back to top
Homeગુજરાતકાશી વિશ્વનાથની જેમ ‘જગન્નાથ સર્કિટ’:100 વર્ષ જૂની ચાલી દૂર કરાશે, રહીશોને પાકાં...

કાશી વિશ્વનાથની જેમ ‘જગન્નાથ સર્કિટ’:100 વર્ષ જૂની ચાલી દૂર કરાશે, રહીશોને પાકાં મકાનો અપાશે

શાયર રાવલ

ઉત્તરપ્રદેશમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ પૂર જોરશોરથી ચાલી રહ્યું છે. તેની સમકક્ષ અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરનો વિસ્તાર વધારી પ્લાઝા બનાવવા મ્યુનિ. દ્વારા કામગીરીની શરૂઆત કરાઈ છે. જેના અનુસંધાને 100 વર્ષ કરતા જૂની જગન્નાથ મંદિરની ચાલી ઉપર સરકારે મેગા ડેમોલિશન કરવા નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિ. એ 11 નવેમ્બરે પ્રથમ 15 મકાનોને દૂર કરવા નોટિસ આપી છે. જમાલપુર-ખાડિયા વિધાનસભા મતક્ષેત્રમાં આવતી જગન્નાથ મંદિરની ચાલી, સોમનાથ ભુદરનો આરો અને હનુમાન મંદિરની ચાલીમાં આશરે 300થી વધુ પાકાં મકાનો અને ઝુંપડાઓ છે. પાંચ પેઢી કરતાં વધુ સમયથી પરિવારો અહીં વસવાટ કરે છે. રહીશો પાસે જગન્નાથ મંદિરને ભાડું ચૂકવ્યાની 60 વર્ષ કરતા જૂની ભાડા પહોંચ ઉપલબ્ધ છે. મ્યુનિ. દ્વારા રહીશોને 7 દિવસમાં જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. મ્યુનિ. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, નાગરિકોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ છે. વર્ષોથી રહે છે તેમને પાકા મકાન આપવામાં આવશે. રોજે કમાઈને રોજે ખાવાવાળા આ પરિવારો પાસે રહેવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેમને ચિંતા છે કે, મ્યુનિ. તેમના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વગર ડેમોલિશન કામગીરી શરૂ કરી રહી છે. આ સંદર્ભે રહીશોએ મ્યુનિ. માં વાંધા અરજી કરી છે તેમા ઉલ્લેખ કર્યો છે કે, જગન્નાથ મંદિર ટ્રસ્ટે ઘરના બદલે અલગ જગ્યાની વ્યવસ્થા કરી આપવા તેમને મૌખિક બાંહેધરી આપી હતી. મ્યુનિ. ના ઉચ્ચ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, સરકાર અહીં ટેમ્પલ સર્કિટનો પ્રોજેક્ટ મૂકવા માગે છે. જળયાત્રાનો રસ્તો પહોળો કરવા માટે ડેમોલિશન કરવું જરૂરી છે. કાશી વિશ્વનાથ ધામ કોરિડોર સમકક્ષ અહીં વિશાળ પ્લાઝા તૈયાર કરાશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણી ટાણે હોબાળો ના થાય અને વિપક્ષ મુદ્દો બનાવે નહીં તે માટે હાલ મહોલત અપાઈ છે. નોટીસોનું બંચ તૈયાર છે. પોલીસ બંદોબસ્ત સાથે મંગળવારથી બાકી મકાનોને નોટિસ આપવાનું અને ડેમોલિશનનું કામ એક સાથે શરૂ થઈ શકે છે. મકાનો દૂર કરવા નોટિસ અપાઇ, કોર્પોરેશન કહે છે, પ્રોજેક્ટ માટે ડેમોલિશન જરૂરી વૈકલ્પિક સુવિધા વિના નોટિસ
જગન્નાથ મંદિરની ચાલીમાં ચાર પેઢીથી રહેતા રશ્મીબેન પટેલ કહે છે કે, મ્યુનિ. કર્મચારીઓ 11 નવેમ્બરે જાણ કર્યા વગર જ ઘરની દીવાલ ઉપર નોટિસ ચોંટાડીને ચાલ્યા ગયા છે. સાત દિવસમાં જગ્યા ખાલી કરવા જણાવ્યું છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર નોટિસ આપી છે. લોકોને માથા પરથી છત છીનવાઈ જવાની ચિંતા સતાવી રહી છે. જળયાત્રા માર્ગ ઃ 35 મંદિરોને ઈન્ટરલિન્ક કરવાનો પ્લાન
અમદાવાદ મ્યુનિ. દ્વારા સાબરમતી નદી કિનારે આવેલા સપ્તઋષિના આરાથી લઈ જગન્નાથ મંદિર જલયાત્રા માર્ગ થઈ વસંતચોક ગણેશ મંદિર સુધીના માર્ગમાં આવતા 35 મંદિરોને ઈન્ટરલિન્ક કરાશે. ત્રણ ભાગમાં આ પ્રોજેક્ટને વિભાજિત કરાયો છે. વસંતચોક વિસ્તાર તથા અટલઘાટ સામે નદીના કિનારે રામબારી પાસેના મંદિરોનો સમાવેશ કરતો મંદિર ચોક બનાવાશે. અહીંના પૌરાણિક મંદિરોનો જીર્ણોધ્ધાર કરાશે. સપ્તઋષિના આરા પાસેના મંદિરોનો જીર્ણોધ્ધાર કરી સપ્તઋષિના સ્કલ્પચર મુકાશે. જગન્નાથ મંદિરથી સાબરમતી નદી (સોમનાથ ભુદરનો આરો) સુધીના માર્ગમાં આવતા રામજી મંદિર, મહાદેવ મંદિર વગેરેનો જીર્ણોધ્ધાર કરાશે. જગન્નાથ મંદિરની સામેના ભાગે ભવ્ય ચોક બનશે. સાબરમતી નદીના કિનારે ભવ્ય હેરિટેજ કોન્સેપ્ટથી ગેટ બનાવાશે.
નદીમાં ગેરકાયદે રહેતા લોકોને વિસ્થાપિત કર્યા, તો અમારો શું વાંક
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કર્યું ત્યારે સાબરમતી નદીના પટમાં ગેરકાયદે રહેતા લોકોને સરકારે શહેરમાં જુદાજુદા ઠેકાણે વિસ્થાપિત કર્યા છે. અમે મ્યુનિ. ને ટેક્સ ચૂકવીએ છીએ, લાઈટ બિલ જોડાણ છે. આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી પુરાવા છે તો અમને કેમ સરકાર વૈકલ્પિક સુવિધા આપતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments