સુરતમાં બનતી સાડીઓ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ વખણાય છે. સુરતની સાડીની પોતાની અલગ ઓળખ ઉભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી તરીકે પણ જાણીતું છે. સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તેની પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. રાજધાની, શતાબ્દી, દુરન્તો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી છે. ટ્રેનોના નામની સાડીનો ટ્રેન્ડ
સુરતમાં રિંગરોડ તેમજ સારોલી સહિતના વિસ્તારમાં 216 જેટલી ટેક્સ્ટાઈલ માર્કેટ કાર્યરત છે. આ માર્કેટોમાં 1.24 લાખ કરતાં વધુ દુકાનોમાં 70 હજાર જેટલા વેપારી વેપાર કરે છે. વેપારીઓને આકર્ષવા અને પોતાની પ્રોડક્ટ બીજા કરતા અલગ બતાવવા સુરતના કાપડ વેપારી સતત પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સુરતમાં વેપારીઓ દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. આ વેપારી દ્વારા હલદી-ચંદન, આમપાલી, પીહાર, સ્વિટ હાર્ટ, એશ્વર્યા, જેવા અલગ અલગ નામોથી પણ સાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરન્તો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામો સાડીને આપી રહ્યા છે. આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઈન અને કલર્સ પણ એક કરતાં એક ચઢિયાતા છે. સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર જરી, ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરતની સાડીના અતરંગી નામ ચર્ચામાં
સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધીમાં આવી વિવિધ પ્રકારની સાડીઓના નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. કેટલીક બ્રાન્ડ તો એવી છે કે આજે પણ વર્ષો બાદ પણ ગ્રાહકો તેની ડિમાન્ડ કરે છે. સાડીઓના નામ રાખવા પાછળ કોઈ મોટું લોજિક હોતું નથી, પરંતુ વેપારીને પોતાના પ્રોડક્ટને લઈને કોઈ નામ ક્લિક થાય એટલે તરત જ તે નામથી પ્રોડક્ટ શરૂ કરી દે છે. ઘણી વખત સૌથી વધુ ચર્ચામાં રહેતા વિષયો કે ચર્ચામાં રહેતા નામને લઈને તેઓ પોતાના પ્રોડક્ટનું નામ આપી દેતા હોય છે. અત્યાર સુધી સિરીયલોના નામ, સેલિબ્રિટીઓના નામ, મીઠાઈઓના નામ ઉપરથી જ સાડીના નામ આપવામાં આવતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને ટ્રેનના નામથી સાડીઓના નામ આપવાનું શરૂ કરાયું છે. 300થી લઈને 1,000ની રેન્જ સુધીની સાડી
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે ભારતીય રેલવેના નામનો ટ્રેન્ડ શરૂ થયો છે. વંદે ભારતથી લઈને દુરંતો એક્સપ્રેસ સુધીની અલગ અલગ ટ્રેનોના નામ સાથે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે. જેની કિંમત 300થી લઈને 1000 રૂપિયા સુધીની છે. જે શિવફોન મટીરીયલ, રેનીયલ, 60 ગ્રામ વેટલેસ, મટીરીયલથી તૈયાર કરવામાં આવી છે. મોટાભાગની સાડીઓમાં લેસ, સી વોસ્કિય અને પ્રિન્ટ વિથ વર્કનું ચલણ વધારે છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ આ સાડીઓની ડિમાન્ડ છેલ્લા કેટલાક સમયથી વધી છે. જેને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા પણ ઉત્તર ભરત ભારતીય લોકોના ટેસ્ટ મુજબની જ સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રયાસ
ટેક્સટાઇલના વેપારી રાજીવ ઓમરે જણાવ્યું કે, વર્ષોથી અમે ટેક્સટાઇલમાં સાડીઓનો વેપાર કરીએ છીએ અને આ વખતે અલગ પ્રકારનો પ્રયાસ કર્યો છે કે જેથી કરીને અમારી સાડીની ડિમાન્ડ વધે, લોકોનું ધ્યાન આકર્ષાય અને તેની માગ માર્કેટમાં બની રહે. અત્યાર સુધીમાં અમે સેલિબ્રિટીઓના નામથી કે સિરીયલોના નામથી સાડીઓનું નામકરણ કરતાં, પરંતુ આ વખતે શતાબ્દી, દુરંતો અને વંદે ભારત જેવી ટ્રેનો કે જે આજે આપણા દેશની જીવાદોરી સમાન બની ગઈ છે. દેશનો વિકાસ થઈ રહ્યો છે અને રેલવે વિભાગમાં પણ જે પ્રકારે નવી નવી સુપર ફાસ્ટ ટ્રેનો આવી રહી છે તેનાથી લોકોને ખૂબ રાહત થઈ રહે છે. મને વિચાર આવ્યો કે, જે નામ સૌથી વધુ ચર્ચામાં રહે છે તે પૈકી વંદે ભારત ટ્રેન પણ છે તો એને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટ્રેનોના નામ સાથે અમે અમારી સાડીનું વેચાણ શરૂ કર્યું છે. અત્યારે માર્કેટમાં ખૂબ જ સારી રીતે તે ચર્ચામાં આવી ગઈ છે અને તેને લઈને ધીરે ધીરે હવે ઓર્ડર પણ મળવાના શરૂ થઈ ગયા છે.