પોરબંદરના દરિયામાંથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલો ડ્રગ્સ સાથે આઠ જેટલા ઇરાની શખસને ઝડપી પાડ્યા છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડીરાતે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 4,000 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી
મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. એમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા, જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. એના આધારે એને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી. આઠ જેટલા ઇરાની શખસ નશીલા પદાર્થ સાથે ઝડપાયા
ગુજરાતના સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમી આધારે નેવી, NCB અને ATS દ્વારા ગત રાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં આઠ જેટલા ઇરાની શખસો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવામાં આવ્યા હતા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે SOGની ઓફિસ ખાતે લઇ જવામાં આવ્યા હતા. 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું
ગઈકાલે મોડીરાતથી ચાલેલા ઓપરેશનમાં અંદાજિત 700 કિલો ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી. 173 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરાઈ હતી
અગાઉ પોરબંદરના દરિયામાંથી એનસીબી, એટીએસ અને કોસ્ટગાર્ડે 60 કરોડની કિંમતનું 173 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. એજન્સીઓએ આ સાથે 2 શખસની ધરપકડ પણ કરી હતી. એના આગલા દિવસે 600 કરોડની કિંમતનું 86 કિલો હેરોઇન ઝડપાયું હતું. અત્યારસુધીનો સૌથી મોટો 3,132 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
તો આ જથ્થો મળ્યો તેના આશરે 2 મહિના પહેલાં પોરબંદરના સમુદ્રમાંથી અત્યારસુધીનો સૌથી મોટો 3,132 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળ્યાં હતા. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ-મેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર