અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ જ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ વખતે સિનિયર સિટિઝનની માથું છૂંદાયેલી હાલતમાં લાશ બોપલ નજીકના ગરોડિયા ગામની સીમ પાસેથી મળી છે. 65 વર્ષના જમીનદલાલ રાતે ઘરેથી હમણાં આવું છું, કહીને નીકળ્યા હતા અને તેમનો સંપર્ક ન હતા તેમનાં પત્નીએ અમેરિકા રહેતાં સંતાનોને આ અંગે જાણ કરી હતી, જેથી અમેરિકાથી તેમણે સંતાનોએ પિતાના આઇફોન મોબાઈલને ટ્રેક કરીને તેમનું લોકેશન શોધ્યું હતું. પરિવારજનો સવારે 9:00 વાગે એ લોકેશન પર પહોંચ્યાં તો ત્યાં દીપક પટેલની લાશ પડી હતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક બે મહિના પહેલાં જ અમેરિકાથી આવ્યા હતા
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે બોપલ નજીક ગરોડિયા ગામની સીમ પાસે 65 વર્ષના દીપક દશરથભાઈ પટેલની માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી હતી. સમગ્ર મામલાની જાણ થતાં બોપલ પોલીસ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી. દીપકભાઈ નિવૃત્તિના સમયમાં જમીનદલાલીનું કામ કરતા હતાં અને તેઓ અવારનવાર વિદેશ જતા હતા. તેઓ તાજેતરમાં તહેવાર હોવાથી ભારત આવ્યા હતા. દીપક પટેલને બોથડ પદાર્થના એક પછી એક ઘા કરી મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અમેરિકા રહેતાં સંતાનોએ પિતાનો ફોન ટ્રેક કર્યો
ગઈકાલે 12 વાગ્યાની આસપાસ દીપક પટેલ તેમનાં પત્નીને એક મિત્ર સાથે જાઉં છું અને કલાકમાં ઘરે આવી જશે, એવું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ મોડીરાત સુધી તેઓ પરત ન આવતાં પત્નીએ તેમનો સંપર્ક કરતાં થયો નહોતો. અવારનવાર ફોન કર્યા બાદ રિસીવ ન થતાં ચિંતામાં આવેલાં તેમનાં પત્નીએ તેમના વિદેશમાં રહેતાં સંતાનો જાણ કરી હતી. પરિવારજનો લોકેશનના આધારે સ્થળે પહોંચ્યાં
એ બાદમાં અમેરિકામાં રહેતાં તેમનાં સંતાનોએ પિતાના આઇફોનને ટ્રેક કરતાં લોકેશન બોપલના ગરોડિયા ગામની સીમ બતાવતું હતું. ત્યાર બાદ પરિવારજનો ઘરેથી તેમના iphoneના લોકેશનના આધારે ગરોડિયા ગામની સીમ પાસે પહોંચ્યાં તો ત્યાં દીપકભાઈની માથું છૂંદાયેલી હાલતમાં લાશ પડી હતી. પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માગ
એ બાદ આ સમગ્ર મામલાની જાણ થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, સાથે એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી. હાલમાં બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને શંકાસ્પદ લોકોને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે બોપલ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં બોપલ નજીકના અનેક અવાવરૂ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ થાય એ માટે સ્થાનિકોની માગ ઊઠી છે.