાવ બન્યો છે. જે બાબતે હાલમાં મીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થાય છે તે સંદર્ભમાં તપાસ કરવાની હોવાથી આપની હોસ્પિટલમાંથી મેડિસિન વિભાગના એક નિષ્ણાંત ડોક્ટર અને એનેસ્થેસિયા વિભાગના એક નિષ્ણાંત ડોક્ટરનું નામ તપાસ કમિટિની રચના કરવા માટે આપો તેમ જણાવતાં મે મારી હોસ્પિટલમાંથી મેડિસિન વિભાગનાં ડોક્ટર હર્ષા જીવરાજાણી અને એનેસ્થેસિયા વિભાગના ડો. ઇલાબેન પ્રજાપતિનું નામ આપ્યું હતું. આરોગ્યની કચેરી દ્વારા આ ટીમના અધ્યક્ષ તરીકે નિમણૂક
(1) ડૉ. યુ.બી. ગાંધી, ડે. ડાયરેક્ટર, પી.એમ.જે.એ.વાય
(2) ડૉ. ગજેન્દ્ર દુબે, કાર્ડીયોલોજીસ્ટ
(3) ડૉ. પ્રકાશ મહેતા, ઇ.ચા. સી.ડી.એમ. ઓ., સિવિલ હોસ્પિટલ-સોલા, અમદાવાદ
(4) ડૉ. ઇલાબેન પ્રજાપતિ, એનેસ્થેટીસ્ટ, સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ
(5) ડૉ. હર્ષા જીવરાજની, મેડીસીન, સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ
(6) ડૉ. શૈલેષ આનંદ, પી.એમ.જે.એ.વાય
(7) કે.બી. પરમાર, વહીવટી અધિકારી, સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ જેમાં હું પણ આ ટીમનો સભ્ય હતો અને અમે તમામ તા. 12/11/2024ના રોજ સવારે આશરે 11:30 વાગે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગયો તો અમને જાણવા મળ્યું કે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા તા. 10/11/2024ના રોજ કડી તાલુકાના બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે કેમ્પમાં ગ્રામજનોની હેલ્થ ચેક-અપ કરી હોસ્પિટલ દ્વારા 19 દર્દીઓને વધુ તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલમાં લક્ઝરી બસ દ્વારા લાવી દાખલ કરી તેમની એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સાત પેશન્ટની એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યા તે પૈકી બે દર્દી મોત થયા છે તેવુ જાણવા મળ્યું હતું. જેથી અમે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ બોરીસણા ગામના 15 દર્દીઓની મુલાકાત લીધી અને તેમની પૂછપરછ કરી હતી. જેમાં તેમના રિપોર્ટ તથા એન્જિયોગ્રાફીની સી.ડી. મેળવી અને અમને જાણવા મળ્યું કે આ 19 પૈકી 2 દર્દી સવારે હોસ્પિટલ છોડી જતા રહ્યા છે તેવું પણ જાણવા મળ્યું જેથી અમારી ટીમ દ્વારા બોરીસણા ગામના દર્દી આનંદીબેન બાબુલાલ પટેલ
અમરાબેન નારણભાઇ પટેલ
રણછોડભાઇ પ્રજાપતિ
શશીબેન અમરતભાઇ પ્રજાપતિ
ભરતકુમાર ગણેશભાઇ પ્રજાપતિ
પોપટભાઇ રામાભાઇ રાવળ
જ્યોત્સનાબેન પટેલ
રમીલાબેન પટેલ
કોકીલાબેન પટેલ
રમેશભાઇ પથાભાઇ ચૌધરી
કાંતાબેન પ્રજાપતિ
બચુભાઇ બારોટ
દશરથભાઇ પટેલ
રમેશભાઇ પટેલ
દિનેશભાઇ પટેલ
કાંતિભાઇ પટેલ
જવાનજીભાઇ ઠાકોર મૃતક
મહેશભાઇ બારોટ
નાગરભાઇ સેનમા તમામની ફાઇલ તથા એન્જિયોગ્રાફીની સી.ડી. લઇ તમામ ટીમના ડોક્ટરોએ તેમના રેકોર્ડ, એન્જિયોગ્રાફી રિપોર્ટ, એન્જિયોગ્રાફીની સી.ડી., ઇ.સી.જી.ના રિપોર્ટ અને ઇકો કાર્ડીયોગ્રાફીના રિપોર્ટ વગેરેની વ્યક્તિગત તપાસ મારી સોલા સિવિલ હોસ્પિટલમાં તથા પી.એમ.જે.એ.વાયની કચેરીમાં કરી અને તેનો રિપોર્ટ તૈયાર કર્યા જે રિપોર્ટની વિગત નીચે મુજબ છે. આ દર્દીઓના કેસમાં કોઇપણ પ્રકારનું એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂરીયાત માટેનું કોઇપણ પ્રકારનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાઇ આવ્યું નથી. તેમ છતાં આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થયાનું જણાઇ આવ્યું છે. આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મુકવામાં આવ્યા તેમની એન્જિયોગ્રાફીના ફિજિકલ ફાઇલની અંદરના રિપોર્ટ અને એન્જિયોગ્રાફીની સી.ડીમાં વિસંગતતા જણાઇ આવે છે. અને તેઓએ રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ બતાવી છે તેવું બ્લોકેજ સી.ડી.માં જોવા મળ્યું નથી. આ દર્દીઓના ઓપરેશન પછીની સારવાર સંતોષકારક અને સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોટોકોલને અનુસરતી હોય તેમ જણાઇ આવ્યું નથી. આ દર્દીઓના કેસમાં કોઇપણ દર્દીને દાખલ કરતી વખતે તથા દર્દીની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા અંગે દર્દીની કે દર્દીના સગાનું મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નથી. મૃત્યુ પામેલા દર્દી મહેશભાઇ બારોટની વિગત તપાસતા એવું જણાય છે કે, તેઓને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા માટેનું કોઇ યોગ્ય મેડિકલ કારણ ન હતું. તેમના એન્જિયોગ્રાફી રિપોર્ટમાં ડાબી ધમની (મીડ એલ.સી.એક્ષ) 80% બ્લોકેજ દર્શાવેલી હતી, પરંતુ એન્જિયોગ્રાફીની સી.ડી. વીડિયોમાં મીડ એલ.સી.એક્ષ ધમની બ્લોકેજ હતી નહી અને આ મીડ એલ.સી.એક્ષ ધમની સિવાયની ઓ.એમ. ધમનીમાં 30થી 40% બ્લોકેજ જણાવ્યું અને એન્જિયોગ્રાફી રિપોર્ટમાં જમણી બાજુની ધમનીમાં 90% બ્લોકેજ લખ્યું હતું, પરંતુ એન્જિયોગ્રાફીની સી.ડી. વીડિયોમાં 30થી 40% બ્લોકેજ જોવા મળ્યું જેથી આ હોસ્પિટલ દ્વારા પી.એમ.જે.એ.વાય યોજનાનો લાભ મેળવવા આ દર્દી મહેશભાઇ બારોટની બંને ધમની 80% થી વધારે રિપોર્ટમાં દર્શાવી છે. જ્યારે ખરેખર આ દર્દી મહેશભાઇની બંને ધમની 30થી 40% બ્લોકેજ જોવા મળ્યું છે. જેમાં એન્જિયોપ્લાસ્ટીની જરૂરીયાત જણાતી નથી. અને આ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હોસ્પિટલ દ્વારા જરૂરી મેડિકલ કાળજી લીધી નથી. મૃત્યુ પામેલા બીજા દર્દી નાગરભાઇ સેનમાની વિગતો તપાસતા એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા માટેનું કોઇ પ્રાથમિક મેડિકલ કારણ જણાઇ આવ્યું નથી. અને એન્જિયોગ્રાફી રિપોર્ટમાં ડાબી ધમનીના બે ભાગ (પ્રોક્ષિમલ અને મીડ એલ.એ.ડી.) માં 90% બ્લોકેજ દર્શાવ્યું છે, પરંતુ એન્જિયોગ્રાફીની વીડિયો સી.ડી.માં મીડ એલ.એ.ડી.માં 80% અને પ્રોક્ષિમલ એલ.એ.ડી.માં 50% બ્લોકેજ જોવા મળ્યો છે. એન્જિયોગ્રાફી રિપોર્ટમાં દર્શાવ્યા આકૃતિમાં જમણી ધમનીમાં 90% બ્લોકેજ દર્શાવવામાં આવ્યું, પરંતુ આ બ્લોકેજનો રિપોર્ટમાં કોઇ ઉલ્લેખ કર્યો નથી. અને એન્જિયોગ્રાફીની વીડિયો સી.ડી.માં જમણી બાજુની કોઇ ધમની બ્લોકેજ હતી નહીં, પરંતુ મેડિકલ એડવાઇઝમાં જમણી ધમનીમાં પણ એન્જિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપવામાં આવ્યો છે. અને આ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હોસ્પિટલ દ્વારા જરૂરી મેડિકલ કાળજી લીધી નથી. અને આ દર્દીની હૃદય અને શ્વાસોશ્વાસ બંધ થવાની સ્થિતિમાં આપવામાં આવતી સારવાર (સી.પી.આર)ની નોંધના સમયમાં ચેકચાક કરી છે. અને દર્દીના મૃત્યુ સમયે કોઇ કાર્ડિયોલોજિસ્ટ હાજર હોય તેવી રિપોર્ટમાં નોંધ નથી. જેથી આ દર્દી નાગરભાઇ સેનમાની 90% ધમનીવાળુ સ્ટેન્ટ મેડિકલ પ્રોટોકોલ મુજબ બરાબર મુકેલ છે, જ્યારે આ દર્દી નાગરભાઇ સેનમાની બીજી ધમની બ્લોકેજ ન હોવા છતાં પી.એમ.જે.એ.વાય યોજનાનો વધુ લાભ મેળવવા સ્ટેન્ટ મુકેલ હોવાનું જણાઇ આવ્યું છે. વધુમાં, તપાસ કરતાં આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સારવાર કરનાર ડો. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપુત, સી.ઇ.ઓ. હોવાનું મને જાણવા મળ્યું છે.જેથી અમારા રિપોર્ટ પરથી પ્રાથમિક રીતે જણાઇ આવ્યું છે કે, આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સારવાર કરનાર ડો. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપુત, સી.ઇ.ઓ. તથા તપાસમાં મળી આવે તે તમામે ભેગા મળી સરકારની પી.એમ.જે.એ.વાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના બદ ઇરાદાથી પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. અને દર્દીઓની વાસ્તવિક અને સાચી શારીરિક પરિસ્થિતી ન દર્શાવી ખોટી હકિકત દર્શાવી દર્દીઓને ગેરમાર્ગે દોરી દર્દીઓ પાસે સ્ટેન્ટ મુકાવવા અને દર્દીઓ પાસે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ખોટી રીતે સંમતિ પત્રમાં સહી લીધી હતી. તેમને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની જરૂરીયાત ન હોવા છતાં ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ટ મુકી ઓપરેશન અર્થે હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવા માટેના હેતુથી બે દર્દીના મોત નિપજાવ્યા છે. અને અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન કરી શારીરિક ઇજા પહોંચાડી હોઇ મારી આ તમામ વિરૂધ્ધ કાયદેસર તપાસ થવા ફરિયાદ છે. આ સાથે અમારી કમિટિનો તપાસ અહેવાલનો રિપોર્ટ આ બરાબર રજૂ કરૂં છું. મારા સાહેદ મારી કમિટિના સભ્યો તથા ઉપરોક્ત દર્દીઓ તથા ગામના લોકો તથા પોલીસ તપાસમાં મળી આવે તે વગેરે છે. એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે. મને મારી ફરિયાદની નકલ મળી છે.
બી.એન.એસ. 2023ની કલમ 105, 110, 336 (3), 318 અને 61 મુજબ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments